<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

બિહારમાં ટ્રેનો પર પથ્થરમારો: વંદે ભારત સહિત ત્રણ ટ્રેનો બની નિશાન : મુસાફરોમાં મોતનો ફાળ પડ્યો

મુઝફ્ફરપુરના રામદયાલુ નગર પાસે અસામાજિક તત્વોનો આતંક: વંદે ભારત, ઇન્ટરસિટી અને લિચ્છવી એક્સપ્રેસના કોચના કાચ ફૂટ્યા, મહિલાઓ અને બાળકો જીવ બચાવવા સીટ નીચે છુપાયા

મુઝફ્ફરપુર:  બિહારના મુઝફ્ફરપુરમાં રેલવે સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલ ઉભા થયા છે. રવિવારની સાંજ મુસાફરો માટે કોઈ દુઃસ્વપ્નથી ઓછી નહોતી, જ્યારે એક પછી એક ત્રણ પ્રીમિયમ ટ્રેનો પર જોરદાર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. સોનપુર ડિવિઝનના હાજીપુર-મુઝફ્ફરપુર સેક્શન પર આવેલા રામદયાલુ નગર સ્ટેશન નજીક અજાણ્યા શખ્સોએ આધુનિક 'વંદે ભારત એક્સપ્રેસ' ઉપરાંત પટના-જયનગર ઇન્ટરસિટી અને લિચ્છવી એક્સપ્રેસને નિશાન બનાવી હતી. પથ્થરમારાના કારણે ટ્રેનના કોચના કાચ કડડભૂસ થઈને તૂટી પડતા ડબ્બામાં અફરાતફરી મચી ગઈ હતી અને મુસાફરો જીવ બચાવવા અહીં-તહીં ભાગવા લાગ્યા હતા.

ઘટનાની વિગતો મુજબ, સૌથી પહેલો હુમલો પાટલીપુત્ર-ગોરખપુર વંદે ભારત એક્સપ્રેસ પર થયો હતો, જેના C-3, C-4 અને E-1 કોચની બારીઓના કાચ ફૂટી ગયા હતા. આ આઘાત હજુ શમ્યો નહોતો ત્યાં જ અડધા કલાકના અંતરે પટના-જયનગર ઇન્ટરસિટીના C-1 કોચ અને ત્યારબાદ લિચ્છવી એક્સપ્રેસના સ્લીપર કોચ પર પથ્થરો વરસાવવામાં આવ્યા હતા. અચાનક થયેલા આ હુમલાથી ટ્રેનમાં સવાર મહિલાઓ અને બાળકો ચીસાચીસ કરી ઉઠ્યા હતા. સદનસીબે, કાચ તૂટવા છતાં કોઈ મુસાફરને ગંભીર ઈજા પહોંચી નથી, પરંતુ આશરે એક કલાક સુધી ટ્રેનની અંદર ભયનો માહોલ છવાયેલો રહ્યો હતો.

મુઝફ્ફરપુર જંકશન પર ટ્રેનો પહોંચતા જ રેલવે સુરક્ષા દળ (RPF) હરકતમાં આવ્યું હતું અને મુસાફરોના નિવેદનો નોંધી તપાસ તેજ કરી છે. રેલવે પોલીસ અધિક્ષક વીણા કુમારીના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં કેટલાક લોકોએ રેલવે ટ્રેક પાસે રમતા બાળકો દ્વારા પથ્થર ફેંકાયા હોવાની શંકા વ્યક્ત કરી છે, તેમ છતાં કોઈ અસામાજિક તત્વોનું આ વ્યવસ્થિત કાવતરું હોવાની શક્યતાને નકારી શકાય તેમ નથી. હાલમાં સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક બાતમીદારોની મદદથી આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. ટ્રેન જેવી સુરક્ષિત ગણાતી મુસાફરીમાં આ રીતે વારંવાર થતા હુમલાઓએ રેલવે તંત્રની સુરક્ષા વ્યવસ્થા પર મોટા સવાલો ઉભા કર્યા છે.

(10:51 PM IST)