તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 8th September 2026
સ્પાઇસજેટની ઘોર બેદરકારીથી ડાયાબિટીસના દર્દીનો જીવ જોખમમાં મુકાયો: રૂ. ૯,૦૦૦ ના પ્રીમિયમ પેકેજ છતાં ન મળ્યું ભોજન
દિલ્હી-ધર્મશાળા ફ્લાઈટમાં 'સ્પાઈસમેક્સ' ની ૬ માંથી પ સેવાઓ ગાયબ: વિમાન મંત્રાલય અને DGCA ને ટેગ કરીને મુસાફરે એરલાઈન સામે છેતરપિંડીના આકરા આરોપો લગાવ્યા

નવી દિલ્હી : સ્પાઇસજેટ એરલાઇન્સની સેવાઓમાં અવારનવાર સર્જાતી ખામીઓ અને મુસાફરોની અસુવિધાનો વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. દિલ્હીથી ધર્મશાળા જઈ રહેલી ફ્લાઈટ (SG2450) માં મુસાફરી કરી રહેલા એક ડાયાબિટીસના દર્દી મુસાફરે એરલાઈન પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે રૂ. ૯,૦૦૦ નું પ્રીમિયમ પેકેજ લીધું હોવા છતાં તેમને ભોજન પૂરૂં પાડવામાં આવ્યું નહોતું. જેના કારણે તેમની તબિયત જોખમમાં મુકાઈ ગઈ હતી. પીડિત મુસાફર સંદીપ અમરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની આપવીતી શેર કરીને એરલાઈન વિરૂદ્ધ આકરો આક્રોશ ઠાલવ્યો છે.
સંદીપ અમરના જણાવ્યા અનુસાર, તેમણે પોતાના ગ્રુપ માટે સ્પાઇસજેટની પ્રીમિયમ 'સ્પાઇસમેક્સ' (SpiceMax) સેવા બુક કરી હતી, જેના માટે તેમણે પ્રતિ સેક્ટર રૂ. ૪,૫૦૦ લેખે કુલ રૂ. ૯,૦૦૦ નો વધારાનો ચાર્જ ચૂકવ્યો હતો. આ પેકેજમાં પ્રાધાન્ય સેવાઓ, વેલકમ ડ્રિંક, રિફ્રેશિંગ ટુવાલ, ઓશીકું-ધાબળો અને ભોજન સહિત ૬ સુવિધાઓ સામેલ હોય છે. જોકે, ફ્લાઈટ દરમિયાન તેમને માત્ર એક્સ્ટ્રા લેગરૂમ સિવાય અન્ય એકપણ સુવિધા આપવામાં આવી નહોતી.
દવા સાથે ભોજન ન મળતાં મેડિકલ ઈમરજન્સી જેવી સ્થિતિ
મુસાફરે ઉમેર્યું કે તેઓ ડાયાબિટીસના દર્દી છે અને તેમને સવાર-સાંજ દવાઓની સાથે સમયસર ભોજન લેવું અત્યંત જરૂરી હોય છે. ફ્લાઈટમાં બુક કરેલું ભોજન ન મળતાં અને એરલાઈન તરફથી અગાઉથી કોઈ સૂચના કે ઈમેઈલ ન મળતાં તેમની તબિયત પર ગંભીર અસર પડી શકતી હતી. ક્રૂ મેમ્બર્સે સેવાઓ ન મળવા બદલ રિફંડ મેળવવાની સલાહ આપી હતી, પરંતુ ૨ સપ્ટેમ્બરે ઈમેઈલ અને કસ્ટમર કેરમાં ફરિયાદ કરવા છતાં એરલાઈન તરફથી કોઈ પ્રત્યુત્તર મળ્યો નહોતો.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે લીધી નોંધ
આક્રોશિત મુસાફરે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA), નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને રાજ્ય મંત્રી મુરલીધર મોહોલને ટેગ કરીને સવાલ ઉઠાવ્યો હતો કે, "જે એરલાઈન પૈસા લઈને સેવાઓ નથી આપતી, રિફંડ નથી આપતી અને દર્દીઓના જીવ જોખમમાં મૂકે છે, તેને ભારતમાં ઉડાન ભરવાની મંજૂરી કેમ અપાય છે?" આ વિવાદ બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઘટનાની ગંભીર નોંધ લઈને સ્પાઇસજેટ સામે જરૂરી કાર્યવાહી કરવા માટે બાબત આગળ ધપાવી હોવાનો સત્તાવાર જવાબ આપ્યો છે.
(8:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
