તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
દુબઈ એરપોર્ટ દ્વારા બાકી રકમ ન ચૂકવાતા સ્પાઈસજેટની ચેક-ઇન સેવાઓ સ્થગિત: આર્થિક સંકટને કારણે અનેક ફ્લાઈટ્સ રદ
નાણાકીય ભીંસનો સામનો કરી રહેલી એરલાઇનને મોટો આંચકો, એરપોર્ટ ઓપરેટર દ્વારા પેમેન્ટ ક્લિયર ન થવાને પગલે કડક પગલાં લેવામાં આવ્યા

નવી દિલ્હી, તા.૧૩: દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને અલ મક્તોમ એરપોર્ટનું સંચાલન કરતી સંસ્થા દ્વારા આશરે ૩૫.૮૫ કરોડ રૂપિયા (૧૪ મિલિયન યુએઈ દિરહામ) ની લેણી રકમની ચૂકવણી ન કરવાને કારણે આર્થિક સંકટમાં ઘેરાયેલી સ્પાઈસજેટ એરલાઇનની ચેક-ઇન સેવાઓ બુધવારે અચાનક બંધ કરી દેવામાં આવી હતી.
પ્રાપ્ત સત્તાવાર વિગતો અનુસાર, આ નાણાકીય વિવાદ અને ચુકવણીની શરતોના સતત ઉલ્લંઘનને પગલે દુબઈ એરપોર્ટ દ્વારા એરલાઇનને અગાઉ ઇમેઇલ મોકલીને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી કે વધુ નાણાકીય જોખમ ટાળવા માટે આ પગલું ભરવું અનિવાર્ય બન્યું છે.
આ કડક કાર્યવાહીના પરિણામે અમૃતસર, જયપુર, મુંબઈ અને દિલ્હી તરફ જતી મહત્વની ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ હતી અને કેટલીક ફ્લાઈટ્સને મુસાફરો વગર ફેરી સેવા તરીકે સંચાલિત કરવાની ફરજ પડી હતી, જ્યારે એરલાઇનના સ્ટેશન મેનેજરે સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી અન્ય પ્રસ્થાનો અટકાવ્યા હતા.
સ્પાઈસજેટના પ્રવક્તાએ આ મામે પક્ષકાર અધિકારીઓ સાથે વાટાઘાટો ચાલી રહી હોવાનું જણાવીને પોતાની પાસે પૂરતી બેંક ગેરંટી હોવાનો દાવો કર્યો છે, પરંતુ વર્તમાન સમયમાં એરલાઇન ગંભીર ઓપરેશનલ અને નાણાકીય પડકારોનો સામનો કરી રહી હોવાનું જગજાહેર થયું છે.
વર્તમાન પરિસ્થિતિ પર નજર કરીએ તો એરલાઇનનો કાફલો સંકોચાઈને માત્ર થોડા વિમાનો પૂરતો સીમિત થઈ ગયો છે, અને સપ્ટેમ્બર મહિનામાં સ્થાનિક બજારમાં તેનો હિસ્સો ઘટીને માત્ર ૦.૬ ટકા જેટલો નીચો જતો રહ્યો છે તેમજ ડીજીસીએના નિયમો અનુસાર ફ્લાઈટ્સ રદ થવાનું પ્રમાણ પણ વધ્યું છે.
આગામી સમયમાં સપ્લાયરો અને નાના ધંધાકીય વેપારીઓની બાકી નીકળતી કરોડો રૂપિયાની રકમની ચૂકવણી કરવા તેમજ એરલાઇનની કામગીરીને ફરીથી પાટા પર લાવવા માટે મેનેજમેન્ટ દ્વારા કયા સઘન પગલાં લેવામાં આવે છે તેના પર તમામની નજર રહેશે.
(5:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
