<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ના ૩,૮૯૭ ગ્રાહકોનો ડેટા ડાર્ક વેબ પર લીક થવાની આશંકાથી ખળભળાટ: બેંકે ગ્રાહકોના નાણાં સંપૂર્ણ સુરક્ષિત હોવાની આપી ખાતરી

ડાર્ક વેબ પર સંવેદનશીલ ગ્રાહક રેકોર્ડ્સ મળી આવ્યા બાદ SBI એ સાયબર એજન્સીઓ અને CERT-In ની મદદથી ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી છે, જ્યારે મુખ્ય બેંકિંગ કામગીરી સંપૂર્ણપણે અબાધિત

નવી દિલ્હી, તા.૨૩: દેશની સૌથી મોટી અને અગ્રણી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ને લઈને એક મોટા સાયબર સુરક્ષા ભંગના અહેવાલો સામે આવ્યા છે. ડાર્ક વેબ પર વ્યક્તિગત રીતે ઓળખી શકાય તેવી માહિતી ધરાવતા ૩,૮૯૭ ગ્રાહકોના રેકોર્ડ શંકાસ્પદ રીતે લીક થયા હોવાની માહિતી મળતા બેંક તંત્રમાં દોડધામ મચી ગઈ છે. જોકે, ગ્રાહકોમાં ફેલાયેલી ચિંતાને ધ્યાનમાં રાખીને એસબીઆઈ દ્વારા સત્તાવાર રીતે સ્પષ્ટતા કરવામાં આવી છે કે ગ્રાહકોના બેંક ખાતામાં રહેલું બેલેન્સ અને તમામ ભંડોળ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેના પર કોઈ જોખમ નથી.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, એસબીઆઈને તેના થ્રેટ ઇન્ટેલિજન્સ સર્વિસ પ્રોવાઇડર, ડિફેન્સ સાયબર એજન્સી અને 'સર્ટ-ઇન' (CERT-In) તરફથી ગત ૧૬ ઓક્ટોબરે આ ડેટા એક્સપોઝર અંગેની ચેતવણી મળી હતી. આ ચેતવણી મળ્યા બાદ બેંકે તાત્કાલિક ધોરણે પોતાના સાયબર ઇન્સિડેન્ટ રિસ્પોન્સ અને કંટ્રોલ પ્રોટોકોલ સક્રિય કરી દીધા હતા. ડાર્ક વેબ પર ઉપલબ્ધ આશરે ૩.૭૫ લાખ રેકોર્ડ્સના પ્રારંભિક વિશ્લેષણમાં ૩,૮૯૭ એસબીઆઈ ગ્રાહકોના રેકોર્ડ સામે આવ્યા છે, જેમાં નોંધાયેલા મોબાઈલ નંબર, જન્મ તારીખ, નામ, લિંગ, ઈમેઈલ આઈડી અને રહેણાંક સરનામા જેવી સંવેદનશીલ માહિતી સામેલ હોવાનું જણાયું છે. આ ઉપરાંત, આ લીક થયેલા ડેટામાં શાખા અને ગ્રાહક માહિતી ફાઇલ (CIF) ઓળખકર્તાઓ તથા લોન રેકોર્ડ્સ સાથે સંકળાયેલ મેટાડેટાનો પણ સમાવેશ થાય છે.

 

આ સંભવિત ડેટા ભંગની ગંભીરતાને પારખીને બેંકે સર્ટ-ઇન (CERT-In) દ્વારા માન્યતા પ્રાપ્ત એક સ્વતંત્ર સાયબર સુરક્ષા એજન્સીની સેવાઓ લીધી છે, જે આ ડેટાની પ્રામાણિકતા ચકાસવા, લીક થવાના સ્ત્રોત અને વ્યાપને શોધવા માટે વિગતવાર તપાસ કરી રહી છે. બેંકે સ્પષ્ટ કર્યું છે કે જે ગ્રાહકોનો ડેટા આમાં સામેલ હોવાનું ઓળખાયું છે, તે તમામ ગ્રાહકોને ઈમેલ અને વોટ્સએપ દ્વારા વ્યક્તિગત રીતે જાણ કરી દેવામાં આવી છે. રાહતની વાત એ છે કે આ ઘટનાની બેંકની કોર બેંકિંગ કામગીરી, નાણાકીય વ્યવહારો કે બિઝનેસ સાતત્ય પર કોઈ જ નકારાત્મક અસર પડી નથી અને તમામ કામગીરી સામાન્ય રીતે ચાલી રહી છે.

 

આ ઘટના બાદ એસબીઆઈએ પોતાના તમામ ગ્રાહકો માટે સાયબર સુરક્ષા અંગેની વિશેષ ચેતવણી જારી કરી છે. બેંકે ગ્રાહકોને ક્યારેય પણ પોતાનો વન-ટાઇમ પાસવર્ડ (OTP), PIN કે પાસવર્ડ કોઈપણ સાથે શેર ન કરવા અપીલ કરી છે. આ ઉપરાંત, શંકાસ્પદ ફોન કલ્સ, ફ્રોડ મેસેજીસ અને શંકાસ્પદ લિંક્સ સામે સતર્ક રહેવા માટે પણ તાકીદ કરવામાં આવી છે. બેંક દ્વારા આ મામલે યોગ્ય સુધારાત્મક અને નિવારક પગલાં લેવામાં આવી રહ્યા છે, જેથી ભવિષ્યમાં આવા જોખમોને સંપૂર્ણપણે ડામી શકાય.

(5:36 PM IST)