<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

સંસદના વિશેષ સત્રનો આજથી પ્રારંભ : મહિલા અનામત બિલ રજૂ થશે

મહિલા અનામત અને સીમાંકન બિલ પર સંસદના વિશેષ સત્રમાં મંથન : સીમાંકન અને અનામતના મુદ્દે સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને : ભારતીય લોકશાહીમાં સૌથી મોટા રાજકીય સુધારાની તૈયારી

નવી દિલ્‍હી, તા.૧૬: ભારતીય રાજનીતિમાં આજે એક નવો ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે, જ્‍યારે મોદી સરકાર લોકસભામાં દેશની ‘અડધી વસ્‍તી' માટે સત્તાના દ્વાર ખોલવા ત્રણ શક્‍તિશાળી વિધેયકો રજૂ કરશે. મહિલા અનામત સુધારો બિલ ૨૦૨૬, સીમાંકન બિલ ૨૦૨૬ અને કેન્‍દ્રશાસિત પ્રદેશ સુધારો બિલ ૨૦૨૬ દ્વારા વર્ષ ૨૦૨૩ના અધૂરા સપનાને હકીકતમાં બદલવાની તૈયારી છે. કેન્‍દ્રીય મંત્રીઓ અર્જુન રામ મેઘવાલ અને અમિત શાહ દ્વારા રજૂ થનારા આ બિલો માત્ર કાયદો નથી, પરંતુ ૨૦૨૯ની ચૂંટણી પહેલા દેશનું રાજકીય ચિત્ર સંપૂર્ણપણે બદલી નાખવાની રણનીતિ છે. સંસદના આ ૧૬ થી ૧૮ એપ્રિલ સુધીના વિશેષ સત્ર પર આજે સમગ્ર દેશની મીટ મંડાયેલી છે.

જોકે, લોકશાહીના આ પર્વમાં વિરોધનો સૂર પણ તેટલો જ બુલંદ છે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી પોતે ૧૮ કલાક લાંબી ચર્ચાની શરૂઆત કરવાના છે, પરંતુ વિપક્ષી ખેમામાં ભારે ગણગણાટ જોવા મળી રહ્યો છે. વિપક્ષી નેતાઓનું કહેવું છે કે તેઓ મહિલાઓના સશક્‍તિકરણના વિરોધમાં નથી, પરંતુ સીમાંકન પ્રક્રિયાના અમલીકરણ અને તેની પદ્ધતિ સામે તેમને ગંભીર વાંધા છે. આ મુદ્દો આગામી ત્રણ દિવસ સુધી સંસદમાં હંગામા અને દલીલોની તોફાની ઇનિંગ્‍સ લાવશે તે નક્કી છે, કારણ કે ૧૭મીએ લોકસભા અને ૧૮મીએ રાજ્‍યસભામાં થનારું મતદાન દેશના ભવિષ્‍યનો માર્ગ નક્કી કરશે.

બીજી તરફ, ભાજપ શાસિત રાજ્‍યોમાં જાણે કે દિવાળી હોય તેવો માહોલ છે. મધ્‍યપ્રદેશના મુખ્‍યમંત્રી મોહન યાદવે વિપક્ષ પર કટાક્ષ કરતા જણાવ્‍યું છે કે, મહિલાઓના હકની આ લડાઈમાં જે અડચણ ઉભી કરશે તેમને જનતા કયારેય માફ નહીં કરે. તેમણે કોંગ્રેસ સહિતના પક્ષો પર નિશાન સાધતા કહ્યું કે હંગામો કરવાને બદલે જો વિપક્ષ ચર્ચામાં ભાગ લેશે તો જ લોકશાહીની ગરિમા જળવાશે. સત્તાપક્ષ આ બિલને પોતાની સૌથી મોટી જીત માની રહ્યો છે, જ્‍યારે વિપક્ષ તેને સીમાંકનની જાળમાં ફસાયેલું પગલું ગણાવી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે ૧૮મી એપ્રિલની સાંજ સુધીમાં આ ‘નારી શક્‍તિ વંદન'અભિયાન કયા મુકામ પર પહોંચે છે.

(10:46 AM IST)