<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

દેશના સાત રાજ્યોમાં ચૂંટણી પંચ દ્વારા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા પુનઃ હાથ ધરવાની જાહેરાત: મતદાર યાદીમાંથી બાકાત રહેલા નાગરિકોને નામ ઉમેરાવવાની મળશે વધુ એક તક

વિપક્ષી વિરોધ વચ્ચે ચૂંટણી પંચનો મોટો નિર્ણય, દિલ્હી અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં ડ્રાફ્ટ યાદીમાં ગેરહાજર કે સ્થળાંતરિત દર્શાવાયેલા મતદારો ફોર્મ-૬ ભરીને ફરી કરાવી શકશે નોંધણી

નવી દિલ્હી : દેશભરમાં ચૂંટણી પંચની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાને લઈને ચાલી રહેલા રાજકીય વિરોધ અને ચર્ચાઓ વચ્ચે ચૂંટણી પંચે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેતા દેશના સાત રાજ્યોમાં આ પ્રક્રિયા ફરીથી હાથ ધરવાની સત્તાવાર જાહેરાત કરી છે, જેનાથી મતદાર યાદીમાંથી નામ કમી થઈ ગયા હોય તેવા નાગરિકોને રાહત મળશે.

 

ચૂંટણી પંચના આ આદેશ અનુસાર, દિલ્હી, મહારાષ્ટ્ર, હરિયાણા, આંધ્રપ્રદેશ, ઝારખંડ, તેલંગાણા અને નાગાલેન્ડ એમ કુલ સાત રાજ્યોમાં એવા મતદારોને ફરીથી તક આપવામાં આવશે જેઓ અગાઉ સર્વે વખતે સ્થળ પર ગેરહાજર હોવાને કારણે, સ્થળાંતર કરી ગયા હોવાથી, મૃત જાહેર થયા હોવાને કારણે કે ડુપ્લિકેટ તરીકે માર્ક થવાના લીધે SIRની ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી બાકાત રહી ગયા હતા.

 

પંચ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જે મતદારોના ગણતરી ફોર્મ પરત મળ્યા નહોતા અને ડ્રાફ્ટ યાદીમાંથી નામ નીકળી ગયું હતું, તેઓ હવે નિયત પ્રક્રિયા મુજબ ફોર્મ-૬ ભરીને પોતાનું નામ ફરીથી મતદાર યાદીમાં ઉમેરાવી શકશે, અને આ માટે અગાઉના દસ વર્ષના મતદાર હોવા છતાં ફોર્મ-૬ ભરવા પર કોઈ ખોટું સોગંદનામું કે ફોજદારી કેસ કરવામાં આવશે નહીં.

 

આ સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા જાળવી રાખવા માટે ચૂંટણી પંચે વહીવટીતંત્રને કડક મોનિટરિંગ મિકેનિઝમ ગોઠવવાના આદેશ આપ્યા છે, જેથી કોઈ પણ સાચો અને પાત્ર મતદાર અંતિમ યાદીમાં નામ સામેલ થવાથી વંચિત ન રહી જાય અને સાથે જ કોઈ ડુપ્લિકેટ મતદારની નોંધણી ન થાય તેની પણ વિશેષ તકેદારી રાખવામાં આવશે.

 

વિપક્ષોના સતત વિરોધ પ્રદર્શનો વચ્ચે ચૂંટણી પંચનું આ નવું પગલું લોકશાહીના પાયા સમાન મતદાન અધિકારને સુરક્ષિત રાખવા અને નાગરિકોને સુવર્ણ તક પૂરી પાડવા માટે અત્યંત મહત્વનું સાબિત થશે, જેને લઈને રાજકીય વર્તુળોમાં પણ ભારે ચર્ચા જાગી છે.

(6:26 PM IST)