તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th October 2026
‘ફરજી’ વેબ સિરીઝ જોઈને નકલી નોટ છાપવાની ફેક્ટરી શરૂ કરી : નોટ છાપવાના કાચા માલ તરીકે ચીનની સૌથી મોટી વેબસાઇટ અલીબાબાની મદદ લીધી : નકલી નોટ વેચવાના શ્રી ગણેશ કર્યા ત્યાં 6 પકડાઈ ગયા
રાજસ્થાનના ડુંગરપુરમાં 4.95 લાખની નકલી 500ની નોટ સાથે 2 ઝડપાયા બાદ માસ્ટરમાઈન્ડની 1300 કિમી પીછો કરી લુધિયાણા રેલવે સ્ટેશનથી ધરપકડ : SP મનીષ કુમારે ‘ઓપરેશન નોટફ્લિક્સ’ હેઠળ UP, હરિયાણા અને છત્તીસગઢથી વધુ 4ની ધરપકડ કરી

ડુંગરપુર તા.24 : શાહિદ કપૂરની હિટ વેબ સિરીઝ ‘ફરજી’ જોઈને રાજસ્થાનના ડુંગરપુરમાં નકલી નોટ છાપવાની ફેક્ટરી શરૂ કરનાર ગેંગનો પર્દાફાશ થયો છે. આ ગેંગે ચીનની સૌથી મોટી વેબસાઇટ અલીબાબા પરથી નકલી નોટ છાપવાનો કાગળ અને ચમકતી સિક્યુરિટી સ્ટ્રીપ મંગાવી હતી. પોલીસે આ કેસમાં કુલ 6 લોકોની ધરપકડ કરી છે.
SP મનીષ કુમારના જણાવ્યા અનુસાર 30 સપ્ટેમ્બરના રોજ રામસાગડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા માડા સ્કૂલ ગ્રાઉન્ડમાં એક લક્ઝરી કારમાં નકલી નોટનું ટ્રાન્ઝેક્શન થઈ રહ્યું હોવાની બાતમી મળી હતી. પોલીસે દરોડો પાડી કારમાંથી 500 રૂપિયાની 4,95,500 રૂપિયાની નકલી નોટો, લેપટોપ, કલર પ્રિન્ટર અને એક સ્કૂટર જપ્ત કર્યું હતું. સ્થળ પરથી ભાવેશ ખાટીક (23) અને નયન જોશી (19) ની ધરપકડ કરાઈ હતી, જ્યારે કારનો ડ્રાઈવર અંધારાનો લાભ લઈ ભાગી ગયો હતો.
પૂછપરછમાં બંનેએ કબૂલ્યું કે તેઓએ 8-10 દિવસ પહેલા જ સોશિયલ મીડિયા અને ‘ફરજી’ સિરીઝ જોઈને નકલી નોટ છાપવાનો આઈડિયા લીધો હતો. લેપટોપમાં એક એપથી 500ની નોટની ડિઝાઈન બનાવી કલર પ્રિન્ટરથી નોટો છાપતા હતા.
બંનેની પૂછપરછમાં UPના પ્રતાપગઢના રવિ ઉર્ફે આશિષ મિશ્રા (25) નું નામ માસ્ટરમાઈન્ડ તરીકે સામે આવ્યું હતું. પોલીસ તપાસની જાણ થતા જ રવિ ડુંગરપુરથી ભાગી ગયો હતો અને સતત લોકેશન બદલતો હતો. ડુંગરપુર સાઈબર સેલ અને સ્પેશિયલ ટીમે તેનો 3 દિવસ સુધી 1300 કિલોમીટર સુધી પીછો કરી આખરે પંજાબના લુધિયાણા રેલવે સ્ટેશનથી ઝડપી પાડ્યો.
રવિની પૂછપરછ અને ટેકનિકલ પુરાવાના આધારે પોલીસે ‘ઓપરેશન નોટફ્લિક્સ’ હેઠળ અલગ-અલગ રાજ્યોમાં દરોડા પાડ્યા હતા.
- મોહમ્મદ આરિફ - કાનપુર, UP
- આનંદ ઉર્ફે પુષ્કર (20) - અંબાલા, હરિયાણા
- તરુણ (27) - દુર્ગ, છત્તીસગઢ
પોલીસે જણાવ્યું કે UPના વ્યક્તિએ અલીબાબા વેબસાઇટ દ્વારા RBI લખેલી ચમકતી સ્ટ્રીપ વાળો કાગળ મોકલ્યો હતો, જેના કારણે સામાન્ય માણસ માટે અસલી-નકલી નોટ પારખવી મુશ્કેલ બની જતી હતી. પોલીસ હવે આ નેટવર્ક કેટલા સમયથી ચાલતું હતું અને કેટલી નોટો બજારમાં ફરી છે તેની તપાસ કરી રહી છે.
(4:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
