તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Sunday, 16th August 2026
શેરબજારમાં ધમાસાણ: ટાટા-રિલાયન્સના ₹66,000 કરોડ સ્વાહા : LIC સહિત 5 કંપનીઓના રોકાણકારો માટે દિવાળી જેવો માહોલ
સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે અસ્થિરતા વચ્ચે બેંકિંગ અને IT શેરો તળિયે બેઠા : જ્યારે એરટેલ, એલએનટી અને એલઆઈસીએ રોકાણકારોની તિજોરી છલકાવી દીધી

મુંબઈ : ભારતીય શેરબજારમાં છેલ્લા પાંચ ટ્રેડિંગ દિવસો દરમિયાન ભારે હલચલ જોવા મળી છે. સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાં ભારે ધમાસાણ મચતા રોકાણકારોની મિલકતમાં મોટું ધોવાણ થયું છે. અઠવાડિયાના અંતે સેન્સેક્સ 490 પોઈન્ટના ઘટાડા સાથે 78,009 પર અને નિફ્ટી 205 પોઈન્ટ ઘટીને 24,366ના મથાળે બંધ રહ્યો હતો. દેશના બે સૌથી મોટા ઉદ્યોગગૃહ – ટાટા ગ્રુપની TCS અને મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) ના રોકાણકારો માટે આ અઠવાડિયું ભારે નુકસાનદાયક સાબિત થયું હતું. આ બંને દિગ્ગજ કંપનીઓએ માત્ર પાંચ જ દિવસમાં પોતાની માર્કેટ વેલ્યુમાંથી ₹66,000 કરોડથી વધુ રકમ ગુમાવી દીધી છે, જેમાં TCS ને ₹34,263 કરોડ અને રિલાયન્સને ₹31,869 કરોડનો મોટો ફટકો પડ્યો છે.
આ ભારે અસ્થિરતાનો ભોગ દેશનું બેંકિંગ ક્ષેત્ર પણ બન્યું છે. ખાસ કરીને જાહેર ક્ષેત્રની સૌથી મોટી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) નું માર્કેટ કેપ ₹25,892 કરોડ ઘટીને ₹9.86 લાખ કરોડ થઈ ગયું છે. આ ઉપરાંત ખાનગી ક્ષેત્રની સૌથી મોટી HDFC બેંકના રોકાણકારોને ₹7,165 કરોડનું અને ICICI બેંકના રોકાણકારોને ₹2,793 કરોડનું નુકસાન સહન કરવું પડ્યું છે. આ મોટી બેંકો અને IT ક્ષેત્રમાં આવેલા તીવ્ર કડાકાને કારણે સમગ્ર માર્કેટમાં ઘટાડાની આબહવા છવાઈ ગઈ હતી અને નાના-મોટા રોકાણકારોના પોર્ટફોલિયો લાલ નિશાનમાં આવી ગયા હતા.
જોકે, બજારના આ તોફાની વાતાવરણ વચ્ચે પણ કેટલીક કંપનીઓએ રોકાણકારો માટે જેકપોટ સાબિત થઈને આશ્ચર્ય સર્જ્યું છે. સરકારી વીમા કંપની LIC ના રોકાણકારોએ આ જ ગાળામાં ₹26,438 કરોડથી વધુની મબલક કમાણી કરી છે, જેનાથી તેની માર્કેટ કેપ ₹5.23 લાખ કરોડ થઈ ગઈ છે. ટેલિકોમ ક્ષેત્રની દિગ્ગજ ભારતી એરટેલે ₹20,592 કરોડનો જંગી નફો રળ્યો છે, જ્યારે બજાજ ફાઇનાન્સ, L&T અને HUL જેવી કંપનીઓએ પણ સારું વળતર આપીને રોકાણકારોના ચહેરા પર સ્મિત લાવવાનું કામ કર્યું છે. નુકસાન છતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હજુ પણ દેશની સૌથી મૂલ્યવાન કંપની તરીકે પોતાનો દબદબો જાળવી રાખવામાં સફળ રહી છે.
(6:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
