<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની UPI સેવાઓ આવતીકાલે ૪૫ મિનિટ સુધી રહેશે બંધ : મેન્ટેનન્સ કામગીરીને કારણે ગ્રાહકો નહીં કરી શકે ઓનલાઈન લેવડદેવડ : UPI લાઈટ સેવાઓ ચાલુ રહેશે

બપોરે ૧:૧૫ થી ૨:૦૦ વાગ્યા સુધી સેવાઓ અસ્થાયી રૂપે સ્થગિત રહેશે : ગ્રાહકોને અસુવિધાથી બચવા UPI લાઈટનો ઉપયોગ કરવા બેંક દ્વારા અનુરોધ

નવી દિલ્હી: દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક એવા ભારતીય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ના ખાતાધારકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. નિયમિત જાળવણી અને ટેકનિકલ મેન્ટેનન્સની કામગીરીને કારણે આવતીકાલે ૧૯ નવેમ્બર ૨૦૨૬ના રોજ એસબીઆઈની યુપીઆઈ (UPI) સેવાઓ અસ્થાયી રૂપે થોડા સમય માટે બંધ રહેશે. બેંક દ્વારા સોશિયલ મીડિયા પર સત્તાવાર માહિતી આપીને ગ્રાહકોને આ અંગે વાકેફ કરવામાં આવ્યા છે.

બપોરે ૪૫ મિનિટ માટે સેવાઓ રહેશે પ્રભાવિત:
બેંકના સત્તાવાર એક્સ હેન્ડલ પર શેર કરવામાં આવેલી વિગતો મુજબ, નિર્ધારિત મેન્ટેનન્સ એક્ટિવિટીના કારણે આગામી ૧૯ નવેમ્બરના રોજ બપોરે ૧:૧૫ વાગ્યાથી ૨:૦૦ વાગ્યા સુધી (આઈડીટી સમય મુજબ) એટલે કે કુલ ૪૫ મિનિટ સુધી એસબીઆઈના માધ્યમથી થતી યુપીઆઈ સેવાઓ ઉપલબ્ધ રહેશે નહીં. જોકે, બેંકે સ્પષ્ટ કર્યું છે કે આ જરૂરી કામગીરી નિર્ધારિત સમય કરતા વહેલી પણ પૂર્ણ થઈ શકે છે.

યુપીઆઈ લાઈટ સેવાઓ ચાલુ રહેશે:
આ ટૂંકાગાળાના વિરામ દરમિયાન ગ્રાહકોને નાણાકીય લેવડદેવડમાં મુશ્કેલી ન પડે તે માટે બેંકે વૈકલ્પિક વ્યવસ્થા જણાવી છે. ગ્રાહકો કોઈપણ પ્રકારની અડચણ વગર સેવા મેળવવા માટે 'યુપીઆઈ લાઈટ' સેવાનો ઉપયોગ ચાલુ રાખી શકશે. ઉલ્લેખનીય છે કે યુપીઆઈ લાઈટ એ નાના વ્યવહારો માટેનું એક મોડેલ છે, જેમાં યુઝર્સ પોતાના બેંક ખાતામાંથી રકમ વોલેટમાં ઉમેરીને કોઈપણ યુપીઆઈ પિન દાખલ કર્યા વગર જ ઝડપથી પેમેન્ટ કરી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)ના માળખા મુજબ યુપીઆઈ લાઈટ દ્વારા પ્રતિ ટ્રાન્ઝેક્શન મર્યાદા ૧,૦૦ રૂપિયા અને વોલેટની મહત્તમ મર્યાદા ૫,૦૦૦ રૂપિયા સુધીની નિર્ધારિત કરવામાં આવી છે. માત્ર ૪૫ મિનિટના આ ટાઈમફ્રેમ બાદ એસબીઆઈની યુપીઆઈ સેવાઓ સંપૂર્ણપણે પૂર્વવત થઈ જશે.

(5:01 PM IST)