News of Thursday, 29th October 2026
બીજાને ઉપદેશ આપવાનું બંધ કરી પોતાનામાં ઝાંખો: વારાણસીમાં ભાજપની હાર પર કોંગ્રેસનો પીએમ મોદી પર આકરો પ્રહાર
વિધાન પરિષદની ચૂંટણીમાં બેલેટ પેપરથી થયેલા મતદાન પર વડાપ્રધાને ઉઠાવેલા સવાલ બાદ રાજકારણ ગરમાયું; જયરામ રમેશે કહ્યું- 'પ્રવચનમંત્રી' પહેલા પોતાના ગઢમાં મળેલી હારનું આત્મનિરીક્ષણ કરે

નવી દિલ્હી: ચાર રાજ્યોમાં યોજાયેલી વિધાન પરિષદ (MLC) ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદ દેશના રાજકારણમાં નવો ગરમાવો આવ્યો છે. કોંગ્રેસની બેલેટ પેપરથી યોજાયેલી ચૂંટણીમાં નિરાશાજનક કામગીરી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કટાક્ષ કર્યા બાદ, હવે કોંગ્રેસે તેમના પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે વડાપ્રધાનને "બીજાને ઉપદેશ આપવાનું બંધ કરી પોતાના જ સંસદીય ક્ષેત્ર વારાણસીમાં ભાજપની થયેલી હાર અંગે આત્મનિરીક્ષણ" કરવાની કડક સલાહ આપી છે.
પીએમ મોદીએ શું કટાક્ષ કર્યો હતો?
તાજેતરમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર અને કર્ણાટકની ૨૮ MLC બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસનું ખાતું પણ ખુલ્યું નહોતું. આ પરિણામો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર ઈવીએમ (EVM) વિરુદ્ધ બેલેટ પેપરની માંગ કરતી વિપક્ષી પાર્ટીઓ પર પરોક્ષ કટાક્ષ કરતાં લખ્યું હતું કે, "ચાર મોટા રાજ્યોની ૨૮ બેઠકો પર બેલેટ પેપર દ્વારા મતદાન યોજાયું હતું. અંદાજો લગાવો કે કોંગ્રેસે કેટલી બેઠકો જીતી?"
કોંગ્રેસનો પલટવાર: વારાણસી અને નાગપુરનો હિસાબ આપો
વડાપ્રધાનના આ કટાક્ષ સામે કોંગ્રેસના જનરલ સેક્રેટરી જયરામ રમેશે તીખો પલટવાર કર્યો હતો. તેમણે વડાપ્રધાનને 'પ્રવચનમંત્રી' તરીકે સંબોધતા જણાવ્યું કે, "કોંગ્રેસની બેઠકો ગણાવતા પહેલા વડાપ્રધાને એ વિચારવાની જરૂર છે કે તેમના પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં ભાજપનો પરાજય કેમ થયો?" વારાણસીમાં ગ્રેજ્યુએટ્સ અને ટીચર્સ બંને બેઠકો પર સમાજવાદી પાર્ટીએ વિજય મેળવ્યો છે, જે ભાજપ માટે મોટો આંચકો માનવામાં આવે છે.
આ ઉપરાંત રમેશે ઉમેર્યું કે, વારાણસી ઉપરાંત આરએસએસના ગઢ ગણાતા નાગપુર તેમજ લખનૌ, પ્રયાગરાજ અને પટનાની જનતાએ પણ પોતાની મતશક્તિ દ્વારા ભાજપની નીતિઓ સામે અવિશ્વાસ વ્યક્ત કર્યો છે.
બેલેટ પેપરથી ચૂંટણીની માંગ પર કોંગ્રેસ અડગ
કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે ચૂંટણી પરિણામો ભલે ગમે તે આવે, પરંતુ મુક્ત અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયા માટે બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની તેમની માંગ ચાલુ જ રહેશે. જયરામ રમેશે જણાવ્યું કે દેશનો યુવા બેરોજગારીથી પરેશાન છે, મોંઘવારી કમરતોડ છે અને વડાપ્રધાને પોતાના અહંકારને બાજુ પર મૂકીને પ્રજાના વાસ્તવિક પ્રશ્નો પર ધ્યાન આપવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે, MLC ચૂંટણીઓમાં ભાજપ અને તેના સહયોગી પક્ષોએ ૨૮ માંથી ૧૬ બેઠકો પર વિજય મેળવ્યો છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીને મોટી સફળતા મળી છે.
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
