તા. ૧૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૦ સોમવાર
News of Monday, 12th October 2026
કથા સુવિધા માટે નહીં, સાધના માટેઃ પૂ. મોરારીબાપુ
‘‘ભારત સ્વસ્તિક યાત્રા'' શ્રી રામ કથાનો કન્યાકુમારીની ભુમિ ઉપરથી મંગલ પ્રારંભઃ દરરોજ જુદા-જુદા સ્થળોએ શ્રીરામ કથાનું ગાન

રાજકોટ તા. ૧રઃ પૂ. મોરારિબાપુની ‘‘ભારત સ્વસ્તિક યાત્રા''નો કન્યાકુમારીની ભૂમિ પરથી ગત શનિવારે શુભ-મંગલ શુભારંભ થયો હતો. નવસો જેટલા રામકથા પ્રેમીઓને લઇને આ વિશિષ્ટ-અપૂર્વ રામકથા નવ હજાર કિલોમીટર અને ભારતની ચાર પીઠને આવરી લેતી આ રામકથા ખાસ ટ્રેઇનો ‘કૈલાસ' અને ‘ચિત્રકૂટ' દ્વારા ભારત માતાના ભાલે સાત્વિક-આસ્તિક અને સ્વસ્તિક રૂપ રામકથાનો દિવ્ય લ્હાવો મળી રહ્યો છે.
પૂ. મોરારિબાપુએ પ્રથમ દિવસની કથાના પ્રેમસંવાદમાં ભૂમિકારૂપ ચર્ચા કરતાં કહ્યું કે, દેશ, કાળ અને પરિસ્થિતિ મુજબ બધું બદલતું/બદલાતું રહે છે એમ આપણું મન પણ બદલતું રહે છે. આ સ્વાભાવિક ભારત સ્વસ્તિક યાત્રામાં ત્યાગ, તપ, તિતિજ્ઞા અને અર્પણ-તર્પણ સમાયેલા છે. યાત્રા દુર્ગમ છે પણ હનુમાન ચાલીસામાં કહેવાયું છે ને કે, દુર્ગમ કાજ જગત કે જે તે, સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે. આ ભારત યાત્રા જોડવાની યાત્રા તો છે જ પણ દિલને જોડવાની યાત્રા પણ છે. કોઇ કોઇની નિંદા ન કરે, ઇર્ષા ન કરે, દ્વેષ ન કરે, રજોગુણ અહંકારને પોષે નહિં. સ્વસ્તિક એટલે મંગલકારી, કલ્યાણકારી, શાંતિકારી, શુભકર, શાંતિ અને પ્રસન્નતા આપનાર. આપણા જે નક્ષત્રો છે એમાં અઠ્ઠાવીસમું નક્ષત્ર એ સ્વસ્તિક નક્ષત્ર છે.
પૂ. મોરારિબાપુએ કહ્યું કે, કથા સુવિધા માટે નહિં, પરંતુ સાધના માટે છે.
ગઇકાલે રવિવારે રામ કથાનો પ્રેમ સંવાદ આગળ ધપાવતાં પૂ. મોરારિબાપુએ કહ્યું હતું કે, વ્યાસપીઠ પાસે નિરંતર બેસવું એ કોઇની અપાર કરૂણાનું પરિણામ છે. નગીનદાસ સંઘવી કહેતા કે, બાપુ, આપની સત્ય, પ્રેમ, કરૂણામય કથાએ તલગાજરડીયથી પ્રસ્થાન ત્રયી છે. આ પરમગુરૂ આદિ જગદ્ગુરૂ શંકરાચાર્યની પ્રાગટયભૂમિ છે. શંકરાચાર્યજીની પણ પ્રસ્થાનત્રયી છે એ છે ભગવદ્ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર.
આપણે કયારેય કોઇ બુધ્ધ પુરૂષને શોધી નથી શકતા. આપણી તાકાત નથી કે આપણે બુધ્ધપુરૂષને શોધી શકીએ પણ કોઇ બુધ્ધપુરૂષ પરમ સાધુ, સદ્ગુરૂ જ આપણને શોધી લે છે. (-મનોજ જોશી ‘‘મજો'' રાજકોટ મો. ૯૪ર૬ર ૪ર૧૧પ, મો. ૮૧૪૦ર ૧૩૧૩૦)
(2:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
