તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th June 2026
ચંપત રાયનું સ્થાન કોણ લેશે તે અંગે અટકળો તેજ: ટ્રસ્ટના ખજાનચી સ્વામી ગોવિંદ દેવગીરીએ રાજીનામાની પુષ્ટિ કરી, મંદિરમાં અર્પણ કરાયેલી સોના-ચાંદીની ઈંટો અને દાગીના સંપૂર્ણ સુરક્ષિત હોવાની ભક્તોને ખાતરી
અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટમાં મોટો રાજકીય ભૂકંપ: મહાસચિવ ચંપત રાય અને ડૉ. અનિલ મિશ્રાના રાજીનામાથી ખળભળાટ; ૧૧ જુલાઈએ મળશે હાઈપ્રોફાઈલ બેઠક!

અયોધ્યા : રામ નગરી અયોધ્યામાંથી એક અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જેણે દેશભરના ધાર્મિક અને રાજકીય વર્તુળોમાં ભારે હલચલ મચાવી દીધી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના શક્તિશાળી મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી ડૉ. અનિલ મિશ્રાએ અચાનક પોતાના હોદ્દા પરથી રાજીનામા આપી દીધા છે. શનિવારે ટ્રસ્ટના ખજાનચી સ્વામી ગોવિંદ દેવગીરી મહારાજે એક સત્તાવાર પ્રેસ રિલીઝ જાહેર કરીને આ બંને હાઈપ્રોફાઈલ રાજીનામા મળી ગયા હોવાની સત્તાવાર પુષ્ટિ કરી છે. આ રાજીનામા સ્વીકારવા કે નહીં તે અંગે આગામી ૧૧ જુલાઈએ બોલાવવામાં આવેલી ટ્રસ્ટની મહાબેઠકમાં આખરી નિર્ણય લેવામાં આવશે.
મંદિરના પ્રસાદ વિવાદ અને અન્ય આંતરિક ખેંચતાણ વચ્ચે આ રાજીનામા પડતાં જ અયોધ્યામાં અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે કે હવે રામ મંદિરના વહીવટની કમાન કોના હાથમાં જશે. જોકે, ટ્રસ્ટે દેશ-વિદેશના કરોડો રામભક્તોને મોટી ખાતરી આપતા જણાવ્યું છે કે, ભગવાન શ્રી રામલલાના ચરણોમાં અર્પણ કરાયેલી ચાંદીની ઈંટો, કિંમતી ઘરેણાં અને તમામ દાન-સામગ્રી સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેનો એક-એક પાઇનો હિસાબ સરભર છે.
ડૉ. અનિલ મિશ્રાની જગ્યાએ કૃષ્ણ મોહન આવી શકે છે રેસમાં આગળ
ડૉ. અનિલ મિશ્રાના રાજીનામા બાદ રામ જન્મભૂમિ સંકુલના આંતરિક સૂત્રો તરફથી ચર્ચા વહેતી થઈ છે કે કૃષ્ણ મોહનને આ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. કૃષ્ણ મોહન પાછલા કેટલાક દિવસોથી પ્રસાદ ચોરીના કેસમાં કડક વલણ અપનાવીને ગુનેગારો સામે FIR દાખલ કરાવી વાદી બન્યા બાદ અચાનક જ ભારે હેડલાઇન્સમાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર પણ હાલ તેમના નામની જોરદાર ચર્ચા ચાલી રહી છે.
કોણ છે કૃષ્ણ મોહન? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે કનેક્શન
સ્વચ્છ પ્રતિભા ધરાવતો ચહેરો
જાણકાર સૂત્રોના જણાવ્યા અનુસાર, કૃષ્ણ મોહન સરકારી સેવામાંથી નિવૃત્ત થયા બાદ સંપૂર્ણપણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) માં સક્રિય થયા હતા. તેઓ સંઘમાં પાયાના સ્તરેથી કામ કરીને જિલ્લા, રાજ્ય અને ત્યારબાદ પ્રાદેશિક સંઘ ચાલક જેવા જવાબદાર પદો પર રહી ચૂક્યા છે. સંઘના ટોચના નેતૃત્વમાં તેમની કાર્યશૈલી અને ઈમાનદારીની ભારે પ્રશંસા થાય છે. સંઘે તેમના પાછલા પ્રદર્શનનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કર્યા બાદ જ તેમને રામ મંદિર ટ્રસ્ટમાં મૂક્યા હતા, અને હવે બદલાયેલી પરિસ્થિતિમાં તેમને મોટી લોટરી લાગી શકે છે.
૧૧ જુલાઈની બેઠક પર દેશભરની નજર
૧૧ જુલાઈએ મળનારી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની આ બેઠક માત્ર નવા પદાધિકારીઓની વરણી પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ તેમાં મંદિરની સુરક્ષા, પ્રસાદ વ્યવસ્થાના નવા નિયમો અને ભવિષ્યના વિકાસ કાર્યોને લઈને પણ અનેક ક્રાંતિકારી અને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે. ચંપત રાય જેવા કદાવર નેતાના સ્થાને સંઘ અને ટ્રસ્ટ કયા નવા ચહેરા પર ભરોસો મૂકે છે, તેના પર સમગ્ર દેશની નજર મંડાયેલી છે.
(8:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
