તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 21st May 2026
મેલોની માટે સ્ટોલ અને યુએઈ માટે કેસર કેરીઃ પીએમ મોદીની વિદેશી નેતાઓને ખાસ ડિપ્લોમેટિક ગિફટ
પાંચ દેશોના પ્રવાસ દરમિયાન દેશની ભવ્ય કલા, સંસ્કૃતિ અને પરંપરાને વિદેશી ધરતી પર ઉજાગર કરી

નવી દિલ્હી, તા.૨૧: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની પાંચ દેશોની વિદેશ યાત્રા માત્ર વ્યૂહાત્મક કરારો પૂરતી સીમિત ન રહી, પરંતુ ભારતની વિરાસતને વિશ્વ મંચ પર રજૂ કરવાનું એક સચોટ માધ્યમ પણ બની. આ પ્રવાસમાં સૌથી વધુ ચર્ચા ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને આપવામાં આવેલી ભેટોની થઈ રહી છે. પીએમ મોદીએ મેલોનીને સોશિયલ મીડિયા પર ફેમસ થયેલા મેલોડી મીમની યાદ અપાવતી મેલોડી ટોફી આપીને એક હળવી અને મૈત્રીપૂર્ણ ક્ષણ સર્જી હતી. આ ઉપરાંત, તેમણે આસામનું વિખ્યાત ગોલ્ડન સિલ્ક એટલે કે મુગા સિલ્કનો સ્ટોલ પણ ભેટમાં આપ્યો હતો. આ રેશમ તેની કુદરતી ચમક માટે જાણીતું છે, જે સમય જતાં ઘટવાને બદલે વધુ નિખરે છે, જે ભારત અને ઇટાલીના ગાઢ બનતા સંબંધોનું પ્રતીક પણ ગણી શકાય.
બીજી તરફ, સાંસ્કળતિક જોડાણને મજબૂત કરવા માટે પીએમ મોદીએ મણિપુરની શિરોઈ લિલીમાંથી પ્રેરિત રેશમી સ્ટોલ મેલોનીને અર્પણ કર્યો હતો. મણિપુરના તાંગખુલ નાગા સમુદાય માટે શુદ્ધતાનું પ્રતીક ગણાતું આ ફૂલ ઇટાલીની પુનરુજ્જીવન કાળની કલા સાથે પણ સામ્યતા ધરાવે છે, જ્યાં લિલીને સુંદરતા અને ગ્રેસનું ચિホ માનવામાં આવે છે. આ ભેટો દ્વારા પીએમ મોદીએ પૂર્વોત્તર ભારતની સમળદ્ધ હસ્તકલાને આંતરરાષ્ટ્રીય સ્તરે એક નવી ઓળખ અપાવી છે. યુએઈના રાષ્ટ્રપતિ માટે ખાસ મોકલવામાં આવેલી ભારતની ભૌગોલિક ઓળખ સમાન કેસર કેરીએ પણ રાજદ્વારી સંબંધોમાં મીઠાશ ઉમેરવાનું કામ કર્યું છે.ઇટાલીના રાષ્ટ્રપતિ માટેની ભેટમાં પણ ભારતની સ્થાપત્ય કલાની ઝલક જોવા મળી હતી. આગ્રાના કુશળ કારીગરો દ્વારા સફેદ આરસપહાણ પર તૈયાર કરવામાં આવેલું પિટ્રા ડ્યુરા (જડતરકામ) બોક્સ તેમને ભેટમાં અપાયું હતું. આ બોક્સ પર લેપિસ લાઝુલી, માલાકાઇટ અને કોરલ જેવા કિંમતી પથ્થરોથી સુંદર ભૌમિતિક અને ફૂલોની ભાત કંડારવામાં આવી છે, જે મુઘલકાલીન કળા અને ભારતીય કારીગરીની શ્રેષ્ઠતાનો નમૂનો છે. આમ, પીએમ મોદીએ આ પ્રવાસ દરમિયાન માત્ર મુત્સદ્દીગીરી જ નહીં, પણ ભારતના વોકલ ફોર લોકલ અભિયાનને વૈશ્વિક સ્તરે વેગ આપીને ભારતીય કલાકારોનું માન વધાર્યું છે.
(2:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
