તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 25th September 2026
શેરબજારમાં ફરી તેજીનો ધમધમાટ: ગુરુવારના મોટા કડાકા બાદ શુક્રવારે ધમાકેદાર વાપસી, સેન્સેક્સ ૩૧૫ પોઈન્ટ ઉછળ્યો!: ૭૩,૮૯૫.૭૪ ની સપાટીએ બંધ
નિફ્ટી ૨૩,૧૦૦ ની સપાટી પાર કરીને બંધ; કાચા તેલના ભાવ ઘટતા રોકાણકારોમાં ઉત્સાહ અને બજારમાં 'વેલ્યુ બાયિંગ'નો માહોલ

મુંબઈ, તા.૨૫: ગુરુવારના તીવ્ર ઘટાડા અને બજારમાં વ્યાપેલી અસ્થિરતા બાદ શુક્રવારે ભારતીય શેરબજારમાં ફરી એકવાર તેજીનો પવન ફૂંકાયો હતો. સપ્તાહના આખરી કારોબારી દિવસે રોકાણકારો દ્વારા કરવામાં આવેલી મજબૂત 'વેલ્યુ બાયિંગ' (Value Buying) ને કારણે શેરબજાર લીલા નિશાનમાં બંધ થવામાં સફળ રહ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો સેન્સેક્સ ૩૧૫.૨૦ પોઈન્ટ અથવા ૦.૪૩ ટકાના ઉછાળા સાથે ૭૩,૮૯૫.૭૪ ની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી ૭૭.૪૦ પોઈન્ટ (૦.૩૪ ટકા) વધીને ૨૩,૧૪૦.૫૦ ની મજબૂત સપાટી વટાવી ગયો હતો.
આજના કારોબાર દરમિયાન અંદાજે ૨,૧૮૧ શેરોમાં વધારો નોંધાયો હતો, જ્યારે ૧,૯૬૧ શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો અને ૧૯૮ શેરોના ભાવ યથાવત રહ્યા હતા. રૂપિયો પણ યુએસ ડોલર સામે મજબૂત થઈને ૯૫.૮૧ ના મથાળે બંધ રહ્યો હતો.
ઓટો અને રિયલ્ટી સેક્ટરમાં મોટો ઉછાળો
સેક્ટર આધારિત કારોબારની વાત કરીએ તો, નિફ્ટી ઓટો ઇન્ડેક્સ ૦.૮૯ ટકા અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૮૮ ટકાના સુધારા સાથે ટોપ પર રહ્યા હતા. આ ઉપરાંત રિયલ્ટી ક્ષેત્રમાં ૦.૭૬ ટકા અને પ્રાઈવેટ બેંકોના શેરોમાં ૦.૪૫ ટકાનો વધારો નોંધાયો હતો. બીજી તરફ, નિફ્ટી મીડિયા, આઈટી, ઓઈલ એન્ડ ગેસ તથા ફાર્મા સેક્ટરમાં મામૂલી વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું.
બજારમાં વાપસીનું મુખ્ય કારણ
ઉલ્લેખનીય છે કે ગુરુવારે કાચા તેલના વધતા ભાવ અને ફુગાવાની ચિંતાને કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં છેલ્લા ૧૦ અઠવાડિયાનો સૌથી મોટો એક દિવસીય કડાકો બોલાયો હતો. જોકે, શુક્રવારે કાચા તેલના ભાવમાં નરમ વલણ જોવા મળતાં ફુગાવાની ચિંતા હળવી થઈ હતી. આ સાથે નીચા ભાવે સારે-સારા શેરો ખરીદવાની તક ઝડપી લેતાં રોકાણકારોએ સાર્વત્રિક લેવાલી કરી હતી, જેના કારણે માર્કેટમાં રિકવરી જોવા મળી હતી.
(4:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
