<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

મોદી કેબિનેટના વિસ્તરણની અટકળો તેજ!: ૨૩-૨૪ સપ્ટેમ્બરે ચિંતન બેઠક

મંત્રીઓને દિલ્હી ન છોડવા આદેશ આ બેઠકનો મુખ્ય એજન્ડા શાસન, નીતિનિર્માણ અને વિવિધ ક્ષેત્રોમાં સુધારાઓને વેગ આપવાનો છે

નવી દિલ્હી, તા.૧૭: વડા પ્રધાન મોદી દ્વારા આગામી ૨૩ અને ૨૪ સપ્ટેમ્બરના રોજ બોલાવવામાં આવેલી બે દિવસીય ચિંતન બેઠક પહેલા રાષ્ટ્રીય રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તમામ કેન્દ્રીય મંત્રીઓને દિલ્હીમાં જ હાજર રહેવા કડક આદેશ આપવામાં આવ્યા છે, જેના કારણે લાંબા સમયથી ચાલી રહેલી મંત્રીમંડળના વિસ્તરણની અટકળો વધુ તીવ્ર બની છે. ભાજપ સંગઠનમાં થયેલા તાજેતરના ફેરફારો બાદ આ બેઠકને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

આ બેઠકનો મુખ્ય એજન્ડા શાસન, નીતિનિર્માણ અને વિવિધ ક્ષેત્રોમાં સુધારાઓને વેગ આપવાનો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં મંત્રાલયો દ્વારા લેવાયેલા પગલાં અને નીતિઓ પર વિશેષ પ્રેઝન્ટેશન આપવામાં આવશે. પ્રધાનમંત્રી અગાઉથી જ જનસસ્યાઓનું નિરાકરણ અને સામાન્ય નાગરિકો માટે જીવન સરળ બનાવવાની દિશામાં કામ કરવા પર ભાર મૂકતા આવ્યા છે, જેથી આ બેઠકમાં સમય વ્યવસ્થાપન અને જાહેર સેવા વિતરણ પર પણ મુખ્ય ધ્યાન કેન્દ્રિત થશે.

બીજી બાજુ, આ બેઠકને લઈને વિપક્ષે સરકાર પર આકરા પ્રહારો શરૂ કરી દીધા છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કટાક્ષ કરતા જણાવ્યું છે કે આ ચિંતન બેઠક નહીં પરંતુ સરકાર સામે ચારે બાજુથી થઈ રહેલી ટીકાઓનું પરિણામ છે. તેમણે સંસદના ચોમાસુ સત્ર અને વિપક્ષી એકતાના મુદ્દાઓને લઈને પણ સરકારને ઘેરી છે, જેના કારણે આ બેઠક માત્ર પ્રશાસનિક જ નહીં પરંતુ રાજકીય દ્રષ્ટિએ પણ ખૂબ જ સંવેદનશીલ બની ગઈ છે.

આગામી સપ્તાહે યોજાનારી આ ઉચ્ચસ્તરીય બેઠક માત્ર કેબિનેટના કામકાજની સમીક્ષા જ નહીં કરે, પરંતુ આગામી સમયમાં રાજકીય અને સંગઠનાત્મક મોરચે મોટા ફેરફારોના સંકેતો પણ આપી રહી છે.

મંત્રીમંડળમાં નવા ચહેરાઓને સ્થાન મળશે કે કેમ અને સરકાર નીતિગત નિર્ણયોને કેવી રીતે ઝડપી બનાવશે, તે આ બેઠક પછી જ સ્પષ્ટ થશે. સમગ્ર દેશની નજર હવે દિલ્હીમાં યોજાનારી આ મહત્વપૂર્ણ મંથન પર ટકેલી છે.

(3:32 PM IST)