તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th September 2026
અવકાશમાં મહાસત્તાઓ વચ્ચે 'સ્પેસ વોર'ના એંધાણ! ચીન-રશિયાના જોખમો સામે અમેરિકાએ પ્રથમ વખત તૈનાત કર્યા ઘાતક 'ઓર્બિટ' સ્પેસ વેપન્સ
અવકાશ પર વર્ચસ્વ અને લશ્કરી-આર્થિક સુરક્ષા માટે અમેરિકાનો ઐતિહાસિક નિર્ણય; ચીને તીવ્ર વિરોધ નોંધાવી અવકાશમાં યુદ્ધની તૈયારીઓ તુરંત બંધ કરવા કરી કડક વિનંતી

વોશિંગ્ટન, તા.૧૫: અવકાશમાં ચીન અને રશિયા તરફથી વધી રહેલા સંભવિત સૈન્ય જોખમો અને પડકારો સામે રક્ષણ મેળવવા માટે યુનાઇટેડ સ્ટેટ્સે (USA) એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પગલું ભર્યું છે. યુએસ સૈન્ય દ્વારા પ્રથમ વખત સ્વીકારવામાં આવ્યું છે કે તેમણે ભ્રમણકક્ષા (ઓર્બિટ) માં "અવકાશ નિયંત્રણ શસ્ત્રો" (Space Control Weapons) તૈનાત કરી દીધા છે. યુએસ એરફોર્સના સેક્રેટરી ટ્રોય મીંકે એર, સ્પેસ એન્ડ સાયબર કોન્ફરન્સમાં જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, આ શસ્ત્રોની તૈનાતી અમેરિકાની લશ્કરી અને આર્થિક સુરક્ષા માટે અત્યંત જરૂરી છે અને તે શત્રુ દેશોની આક્રમક પ્રવૃત્તિઓ સામે સંયુક્ત દળોનું રક્ષણ કરવા માટે પૂરી રીતે સક્ષમ છે.
બીજી તરફ, અમેરિકાના આ વિસ્ફોટક ખુલાસા બાદ ચીને તાત્કાલિક ધોરણે આકરો વિરોધ નોંધાવ્યો છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને એક પ્રેસ બ્રીફિંગમાં વોશિંગ્ટનને અપીલ કરતાં જણાવ્યું કે, અમેરિકાએ બાહ્ય અવકાશમાં તેની લશ્કરી ક્ષમતાઓનો વિસ્તાર કરવાનું અને 'સ્પેસ વોર' એટલે કે અવકાશમાં યુદ્ધની તૈયારીઓ કરવાનું બંધ કરવું જોઈએ. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૦૭ થી રશિયા અને ચીન દ્વારા કરવામાં આવી રહેલા શસ્ત્ર પરીક્ષણો બાદ અમેરિકી સ્પેસ ફોર્સે આ કડક નિર્ણય લીધો છે, જેથી પ્રતિસ્પર્ધી દેશોની કોઈ પણ ગેરસમજ કે ખોટી ગણતરીને અટકાવી શકાય.
અવકાશના લશ્કરીકરણનો ઇતિહાસ શીત યુદ્ધના સમયથી ચાલી આવે છે અને ૧૯૬૭ ની 'આઉટર સ્પેસ ટ્રીટી' હેઠળ ભ્રમણકક્ષામાં સામૂહિક વિનાશના શસ્ત્રો મૂકવા પર પ્રતિબંધ છે. પરંતુ વ્યાપક સુરક્ષા ચિંતાઓને કારણે હાલમાં અમેરિકા, ચીન, રશિયા ઉપરાંત ભારત અને જાપાન જેવા દેશો પણ આંતરરાષ્ટ્રીય નિયમોના માળખામાં રહીને પોતાની અવકાશ ક્ષમતાઓને ઝડપથી વિસ્તારી રહ્યા છે. જોકે, અમેરિકાએ ભ્રમણકક્ષામાં મૂકેલા આ નવા શસ્ત્રોના વિશિષ્ટ ટેકનિકલ પ્રતિકો કે ગોપનીય વિગતો જાહેર કરવાનું ટાળ્યું છે.
(4:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
