તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th July 2026
અટલાન્ટાની ગુજરાતી સંસ્થાઓમાં અધિમાસ અને શ્રાવણ માસ દરમિયાન શ્રીમદ્ ભાગવત કથાનો આધ્યાત્મિક મહોત્સવ : દરરોજ એક હજારથી વધુ ભક્તો લઈ રહ્યા છે કથાશ્રવણનો દિવ્ય લાભ : જુઓ વિડીયો
પૂજ્ય યાદુનાથ મહોદયજીના મુખારવિંદથી ગુજરાતી સમાજ ઓફ એટલાન્ટા ખાતે ભવ્ય આયોજન : અટલાન્ટા વિસ્તારમાં જૂનથી જુલાઈ દરમિયાન યોજાયેલી આ ચોથી ભાગવત કથાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું

(રુચિતા પટેલ દ્વારા) અટલાન્ટા (યુએસએ): અટલાન્ટાના ગુજરાતી અને વૈષ્ણવ સમાજ માટે આ વર્ષનો અધિમાસ અને પવિત્ર શ્રાવણ માસ અત્યંત ભક્તિમય અને આધ્યાત્મિક બની રહ્યો છે. પરમ પૂજ્ય યાદુનાથ મહોદયજીના પવિત્ર વ્યાસપીઠેથી ગુજરાતી સમાજ ઓફ એટલાન્ટા ખાતે તા. ૯ જુલાઈથી ૧૫ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન શ્રીમદ્ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ એક હજારથી વધુ વૈષ્ણવ ભક્તો અને ગુજરાતી સમાજના સભ્યો ભાવપૂર્વક કથાશ્રવણનો લાભ લઈ પ્રભુભક્તિમાં લીન બન્યા છે. જૂન મહિનાની શરૂઆતથી જુલાઈના મધ્ય સુધીના સમયગાળા દરમિયાન અટલાન્ટા વિસ્તારમાં આયોજિત થઈ રહેલી આ ચોથી શ્રીમદ્ ભાગવત કથા છે. આ પહેલાં ગઢપુરધામ સ્વામિનારાયણ મંદિર, અંબાજી શક્તિ મંદિર તથા ગોકુલધામ હવેલી ખાતે પણ શ્રીમદ્ ભાગવત કથાના સફળ આયોજન થયા હતા. અધિમાસ અને શ્રાવણ માસ જેવા પવિત્ર સમયમાં સતત કથાશ્રવણનો અવસર મળવો એ સમગ્ર ગુજરાતી અને વૈષ્ણવ સમાજ માટે ગૌરવ અને સૌભાગ્યની વાત છે.
મુખ્ય યજમાનો અને હોદ્દેદારોનું મહત્વનું યોગદાન:
આ કથાના મુખ્ય યજમાન તરીકે મનોજ ભીમાણી, ચતુર છાભૈયા, હર્ષદ શાહ અને કિશોર પટેલ તથા તેમના પરિવારજનોએ ભાવપૂર્વક સેવા આપી કથાના સફળ આયોજનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને પૂજ્યશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. ગુજરાતી સમાજ ઓફ એટલાન્ટાના પ્રમુખ વિનોદ કસવાલા તથા ચેરમેન યોગી ગઢવાલાએ સમગ્ર સમાજને અપીલ કરી છે કે તા. ૧૫ જુલાઈ, ૨૦૨૬ સુધી ચાલનારી આ પવિત્ર શ્રીમદ્ ભાગવત કથાનો લાભ લઈ પોતાના આધ્યાત્મિક જીવનને સમૃદ્ધ બનાવે.
સેવાભાવી ટીમો દ્વારા મહાપ્રસાદ અને સજાવટની સુંદર વ્યવસ્થા:
દરરોજ કથા પૂર્ણ થયા બાદ ભક્તો માટે સ્વાદિષ્ટ મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે. ગુજરાતી સમાજના રસોડામાં ધીરુભાઈ, ઉમેશભાઈ અને યોગીભાઈ તથા તેમની સેવાભાવી ટીમ પ્રેમ, સમર્પણ અને ભાવનાથી મહાપ્રસાદ તૈયાર કરી ભક્તોની ઉત્તમ સેવા કરી રહ્યા છે. બીજી તરફ, કથા સ્થળની સુંદર અને ભક્તિમય સજાવટમાં શ્રીમતી નિશાબેન પટેલ, શ્રીમતી ભદ્રાબહેન ભટ્ટ, શ્રીમતી રૂચિતા પટેલ, શ્રીમતી પિંકી મહેતા, શ્રીમતી જલ્પાબેન, શ્રીમતી ભાનુબહેન પટેલ તથા તેમની સમગ્ર સ્વયંસેવક ટીમે નોંધપાત્ર સેવા આપી છે, જેના પરિણામે સમગ્ર વાતાવરણ ભક્તિ, દિવ્યતા અને આધ્યાત્મિક ઊર્જાથી ઓતપ્રોત બની ગયું છે. આ સમગ્ર આયોજનને આર્થિક સહયોગ આપી સફળ બનાવવા બદલ પટેલ બ્રધર્સ, રાકેશ-નીશા પટેલ, મધુ પટેલ, ચિરાગ પટેલ (HRA) તેમજ અન્ય અનેક દાતાઓ અને પ્રાયોજકોનો આયોજકો દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.
અમેરિકાના અગ્રણીઓની પ્રેરણાદાયી ઉપસ્થિતિ:
આ પવિત્ર કથામાં ફોગા યુએસએ (FOGAUSA) ના સ્થાપક પ્રમુખ ડૉ. વાસુદેવ પટેલ, મનન મહેતા, ઋષિત પટેલ, પંકજ સુતારિયા, બિપિનભાઈ ચાંગેલા, નીલેશ પટેલ, જયંત પટેલ, બિહારી પટેલ, મનોજ બારોટ, જયંતીભાઈ પટેલ, પલક જાની તેમજ ગુજરાતી સમાજ ઓફ એટલાન્ટાના સ્થાપક પ્રમુખ જીતુભાઈ પટેલ સહિત અટલાન્ટા વિસ્તારના અનેક અગ્રણીઓ અને સમાજના સભ્યો નિયમિત ઉપસ્થિત રહી કથાશ્રવણનો લાભ લઈ રહ્યા છે. અટલાન્ટાથી રૂચિતા પટેલના અહેવાલ મુજબ, આવા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો માત્ર વ્યક્તિને આધ્યાત્મિક શાંતિ જ પ્રદાન કરતા નથી, પરંતુ વિદેશની ધરતી પર વસતા ભારતીય સમાજમાં એકતા, સંસ્કાર, સેવા અને સનાતન ધર્મના શાશ્વત મૂલ્યોને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
(12:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
