<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

“ઇંધણ બચાવવાના નામે દેખાડો બંધ કરો”: શરદ પવારે પીએમ મોદી અને ફડણવીસ પર સાધ્યું નિશાન, કાફલા ઘટાડવાની હોડને ગણાવી મજાક

“મંત્રીઓને ૧૭ ગાડીઓના કાફલાની શું જરૂર?”: મુખ્યમંત્રી ફડણવીસ સાયકલ પર મંત્રાલય પહોંચતા પવારે લીધી ચપટી- જો રોજ સાયકલ ચલાવશો તો જ જનતા ગંભીરતાથી લેશે

મુંબઈ : દેશમાં ઇંધણના વધતા ભાવ અને સંકટને રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા કરેલી અપીલ બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એસપી) ના અધ્યક્ષ શરદ પવારે આ મામલે પ્રતિક્રિયા આપતા સત્તાધારી પક્ષના નેતાઓની ઝાટકણી કાઢી છે. પવારે આક્ષેપ કર્યો છે કે ઇંધણ બચાવવાના નામે નેતાઓ માત્ર ‘ફોટોગ્રાફી’ અને ‘દેખાડો’ કરી રહ્યા છે.
 
કાફલો ઘટાડવો એ પ્રદર્શન નહીં, સંકલ્પ હોવો જોઈએ
પીએમ મોદીની અપીલ બાદ ભાજપના અનેક નેતાઓ પોતાના સુરક્ષા કાફલામાં વાહનોની સંખ્યા ઘટાડી રહ્યા છે. આ અંગે શરદ પવારે કટાક્ષ કરતા કહ્યું કે, "જે લોકો પોતાના કાફલા ટૂંકાવી રહ્યા છે તેમણે દેખાડો ન કરવો જોઈએ. એક-બે દિવસ બચત કરવાથી કોઈ મોટો ફેરફાર નહીં આવે, આમાં સાતત્ય જાળવવું જરૂરી છે." તેમણે પ્રશ્ન કર્યો કે મંત્રીઓને તેમના કાફલામાં ૧૭-૧૭ વાહનોની શું જરૂર છે? જો ખરેખર બચત કરવી હોય તો તેને કાયમી ધોરણે ૭-૮ વાહનો સુધી સીમિત કરવી જોઈએ.
 
ફડણવીસની ‘સાયકલ સવારી’ પર પવારની ચપટી
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આજે ઇંધણ બચાવવાનો સંદેશ આપવા માટે પોતાના નિવાસસ્થાન ‘વર્ષા’ થી વિધાન ભવન સુધી સાયકલ ચલાવીને પહોંચ્યા હતા. આ અંગે પૂછવામાં આવતા શરદ પવારે હસીને જવાબ આપ્યો કે, "જો મુખ્યમંત્રી આવતીકાલથી દરરોજ સાયકલ પર મંત્રાલય આવવાનું શરૂ કરશે, તો જ લોકો તેમને ગંભીરતાથી લેશે. માત્ર એક દિવસ સાયકલ ચલાવવી એ પ્રચાર સિવાય બીજું કંઈ નથી."
 
ચૂંટણી વખતે બચત કેમ યાદ ન આવી?
શરદ પવારે કેન્દ્ર સરકારની દાનત પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે પૂછ્યું કે જો દેશમાં ઇંધણની સ્થિતિ આટલી ગંભીર છે, તો શાસક પક્ષને ચૂંટણી પ્રચાર દરમિયાન ઇંધણ બચાવવાનો વિચાર કેમ ન આવ્યો? તેમણે વડાપ્રધાનને વિનંતી કરી કે આ એક ગંભીર મુદ્દો છે અને તેના પર ચર્ચા કરવા માટે તાત્કાલિક ‘સર્વપક્ષીય બેઠક’ બોલાવવી જોઈએ.
 
બારામતીમાં ‘જય દાદા’નો જાદુ
એક તરફ મુંબઈમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપ ચાલી રહ્યા છે, ત્યારે બીજી તરફ બારામતીમાં અજિત પવારના પુત્ર જય પવારના જાહેર દરબારમાં ભારે ભીડ ઉમટી પડી હતી. ત્યાંના લોકોમાં "અજિત દાદા પછી, અમને જય દાદા મળ્યા" ના નારા સાંભળવા મળ્યા હતા, જે મહારાષ્ટ્રના બદલાતા રાજકીય સમીકરણો તરફ ઈશારો કરે છે. પવારે અંતમાં ઉમેર્યું કે દેશના વહીવટી ખર્ચમાં ઘટાડો કરવાના ઘણા રસ્તાઓ છે અને સરકાર માત્ર પ્રતીકાત્મક પગલાં ભરીને સંતોષ માની રહી છે.

(9:24 PM IST)