News of Tuesday, 21st July 2026
યુવાનોના ભવિષ્ય સાથે રમત અને અત્યાચાર બંધ કરો
રાહુલ ગાંધીના પીએમ મોદી પર આકરા પ્રહારો

નવી દિલ્હી, તા.૨૧: NEET પરીક્ષાના પેપર લીક અને શિક્ષણ ક્ષેત્રે ચાલી રહેલી કથિત અનિયમિતતાઓ સામે પાટનગર દિલ્હીના જંતર-મંતર ખાતે દેશના વિદ્યાર્થીઓ અને યુવા સંગઠનો દ્વારા છેલ્લા કેટલાક સમયથી ઉગ્ર આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. તાજેતરમાં સંસદ માર્ચ અને પ્રદર્શન દરમિયાન શાંતિપૂર્ણ રીતે વિરોધ દર્શાવતા યુવાનો પર થયેલા પોલીસ બળપ્રયોગ અને લાઠીચાર્જ બાદ દેશનું રાજકારણ ગરમાયું છે. આ મામલે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધા પ્રહારો કરતા જણાવ્યું છે કે, પોતાના વાજબી હકો અને ભવિષ્યની સુરક્ષા માટે અવાજ ઉઠાવી રહેલા નિર્દોષ વિદ્યાર્થીઓને માર મારવો સંપૂર્ણપણે ગેરવ્યાજબી અને સરમુખત્યારશાહી ભર્યું પગલું છે. આ પહેલા કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પણ તીખો આક્ષેપ કર્યો હતો કે સરકાર જે યુવાનો પાસેથી મતો મેળવે છે, આજે તેમના પર જ લાઠીઓ વરસાવી રહી છે.
શિક્ષણ પ્રણાલી અને રોજગારની તકો પર બોલતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની નીતિઓની કડક શબ્દોમાં ટીકા કરી હતી. તેમણે કહ્યું કે આજે દેશના લાખો વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યને લઈને ઘોર નિરાશા અને મૂંઝવણના વાદળો વચ્ચે જીવી રહ્યા છે. એક સમયે સ્પર્ધાત્મક પરીક્ષાઓ ગરીબ અને મધ્યમ વર્ગના યુવાનો માટે પ્રગતિ અને આશાનું સશક્ત માધ્યમ ગણાતી હતી, પરંતુ આજે પેપર લીક અને ભ્રષ્ટાચારના કારણે આખી પરીક્ષા સિસ્ટમ પરથી યુવાનોનો વિશ્વાસ સાવ ઉઠી ગયો છે. વધુમાં તેમણે ગંભીર આરોપ લગાવ્યો હતો કે દેશના શિક્ષણ ક્ષેત્ર પર પસંદગીના ઉદ્યોગપતિઓ અને આરએસએસનો પ્રભાવ અને કબજો સતત વધી રહ્યો છે, જેના કારણે સામાન્ય યુવાનો માટે સમાન તકો અદૃશ્ય થઈ રહી છે.
દેશમાં વધી રહેલી આર્થિક અસમાનતાનો મુદ્દો ઉઠાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે એક તરફ અબજોપતિ ઉદ્યોગપતિઓના ઘરોમાં હજારો કરોડ રૂપિયાના ભવ્ય અને ઝાકઝમાળ વાળા પ્રસંગો યોજાય છે, જ્યારે બીજી તરફ દેશનો સામાન્ય યુવાન પોતાનો નાનો વ્યવસાય કે રોજીરોટી શરૂ કરવા માટે પણ સંસાધનોના અભાવે આકરી મથામણ કરી રહ્યો છે. તેમણે ઉમેર્યું કે શિક્ષણ સિસ્ટમમાં વ્યાપેલી ગડબડો અને યુવાનોની ભવિષ્ય પ્રત્યેની હતાશા હવે દેશ માટે ચિંતાનો વિષય બની ગઈ છે. રાહુલ ગાંધીએ કડક શબ્દોમાં કહ્યું કે દેશની શિક્ષણ અને પરીક્ષા પ્રણાલીને ઉધઈ કોરી ખાધી છે. આ તમામ નિષ્ફળતાઓની નૈતિક જવાબદારી સ્વીકારીને તેમણે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન, ગળહ પ્રધાન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાત્કાલિક ધોરણે રાજીનામું આપે તેવી માંગ કરી છે.(૨૩
(3:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
