<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th June 2026

હજ યાત્રાળુઓ સાથે ગેરરીતિ બદલ સ્પાઇસજેટને દંડ: બોર્ડિંગ પાસ હોવા છતાં દંપતીને રોકતા ગ્રાહક આયોગે ફટકાર્યો ₹૬૨,૦૦૦નો ફટકો

મક્કા-મદીનાથી પરત ફરી રહેલા શ્રીનગરના વૃદ્ધ દંપતીને દિલ્હી એરપોર્ટ પર રાત વિતાવવા મજબૂર કરી તેમના સ્થાને 'માનીતા' લોકોને સીટ આપવાનો એરલાઇન પર આક્ષેપ : સેવામાં ખામી બદલ ટિકિટના રિફંડ સાથે માનસિક ત્રાસનું વળતર ચૂકવવાનો ઐતિહાસિક આદેશ

શ્રીનગર: સાઉદી અરેબિયાના પવિત્ર સ્થળો મક્કા અને મદીનાથી હજની યાત્રા પૂર્ણ કરીને ખુશી-ખુશી વતન પરત ફરી રહેલા એક ભારતીય દંપતી માટે સ્પાઇસજેટ (SpiceJet) એરલાઇનની લાપરવાહીના કારણે મુસાફરી એક ભયાનક સપનામાં ફેરવાઈ ગઈ હતી. શ્રીનગરના રહેવાસી ગુલામ નબી ફાફુ અને તેમના પત્ની પાસે કાયદેસરના અને માન્ય બોર્ડિંગ પાસ હોવા છતાં એરલાઇન સ્ટાફે તેમને કનેક્ટિંગ ફ્લાઇટમાં ચઢતા અટકાવ્યા હતા. પીડિત દંપતીએ આ અન્યાય સામે ગ્રાહક અદાલતનો દરવાજો ખખડાવ્યો હતો. શ્રીનગર ગ્રાહક આયોગના અધ્યક્ષ ડૉ. ફરાહ દિબા અને સભ્ય શબનમ માનસ્કીની બેન્ચે આ મામલાની સુનાવણી કરતા સ્પાઇસજેટને ગ્રાહકો પ્રત્યે અયોગ્ય વ્યાપારી પ્રથાઓ અપનાવવા અને સેવામાં ગંભીર ખામી બદલ કડક શબ્દોમાં દોષિત ઠેરવી કુલ ₹૬૨,૦૦૦ ચૂકવવાનો આદેશ આપ્યો છે, જે એરલાઇને હવે સ્વીકારીને ચૂકવી દીધા છે.

આ સમગ્ર વિવાદની વિગત એવી છે કે દંપતી જ્યારે દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યું ત્યારે એરલાઇન્સે છેલ્લી ઘડીએ તેમના બોર્ડિંગ પાસ રદ કરી દીધા હતા. ફરિયાદી ગુલામ નબીએ ગંભીર આરોપ લગાવ્યો હતો કે એરલાઇન સ્ટાફે તેમના બદલે પોતાના "મનપસંદ અને માનીતા" લોકોને ફ્લાઇટમાં બેસાડી દીધા હતા. આટલું જ નહીં, વિરોધ કરવા છતાં એરલાઇને તેમનો ચેક-ઇન કરેલો સામાન પરત કરવામાં કલાકોનો વિલંબ કર્યો હતો. તે સમયે શ્રીનગર માટે અન્ય કોઈ ફ્લાઇટ ઉપલબ્ધ ન હોવાથી આ વરિષ્ઠ હજ યાત્રાળુઓને આખી રાત દિલ્હી એરપોર્ટના ટર્મિનલ પર બેસીને વિતાવવી પડી હતી, જેના કારણે તેમને ભારે શારીરિક અસુવિધા અને અસહ્ય માનસિક વેદનાનો સામનો કરવો પડ્યો હતો.

ગ્રાહક આયોગે એરલાઇનની આ દાદાગીરી સામે લાલ આંખ કરતા વળતરની રકમ નક્કી કરી હતી. કોર્ટે સ્પાઇસજેટને મૂળ ટિકિટના ₹૧૦,૦૭૮ તાત્કાલિક પરત કરવા અને મુસાફરોને નડકેલી માનસિક અને આર્થિક મુશ્કેલીઓ માટે ₹૫૨,૦૦૦નું વધારાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. એરપોર્ટ પર ફસાયા બાદ દંપતીને બીજા દિવસે સવારે ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં ₹૧૩,૪૫૦ જેવું ઊંચું ભાડું ચૂકવીને નવી ટિકિટ ખરીદવાની ફરજ પડી હતી. આ ચુકાદાએ એરલાઇન્સ કંપનીઓની મનસ્વીતા સામે સામાન્ય મુસાફરોના અધિકારોનું રક્ષણ કરતો એક મોટો દાખલો બેસાડ્યો છે.

(4:28 PM IST)