<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

યુનિ. શિક્ષકોના પગારધોરણ સાથે રમત-ગમત ચલાવી ન લેવાય, UGC નિયમોનું પાલન અનિવાર્ય: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક અને આકરો ફેંસલો

​ઉત્તરાખંડ હાઈકોર્ટનો આદેશ રદ્દ કરી ઉત્તરાખંડ સંસ્કૃત યુનિવર્સિટીને એસોસિયેટ પ્રોફેસરને નિમણૂકની તારીખથી સુધારેલ પે-સ્કેલ અને ૬ અઠવાડિયામાં તફાવતની એરિયર્સ રકમ ચૂકવવા સર્વોચ્ચ અદાલતનો કડક હુકમ

​નવી દિલ્હી : ​દેશભરની યુનિવર્સિટીઓ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ફરજ બજાવતા અધ્યાપકોના સેવાકીય હક્કો અને પગારધોરણને લઈને સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને દિશાસૂચક ચુકાદો સંભળાવ્યો છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું છે કે કોઈ પણ યુનિવર્સિટી પોતાના શિક્ષકોના પગારધોરણ સાથે મનસ્વી રીતે રમત-ગમત કરી શકે નહીં તેમજ વૈધાનિક જોગવાઈઓ અને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના નિયમોથી અલગ જઈને કોઈ નિર્ણય લઈ શકે નહીં. અદાલતે ટિપ્પણી કરી હતી કે યુનિવર્સિટીઓએ પોતાના શિક્ષકોના અધિકારો અને સન્માનનું પૂરતું જતન કરવું જોઈએ, કારણ કે તેઓ જ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કરે છે.

​જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચે ઉત્તરાખંડ સંસ્કૃત યુનિવર્સિટી, હરિદ્વાર ખાતે એસોસિયેટ પ્રોફેસર તરીકે પસંદગી પામેલા શિક્ષકની અરજી પર આ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ હાઈકોર્ટના પૂર્વ ચુકાદાને સંપૂર્ણપણે રદ્દ બાતલ ઠેરવીને અરજદાર શિક્ષકની તરફેણમાં મોટો નિર્ણય આપ્યો છે. અદાલતે યુનિવર્સિટી તંત્રને આદેશ આપ્યો છે કે અરજદારને તેમની મૂળ નિમણૂકની તારીખથી જ સુધારેલું પગારધોરણ ચૂકવવામાં આવે અને છેલ્લા કેટલાય સમયથી અટકાવી રાખવામાં આવેલ બાકી પગારનો તફાવત (એરિયર્સ) આગામી છ અઠવાડિયાની અંદર ગણતરી કરીને ચૂકવી દેવામાં આવે.

​આ સમગ્ર વિવાદની વિગતો મુજબ, ઉત્તરાખંડ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલા ભરતી માટેના વિજ્ઞાપનમાં એસોસિયેટ પ્રોફેસરના પદ માટે રૂ. ૩૭,૪૦૦ - ૬૭,૦૦૦નો પે-સ્કેલ અને રૂ. ૯,૦૦૦ ગ્રેડ પે (AGP) દર્શાવવામાં આવ્યો હતો. જોકે, જ્યારે પસંદગી પામેલા ઉમેદવારને ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ નિમણૂક પત્ર આપવામાં આવ્યો ત્યારે તેમાં ઓછો પે-સ્કેલ એટલે કે રૂ. ૧૫,૬૦૦ - ૩૯,૧૦૦ અને ગ્રેડ પે રૂ. ૮,૦૦૦ કરી દેવામાં આવ્યો હતો. જ્યારે શિક્ષકે આ અંગે રજૂઆત કરી ત્યારે યુનિવર્સિટીએ એવો બચાવ રજૂ કર્યો હતો કે વિજ્ઞાપનમાં છપાયેલું પગારધોરણ એ માત્ર ટાઈપિંગની ભૂલ (ટાઈપોગ્રાફિકલ એરર) હતી.

​ત્યારબાદ રાજ્ય સરકારે પણ સ્પષ્ટતા કરી હતી કે માનવ સંસાધન વિકાસ મંત્રાલય (MHRD) અને UGCના ધારાધોરણો મુજબ એસોસિયેટ પ્રોફેસરના પદ માટે રૂ. ૩૭,૪૦૦ - ૬૭,૦૦૦ અને રૂ. ૯,૦૦૦ એજીપી જ મળવાપાત્ર છે. આટલી સ્પષ્ટતા છતાં યુનિવર્સિટીએ શિક્ષકને નિમણૂકની તારીખ (૧૫ સપ્ટેમ્બર ૨૦૧૬)થી આ લાભ આપવાને બદલે ૨૭ ડિસેમ્બર ૨૦૧૮થી સુધારેલું પગારધોરણ આપવાનો નિર્ણય કર્યો હતો. જેના કારણે સપ્ટેમ્બર ૨૦૧૬થી ડિસેમ્બર ૨૦૧૮ સુધીના સમયગાળાનો તફાવત ચૂકવવાનો ઈનકાર કરી દેવાયો હતો.

​આ અન્યાય સામે શિક્ષકે ઉત્તરાખંડ હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. જોકે, હાઈકોર્ટે યુનિવર્સિટીના ટાઈપિંગ મિસ્ટેકના તર્કને ગ્રાહ્ય રાખીને શિક્ષકની અરજી ફગાવી દીધી હતી. હાઈકોર્ટના આ અસંતોષકારક આદેશ સામે અરજદારે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી.

​સુપ્રીમ કોર્ટે કેસના તમામ દસ્તાવેજો ચકાસ્યા બાદ નોંધ્યું હતું કે રેકોર્ડ પર એવા પૂરતા પુરાવા છે કે તે સમયે એસોસિયેટ પ્રોફેસર માટે રૂ. ૩૭,૪૦૦ - ૬૭,૦૦૦ નો સ્કેલ જ લાગુ હતો. સર્વોચ્ચ અદાલતે ભારપૂર્વક જણાવ્યું કે, જો કદાચ વિજ્ઞાપન અને લાગુ થતા નિયમો વચ્ચે કોઈ અસ્પષ્ટતા કે વિસંગતતા ઊભી થાય તો પણ હંમેશાં વૈધાનિક નિયમો અને UGCના નિયમોને જ પ્રાથમિકતા મળે છે. માત્ર ટાઈપિંગની ભૂલનું બહાનુ બતાવીને યુનિવર્સિટી પોતાના જ શિક્ષકને કાયદાકીય રીતે મળવાપાત્ર હક્કોથી વંચિત રાખી શકે નહીં.

​બેન્ચે સ્પષ્ટ આદેશ આપ્યો કે અરજદાર શિક્ષક ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૬થી જ સુધારેલા પગારધોરણ માટે સંપૂર્ણ હક્કદાર હતા. જેથી યુનિવર્સિટીએ ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૬થી ૨૭ ડિસેમ્બર ૨૦૧૮ સુધીના બાકી નીકળતા વેતન તફાવતની એરિયર્સ રકમની આંકડાકીય ગણતરી કરી, ૬ અઠવાડિયાની સમયમર્યાદામાં અરજદારના ખાતામાં જમા કરાવવાની રહેશે.

(5:27 PM IST)