News of Monday, 12th October 2026
શૃંગેરી તીર્થમાં પૂ. મોરારિબાપુની વ્યાસાસને ચાલી રહેલી વિશિષ્ટ 'ભારત સ્વસ્તિક યાત્રા' રામકથા દરમિયાન શ્રોતાઓએ માના વંદના ગાન સાથે ગરબે ઝૂમીને મનાવ્યો નવરાત્રિનો ઉત્સવ : જુઓ વિડીયો
સરસ્વતી એ સત્ય, મહાલક્ષ્મી એ પ્રેમ અને મહાકાળી એ કરુણા સ્વરૂપ હોવાનું જણાવી પૂ. બાપુએ કથા મન, વિવેક અને બુદ્ધિથી સાંભળવા તથા અહમથી દૂર રહેવા પર ભાર મૂક્યો : રેલ યાત્રા દ્વારા કથાપ્રેમી સંઘ હમ્પી તીર્થસ્થાન તરફ આગળ વધ્યો

ઇશ્વરિયા: સોમવાર, ૧૨-૧૦-૨૦૨૬ ના રોજ પ્રાપ્ત અહેવાલ મુજબ, શૃંગેરી તીર્થમાં પૂ. મોરારિબાપુના વ્યાસાસને ચાલી રહેલી વિશિષ્ટ 'ભારત સ્વસ્તિક યાત્રા' રામકથા દરમિયાન સૌ શ્રોતાઓ ગરબે ઝૂમ્યા હતા. આ પવિત્ર અવસરે પૂ. મોરારિબાપુએ નવરાત્રી વંદના સાથે જણાવ્યું હતું કે, સરસ્વતી એ સત્ય, મહાલક્ષ્મી એ પ્રેમ અને મહાકાળી એ કરુણા સ્વરૂપ છે.
ભારત વર્ષની આ વિશિષ્ટ રામકથા 'ભારત સ્વસ્તિક યાત્રા' તેના ત્રીજા દિવસે શૃંગેરી તીર્થમાં યોજાઈ હતી. આ વેળાએ મોરારિબાપુની સાથે સૌ શ્રોતા ભાવિકોએ માતાજીના વંદના ગાન સાથે તાલ મિલાવીને ગરબે ઝૂમવાનો આનંદ માણ્યો હતો. રામકથામાં સ્વસ્તિકના સંદર્ભમાં વાત કરતા પૂ. બાપુએ જાણીતા ગુજરાતી ગીત 'સાથિયા પૂરાવો દ્વારે...' નો ઉલ્લેખ કરીને તેનું ગાન કર્યું હતું.
શૃંગેરી શારદાપીઠના પાવન સ્થાનમાં કથાનું શ્રવણ કરતા પૂ. મોરારિબાપુએ કથા સાંભળવા માટે ત્રણ વિશેષ બાબતો જણાવતા કહ્યું હતું કે કથા હંમેશાં મનથી સાંભળવી જોઇએ, વિવેક સાથે બુદ્ધિથી સાંભળવી જોઇએ, પરંતુ ક્યારેય પણ અહમ કે મદ સાથે ન સાંભળવી જોઇએ. કથા પ્રસંગનું વર્ણન કરતી વેળાએ તેમણે વિશેષ રૂપે યુવાનોને શ્રી હનુમાનજીનો આશ્રય લેવા માટે ભારપૂર્વક જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રેલ યાત્રા સાથે ચાલી રહેલી આ રામકથાના ત્રીજા દિવસે શૃંગેરી તીર્થની કથા સંપન્ન થયા બાદ કથાપ્રેમીઓનો આ સંઘ ચોથા દિવસ માટે હમ્પી તીર્થસ્થાન તરફ પ્રયાણ કરી ચૂક્યો છે. આ વિશેષ રેલ યાત્રા દરમિયાન પણ ભાવિક ભક્તો અરસપરસ સંકીર્તન અને સત્સંગનો દિવ્ય લાભ સતત માણતા રહ્યા છે. (અહેવાલ - મુકેશ પંડિત)
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
