<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th November 2026

સ્પાઇસજેટનું આકાશમાં સંકટ ઘેરાયું: દરરોજ ૨૫ થી ૩૦ ફ્લાઇટ્સ રદ થતાં મુસાફરો આહલેક

એરલાઇન તેના નિર્ધારિત સમયપત્રકમાંથી માત્ર અડધી ફ્લાઇટ્સ જ ઓપરેટ કરવા સક્ષમ, એરપોર્ટ પર ભારે અરાજકતા

નવી દિલ્હી : દેશની અગ્રણી બજેટ એરલાઇન સ્પાઇસજેટની ઓપરેશનલ મુશ્કેલીઓ સતત વકરી રહી છે અને ફ્લાઇટ્સ રદ થવાનો દર ચિંતાજનક સ્તરે પહોંચી ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કંપની દરરોજ ઓછામાં ઓછી ૨૫ થી ૩૦ ફ્લાઇટ્સ રદ કરી રહી છે, જેના કારણે હજારો મુસાફરો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સૌથી ગંભીર બાબત એ છે કે મુસાફરોને છેલ્લી ઘડીએ ફ્લાઇટ કેન્સલેશનની જાણ કરાય છે, જેના કારણે એરપોર્ટ પર મુસાફરો ૩ થી ૫ કલાક સુધી રઝળપાટ કરવા મજબૂર બન્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં મુસાફરોનો આક્રોશ અને એરલાઇનની લાચારી સ્પષ્ટપણે જોઈ શકાય છે.

એરલાઇનની કથળતી સ્થિતિ પાછળ તેના કાફલામાં વિમાનોની ભારે અછત મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. સૂત્રો અનુસાર સ્પાઇસજેટ પાસે હવે માત્ર ૧૨ વિમાન બચ્યા છે, જેમાંથી વેટ-લીઝ પર લેવાયેલા ૩ વિમાનો ચુકવણી ન થવાના કારણે ગ્રાઉન્ડેડ એટલે કે સેવા બહાર કરી દેવાયા છે. ડીજીસીએ (DGCA) દ્વારા મંજૂર કરાયેલા શિયાળાના સમયપત્રક અનુસાર એરલાઇને દરરોજ ૬૯ થી ૮૦ એરપોર્ટ મુવમેન્ટ (આગમન અને પ્રસ્થાન) ચલાવવાની જરૂર હોય છે, પરંતુ સીએનબીસી-ટીવી૧૮ દ્વારા મેળવેલા ઓપરેશનલ ડેટા દર્શાવે છે કે કંપની તેની નિર્ધારિત ફ્લાઇટ્સમાંથી અડધા કરતાં પણ ઓછા શિડ્યુલ પર કામ કરી રહી છે.

આ અગાઉ પણ સ્પાઇસજેટ આર્થિક સંકટ, લીઝર્સ સાથેની નાણાકીય ફેડવણીના વિવાદો અને વિમાનોમાં ટેકનિકલ ખામીઓના કારણે ડીજીસીએની નજર હેઠળ આવી ચૂકી છે. એરલાઇન દ્વારા સંચાલન સુધારવાના વારંવાર કરાયેલા દાવાઓ છતાં પણ વાસ્તવિક સ્થિતિ વધુ કથળતી દેખાઈ રહી છે. છેલ્લી ઘડીએ ફ્લાઇટ રદ થવાને કારણે બિઝનેસ ટ્રાવેલર્સ, મેડિકલ ઇમરજન્સી વાળા દર્દીઓ અને સામાન્ય પ્રવાસીઓને આર્થિક તેમજ માનસિક યાતના ભોગવવી પડી રહી છે, જ્યારે ગ્રાહક સેવા કેન્દ્રો તરફથી પણ યોગ્ય વળતર કે વૈકલ્પિક વ્યવસ્થા ન મળવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે.

સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હવે વિમાની નિયામક સંસ્થા ડીજીસીએ દ્વારા સ્પાઇસજેટ સામે આકરા પગલાં લેવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. મુસાફરોના હિતોનું રક્ષણ કરવા માટે એરલાઇનને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી શકે છે અથવા તેના વિન્ટર શિડ્યુલમાં કાપ મૂકીને નિર્ધારિત ફ્લાઇટ્સની સંખ્યા મર્યાદિત કરવામાં આવી શકે છે. આ ઉપરાંત, રદ થયેલી ફ્લાઇટ્સના મુસાફરોને નિયમ મુજબ પૂરેપૂરું રીફંડ અને વળતર ચૂકવવા માટે એરલાઇન પર દબાણ વધારવામાં આવશે, જ્યારે કંપની પોતાના કાફલામાં નવા એરક્રાફ્ટ ફરી સામેલ કરીને સ્થિતિ થાળે પાડવા પ્રયાસો હાથ ધરશે.

(12:06 AM IST)