તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 9th May 2026
લોકો જે દિવાલે વારંવાર સુસુ કરતા હતા એના પર સ્ટીલના અરીસા ગોઠવી દીધા
પ્રશાસનનું કહેવું છે કે માત્ર નિયમ બનાવવાથી લોકોની વર્તણૂક નથી બદલાતી, તેમની આદતો બદલવા માટે ખાસ પગલાં લેવાં પડે છે

મૈસૂર તા.૯: ભારતમાં ગમે ત્યાં દીવાલની આડશ મળી જતાં પુરુષો ખુલ્લામાં યુરિન પાસ કરતા જોવા મળી જાય છે. અહીં થૂંકવું નહીં કે પેશાબ કરવો નહીં એવી સૂચના પર લોકો બિન્દાસ પાનની પિચકારી મારતાં કે સુસુ કરતાં રોકાતા નથી. જોકે કર્ણાટકના મૈસૂરમાં આવી જાહેર જગ્યાઓએ લોકોને સુસુ કરતા રોકવા માટે પ્રશાસને અનોખો રસ્તો શોધી કાઢ્યો. બસ-સ્ટેન્ડ પાસેના રોડની કિનારીએ પ્રશાસને દીવાલો પર સ્ટીલના અરીસા લગાવી દીધા છે. હવે અહીં કોઈ પણ વ્યકિત યુરિન પાસ કરવા દીવાલ પાસે જાય કે તરત જ તેને પોતાનું જ પ્રતિબંબ દેખાય છે. અરીસા જાયન્ટ હોવાથી પોતાને તો દેખાય જ, પણ આસપાસના લોકો પણ તેની આ ક્રિયાને જાહેરમાં જોઈ શકે છે. આ નુસખો દિવસે તો કામ લાગી જાય, પણ રાતના અંધારાનું શું? એ માટે પણ પ્રશાસને જુગાડ કર્યો હતો. સ્ટેનલેસ સ્ટીલની શીટ્સ જ્યાં જોડાય એ જગ્યાએ લાઇટિગ પણ હતી. એને કારણે રાતે પણ આ અરીસા પાસે આવનાર વ્યકિતનું પ્રતિબિંબ અરીસામાં ઝીલાય અને લોકોને દેખાય.
સોશ્યલ મીડિયા પર આ નવતર જુગાડ ખૂબ વાઇરલ થયો છે. ગમે ત્યાં પેન્ટની ચેઇન ખોલીને દીવાલોને બગાડતા લોકોને સબક શીખવવા માટેના આ નુસખાનાં અનેક લોકોએ વખાણ કર્યાં છે. જોકે એમાં પણ વાંકદેખા લોકોએ સવાલ ઉઠાવ્યો હતો કે આટલુંબધું કરવાને બદલે ત્યાં ખરેખર ટોઇલેટ બનાવવાની જરૃર નથી લાગતી? જોકે આનો પણ મૈસૂરના પ્રશાસન પાસે જવાબ છે. બસ-સ્ટેન્ડના વિસ્તારમાં ૪ પબ્લિક ટોઇલેટ્સ ઑલરેડી છે, પરંતુ એ પછી પણ એનો ઉપયોગ કરવાને બદલે લોકો દીવાલો પલાળવાનો ટૂંકો રસ્તો અપનાવતા હતા એટલે આ ક્રીએટિવ ઉકેલ વાપરવો પડ્યો હતો. પ્રશાસનનું કહેવું છે કે માત્ર નિયમ બનાવવાથી લોકોની વર્તણૂક નથી બદલાતી, તેમની આદતો બદલવા માટે ખાસ પગલાં લેવાં પડે છે.
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
