તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th June 2026
યુપી વિધાનસભા ચૂંટણી ૨૦૨૭ માટે સપા પ્રમુખે બદલ્યો પેંતરો: મુસ્લિમ-યાદવ (MY) સમીકરણથી આગળ વધીને હવે ઉચ્ચ જાતિના મતો અંકે કરવા અખિલેશ યાદવે શરૂ કરી અનોખી સોશિયલ એન્જિનિયરિંગ પેટર્ન
બહુજન સમાજ પાર્ટીના જૂના બ્રાહ્મણ કાર્ડના સહારે ભાજપના પરંપરાગત વોટબેંકમાં ગાબડું પાડવા સમાજવાદી પાર્ટીએ લખનૌમાં બ્રાહ્મણ નેતાઓ સાથે ગુપ્ત બેઠકોનો દોર શરૂ કર્યો, જનેશ્વર મિશ્ર જયંતી નિમિત્તે રાજ્યભરમાં મેગા કાર્યક્રમો યોજવાની બ્લુપ્રિન્ટ તૈયાર

લખનૌ,ઉત્તર પ્રદેશમાં વર્ષ ૨૦૨૭માં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને અત્યારથી જ રાજકીય ગરમાવો આવી ગયો છે. લોકસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન બાદ ઉત્સાહિત બનેલા સમાજવાદી પાર્ટી (સપા)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે હવે સત્તા મેળવવા માટે પોતાના પરંપરાગત રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર કરવાનું શરૂ કર્યું છે. અત્યાર સુધી માત્ર 'એમવાય' (મુસ્લિમ અને યાદવ) અને 'પીડીએ' (પછાત, દલિત, અલ્પસંખ્યક) ફોર્મ્યુલા પર આગળ વધી રહેલી સમાજવાદી પાર્ટી હવે બહુજન સમાજ પાર્ટી (બસપા)ના સુપ્રીમો માયાવતીની જૂની સોશિયલ એન્જિનિયરિંગની વ્યૂહરચના અપનાવવા જઈ રહી છે. અખિલેશ યાદવે ભાજપના પરંપરાગત વોટબેંક ગણાતા બ્રાહ્મણ સમાજને પોતાની તરફ આકર્ષવા માટે એક ખાસ 'બ્રાહ્મણ કાર્ડ' તૈયાર કર્યું છે.
૧૧૫ બેઠકો પર નિર્ણાયક બ્રાહ્મણ મતો પર સપાની નજર
ઉત્તર પ્રદેશની રાજનીતિમાં બ્રાહ્મણ મતદારોનું વર્ચસ્વ ખૂબ મોટું માનવામાં આવે છે. રાજ્યની અંદાજે ૧૧૫ જેટલી વિધાનસભા બેઠકો પર બ્રાહ્મણ સમાજના મતો હાર-જીત નક્કી કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આ મતો અત્યાર સુધી મોટાભાગે ભાજપની પડખે રહ્યા છે. આ વોટબેંકમાં ગાબડું પાડવા માટે સપા પ્રમુખે લખનૌમાં પક્ષના વરિષ્ઠ બ્રાહ્મણ નેતાઓ અને પદાધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજીને રણનીતિ ઘડી કાઢી છે. આ બેઠકમાં આગામી સમયમાં બ્રાહ્મણ સમાજ સુધી કેવી રીતે પહોંચવું અને તેમને પક્ષ સાથે કેવી રીતે જોડવા તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
માયાવતીની ૨૦૦૭ની ફોર્મ્યુલાનું પુનરાવર્તન કરવાની તૈયારી
રાજકીય વિશ્લેષકોના મતે, વર્ષ ૨૦૦૭ની વિધાનસભા ચૂંટણીમાં માયાવતીએ દલિતોની સાથે બ્રાહ્મણ સમાજને જોડીને 'સોશિયલ એન્જિનિયરિંગ'નો સફળ પ્રયોગ કર્યો હતો અને પૂર્ણ બહુમતી મેળવી હતી. હવે અખિલેશ યાદવ પણ એ જ રસ્તે ચાલીને પોતાના 'પીડીએ' (PDA) ફોર્મ્યુલામાં રહેલા 'A' અક્ષરનો અર્થ 'અલ્પસંખ્યક'ની સાથે સાથે 'અગડા' (ઉચ્ચ જાતિ) તરીકે પ્રોજેક્ટ કરી રહ્યા છે. તેઓ પછાત અને દલિતોની સાથે ઉચ્ચ જાતિના સમીકરણો બેસાડીને ભાજપના વિજય રથને રોકવા માંગે છે.
જનેશ્વર મિશ્ર જયંતી પર યોજાશે મેગા કાર્યક્રમો
આ નવી વ્યૂહરચના અંતર્ગત સમાજવાદી પાર્ટી આગામી ઓગસ્ટ મહિનામાં પક્ષના દિવંગત વરિષ્ઠ નેતા જનેશ્વર મિશ્રની જયંતી નિમિત્તે ઉત્તર પ્રદેશના તમામ જિલ્લાઓમાં મોટા પાયે કાર્યક્રમો આયોજિત કરવાનું આયોજન કરી રહી છે. આ મેગા કાર્યક્રમોના માધ્યમથી સપા બ્રાહ્મણ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં સંમેલનો કરશે અને સમાજના પ્રબુદ્ધ નાગરિકો, સંતો અને યુવાનોને પક્ષ તરફ વાળવાનો પ્રયાસ કરશે. પક્ષના આંતરિક વર્તુળોના જણાવ્યા અનુસાર, વિધાનસભા ચૂંટણીની ટિકિટ વહેંચણીમાં પણ આ વખતે બ્રાહ્મણ ઉમેદવારોને પૂરતું પ્રતિનિધિત્વ આપવાની ખાતરી આપવામાં આવી રહી છે. સપાની આ નવી ચાલને કારણે ઉત્તર પ્રદેશના રાજકારણમાં આગામી દિવસોમાં ભારે ઉથલપાથલ થવાના સંકેતો મળી રહ્યા છે.
(10:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
