<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

ગ્લોબલ ટૂરિઝમ માર્કેટમાં સ્પેન રચશે નવો ઇતિહાસ: આ વર્ષે રેકોર્ડબ્રેક ૧૦ કરોડ વિદેશી પ્રવાસીઓ ઉમટી પડવાનો અંદાજ

મધ્ય પૂર્વની ભૌગોલિક અસ્થિરતા વચ્ચે ટૂરિસ્ટોની પહેલી પસંદ બન્યું સ્પેન; ઓગસ્ટમાં યોજાનારું પૂર્ણ સૂર્યગ્રહણ જોવા ગ્રામીણ વિસ્તારોમાં તમામ હોટેલ્સ અને હોમ-સ્ટે અત્યારથી જ ફૂલ

મેડ્રિડ : યુરોપના સૌથી સુંદર દેશોમાં ગણાતું સ્પેન આ વર્ષે પ્રવાસન ક્ષેત્રે એક નવો વૈશ્વિક કીર્તિમાન સ્થાપિત કરવા જઈ રહ્યું છે. ચાલુ વર્ષે સ્પેનમાં અભૂતપૂર્વ રીતે ૧૦ કરોડ (૧૦૦ મિલિયન) વિદેશી પ્રવાસીઓ આવે તેવી પ્રબળ શક્યતા છે. સ્પેનના પ્રવાસન પ્રધાન જોર્ડી હેરેયુએ સોમવારે પત્રકારો સાથેની વાતચીતમાં આ ઐતિહાસિક આંકડા અંગે સત્તાવાર માહિતી આપી હતી. ફ્રાન્સ પછી વિશ્વમાં પ્રવાસીઓ દ્વારા સૌથી વધુ પસંદ કરાતા આ દેશે વર્ષ ૨૦૨૫માં ૯.૬૮ કરોડ પ્રવાસીઓનું સ્વાગત કર્યું હતું, જે તે સમયનો સૌથી મોટો રેકોર્ડ હતો. પરંતુ આ વર્ષે ઉનાળાની મુખ્ય સિઝનમાં પ્રવાસીઓનો ધસારો જૂના તમામ રેકોર્ડ તોડી રહ્યો છે. 
સરકારી આંકડાઓ અનુસાર, આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર મહિનાના ગાળામાં આશરે ૪.૩ કરોડ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ સ્પેનની મુલાકાત લેશે, જે ગયા વર્ષ કરતાં ૬% વધુ છે. આ પ્રવાસીઓના કારણે જૂન અને સપ્ટેમ્બર વચ્ચે સ્પેનના અર્થતંત્રમાં અધધ... €૬૪ બિલિયન (આશરે ૭૩ બિલિયન યુએસ ડોલર) ની આવક થવાનો અંદાજ છે, જે ગયા વર્ષ કરતાં ૧૦% વધુ છે. આ જંગી આવક સ્પેનના આર્થિક વિકાસને નવી પાંખો આપશે અને તેના અન્ય યુરોપિયન ભાગીદાર દેશો કરતાં તેને આર્થિક રીતે ઘણો આગળ રાખવામાં મદદ કરશે. ૧ ઓક્ટોબર સુધીમાં જ કુલ પ્રવાસીઓનો આંકડો ૮ કરોડ સુધી પહોંચી જવાની આગાહી છે. 
મધ્ય પૂર્વના યુદ્ધ અને સૂર્યગ્રહણથી સ્પેનને લોટરી લાગી ખરેખર તો મધ્ય પૂર્વ (મિડલ ઇસ્ટ) ના દેશોમાં ચાલી રહેલી ભૌગોલિક રાજકીય અસ્થિરતા અને તણાવના કારણે મોટાભાગના વૈશ્વિક પ્રવાસીઓ તે પ્રદેશોના પ્રવાસથી દૂર રહી રહ્યા છે. આ પ્રવાસીઓ હવે સ્પેન સહિતના દક્ષિણ ભૂમધ્ય (Mediterranean) દેશો તરફ વળ્યા છે, જેના લીધે સ્પેનમાં પ્રવાસીઓની માંગમાં અચાનક ઉછાળો આવ્યો છે. પ્રવાસન મંત્રીએ સ્વીકાર્યું હતું કે, થોડા મહિના પહેલાં એવું લાગતું હતું કે યુદ્ધના કારણે વૈશ્વિક પ્રવાસન ધીમું પડશે, પરંતુ સ્પેનના પ્રવાસન બજારે અદભુત સ્થિતિસ્થાપકતા (Resilience) દર્શાવી છે. 
આ ઉપરાંત, આ વર્ષે ઓગસ્ટ મહિનામાં થનારું પૂર્ણ સૂર્યગ્રહણ (Total Solar Eclipse) પણ સ્પેન માટે વરદાન સાબિત થયું છે. આ ખગોળીય ઘટના ઉત્તર સ્પેન અને તેના ગ્રામીણ વિસ્તારોમાં સ્પષ્ટપણે દેખાવાની હોવાથી, દુનિયાભરમાંથી લાખો વિજ્ઞાનપ્રેમીઓ અને પ્રવાસીઓ ત્યાં ઉમટી રહ્યા છે. આના કારણે સ્પેનના પરંપરાગત દરિયાકાંઠાના (બીચ) સ્થળો પરથી પ્રવાસીઓનું ભારણ ઘટ્યું છે અને સામાન્ય રીતે શાંત રહેતા ગ્રામીણ વિસ્તારોના રહેઠાણો અત્યારથી જ હાઉસફુલ થઈ ગયા છે. પ્રવાસન મંત્રી હેરેયુએ સ્થાનિક અને પ્રાદેશિક સરકારોને આ અસાધારણ માંગને પહોંચી વળવા માટે અત્યારથી જ પ્રવાસન સુવિધાઓનું વ્યવસ્થિત સંચાલન કરવાની અપીલ કરી છે.

(7:25 PM IST)