<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th November 2026

ચોરીની કાર, ૩ બંદૂકો અને ડઝનબંધ કારતૂસઃ ટ્રમ્‍પનો ખાતમો બોલાવવા વ્‍હાઇટ હાઉસ પહોંચ્‍યો શખ્‍સ

અમેરિકાની સિક્રેટ સર્વિસે ગુરુવારે વ્‍હાઇટ હાઉસ નજીક વેનેઝુએલાના નાગરિક રોની યોર્ડ્રિક્‍સ ગુઆનીપા ચિરિનોસની ધરપકડ કરી : પૂછપરછ દરમિયાન તેણે કથિત રીતે જણાવ્‍યું હતું કે તેના મગજમાં આવતા અવાજો તેને રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પની હત્‍યા કરવા માટે વોશિંગ્‍ટન જવાનું કહી રહ્યા હતા

વોશિંગ્‍ટન,તા.૭: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પની સુરક્ષાને લઈને ફરી એક ગંભીર મામલો સામે આવ્‍યો છે. ગુરુવારે વ્‍હાઇટ હાઉસ નજીક એક શંકાસ્‍પદ વ્‍યક્‍તિની ધરપકડ કરવામાં આવી હતી. અમેરિકાના અધિકારીઓના જણાવ્‍યા અનુસાર, તે ચોરીની કારમાં સવાર હતો અને તેની પાસે ૩ બંદૂકો તથા ડઝનબંધ કારતૂસ હતાં. પૂછપરછ દરમિયાન તેણે કથિત રીતે જણાવ્‍યું હતું કે તેના મગજમાં અવાજો આવી રહ્યા હતા, જે તેને વોશિગ્‍ટન જઈને ટ્રમ્‍પની હત્‍યા કરવા માટે કહી રહ્યા હતા. અમેરિકાની સિક્રેટ સર્વિસના એજન્‍ટોએ સમયસર તેને પકડી લીધો અને હથિયારો જપ્ત કરી લીધાં હતા.

અમેરિકાના હોમલેન્‍ડ સિક્‍યુરિટી વિભાગ (DHS)ના જણાવ્‍યા અનુસાર, સિક્રેટ સર્વિસના એજન્‍ટોએ ગુરુવારે વ્‍હાઇટ હાઉસની આસપાસ એક કારમાં સવાર રોની યોર્ડ્રિક્‍સ ગુઆનીપા ચિરિનોસને શંકાસ્‍પદ પ્રવૃત્તિઓ કરતો જોયો હતો. અધિકારીઓના જણાવ્‍યા અનુસાર, ચિરિનોસ વેનેઝુએલાનો નાગરિક છે અને ૨૦૨૪માં કથિત રીતે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ્‍યો હતો. એજન્‍ટોએ તેની પૂછપરછ કરતાં તેણે જણાવ્‍યું હતું કે તેના મગજમાં અવાજો આવી રહ્યા હતા. આ અવાજો તેને વોશિગ્‍ટન ડીસી જઈને રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પની હત્‍યા કરવા માટે કહી રહ્યા હતા. ત્‍યારબાદ અધિકારીઓએ કારની તપાસ કરી હતી. તપાસમાં જાણવા મળ્‍યું કે તે જે વાહનમાં બેઠો હતો તે ચોરીનું હતું. ચિરિનોસે પણ કારમાં હથિયારો હોવાની વાત સ્‍વીકારી હતી.

DHSના જણાવ્‍યા અનુસાર, તપાસ દરમિયાન કારમાંથી એક રાઇફલ, ૨ હેન્‍ડગન અને ડઝનબંધ કારતૂસ મળી આવ્‍યાં હતાં. ત્‍યારબાદ આરોપીની હથિયારો સંબંધિત અનેક કેસો, પરવાનગી વિના વાહનનો ઉપયોગ કરવા અને ચોરીની મિલકત રાખવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તે અમેરિકન માર્શલ્‍સ સર્વિસની કસ્‍ટડીમાં છે. અધિકારીઓએ જણાવ્‍યું હતું કે આ મામલે કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે.

અમેરિકાની સિક્રેટ સર્વિસના ડિરેક્‍ટર સીન કરને એજન્‍ટોની કાર્યવાહીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે અધિકારીઓએ પોતાની તાલીમ અને અનુભવના આધારે આવી જોખમી પરિસ્‍થિતિનો સામનો કર્યો હતો. આ પરિસ્‍થિતિથી રાષ્ટ્રપતિની સુરક્ષા અને સામાન્‍ય લોકો માટે તાત્‍કાલિક જોખમ ઊભું થઈ શક્‍યું હોત. કરનના જણાવ્‍યા અનુસાર, આ ઘટના દર્શાવે છે કે વ્‍હાઇટ હાઉસ પરિસરની આસપાસ સુરક્ષા એજન્‍સીઓએ સતત સતર્ક રહેવું પડે છે. ત્‍યાં હથિયારો લઈને પહોંચતા લોકોની ઘટનાઓ પણ ચિતાનો વિષય બની રહી છે.

સિક્રેટ સર્વિસના જણાવ્‍યા અનુસાર, વ્‍હાઇટ હાઉસની આસપાસ માનસિક સ્‍વાસ્‍થ્‍ય સંબંધિત સમસ્‍યાઓ ધરાવતા લોકો સાથે જોડાયેલી ઘટનાઓમાં વધારો જોવા મળ્‍યો છે. અધિકારીઓનું કહેવું છે કે રાષ્ટ્રપતિ અને વ્‍હાઇટ હાઉસનું પ્રતીકાત્‍મક મહત્ત્વ કેટલાક એવા લોકોને પોતાની તરફ આકર્ષિત કરી શકે છે, જેઓ માનસિક સ્‍વાસ્‍થ્‍ય સંબંધિત સમસ્‍યાઓનો સામનો કરી રહ્યા હોય.

આ પહેલાં મે મહિનામાં પણ વ્‍હાઇટ હાઉસ નજીક ગોળીબારની ઘટના બની હતી. તે સમયે સુરક્ષા તપાસ ચોકીની નજીક એક શખ્‍સે ગોળીબાર કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં સિક્રેટ સર્વિસના અધિકારીઓએ તેને ગોળી મારી દીધી હતી, જેના કારણે તેનું મોત થયું હતું.

(10:25 AM IST)