<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

શેરબજારમાં ખળભળાટ: ₹15 નો શેર 19 મહિનામાં ₹10,887 થયો! સેબીએ RRP સેમિકન્ડક્ટરના ‘માસ્ટર માઇન્ડ’ સહિત 39 એન્ટિટી પર મૂક્યો આજીવન પ્રતિબંધ

725 ગણો ઉછાળો જોઈ સેબી પણ ચોંકી ઉઠી: નબળા દેખાવ છતાં ભાવ વધારવાની કૃત્રિમ યોજનાનો પર્દાફાશ, પ્રમોટરો-ડિરેક્ટરોના કરોડોના ડીમેટ ખાતા ફ્રીઝ કરી જપ્તીનો આદેશ

મુંબઈ: શેરબજારના નિયમનકાર સેબી (SEBI) એ RRP સેમિકન્ડક્ટર લિમિટેડના શેરમાં ચાલી રહેલા મોટા ગેરરીતિના ખેલને પકડી પાડ્યો છે. માત્ર 19 મહિનાના ટૂંકા ગાળામાં જે શેરની કિંમત ₹15 હતી તે વધીને ₹10,887 સુધી પહોંચી ગઈ હતી. આ અકલ્પનીય 725 ગણા ઉછાળા પાછળ કોઈ ચમત્કાર નહીં પણ એક સંકલિત કૌભાંડ હોવાનું બહાર આવતા સેબીએ 39 એન્ટિટીઝને બજારમાંથી બહાર ફેંકી દીધી છે.
ચમત્કાર નહીં, પણ ભાવ વધારવાનું ષડયંત્ર
સેબીના પૂર્ણકાલીન સભ્ય અમરજીત સિંહે 10 એપ્રિલના રોજ આપેલા આદેશમાં જણાવ્યું છે કે, કંપનીના વ્યવસાયમાં કોઈ જ સકારાત્મક ફેરફાર ન હોવા છતાં ભાવમાં જે ગતિએ વધારો થયો તે હેરાફેરીનો મજબૂત સંકેત આપે છે. તપાસમાં બહાર આવ્યું છે કે કંપનીનું સંચાલન બદલાયું ત્યારે ₹12 ના ભાવે 1.35 કરોડથી વધુ શેર જારી કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રમોટર હોલ્ડિંગ ઘટીને માત્ર 1.28% થઈ ગયું હતું, જ્યારે સામાન્ય જનતાનું હોલ્ડિંગ વધીને 98.72% દર્શાવવામાં આવ્યું હતું.
ઓફ-માર્કેટ ટ્રાન્સફર અને નાના લોટનો ખેલ
આ કૌભાંડમાં રાજેન્દ્ર ચોડણકર નામના વ્યક્તિની ભૂમિકા મુખ્ય હોવાનું મનાય છે, જેમણે મૂડીના 74.5% શેર મેળવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે આ એન્ટિટીઝે અંદરોઅંદર જોડાયેલા રહીને ‘અપર સર્કિટ’ ભાવે આક્રમક ખરીદીના ઓર્ડર આપ્યા હતા. બીજી તરફ, ઓફ-માર્કેટ ટ્રાન્સફર દ્વારા મળેલા શેરને ખૂબ જ નાના લોટમાં વેચીને બજારમાં ટ્રેડિંગ પ્રવૃત્તિ અને ભાવ કૃત્રિમ રીતે વધારવામાં આવ્યા હતા.
કડક કાર્યવાહી: 2 કરોડની જપ્તી અને ખાતા ફ્રીઝ
બજારના વધુ દુરુપયોગને રોકવા માટે સેબીએ તાત્કાલિક અસરથી તમામ સંકળાયેલી એન્ટિટીઝના ડીમેટ એકાઉન્ટ્સ ફ્રીઝ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે જ અંદાજે 2 કરોડ રૂપિયા જેટલો ગેરકાયદેસર લાભ જપ્ત કરવાનો પણ આદેશ આપ્યો છે. તમામ એન્ટિટીઝને આગામી 21 દિવસમાં જવાબ આપવાની તક આપવામાં આવી છે, પરંતુ ત્યાં સુધી તેઓ શેરબજારમાં કોઈ પણ પ્રકારના સોદા કરી શકશે નહીં.
સેબીની આ તવાઈ બાદ શેરબજારમાં ઓપરેટરો દ્વારા કરવામાં આવતી હેરાફેરી સામે કડક સંદેશ ગયો છે. સામાન્ય રોકાણકારોને આવી કંપનીઓથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે જેમના ભાવ પાયા વગર આસમાને પહોંચી રહ્યા હોય.

(11:16 PM IST)