તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th November 2026
હાર્મુઝની સાધનરેખા પર રાજીપો: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ઓક્ટોબરમાં રેકોર્ડ 31 ગેસ ટેન્કરો સુરક્ષિત પસાર
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ છતાં કતાર અને UAEથી ભારત સહિતના દેશો માટે LNG સપ્લાય ઝડપથી સુધારા તરફ

દુબઈ : ઈરાન અને અમેરિકા વચ્ચે ફેબ્રુઆરીથી શરૂ થયેલા યુદ્ધના કારણે વૈશ્વિક ઉર્જા માર્ગો પર ગંભીર અસરો પડી હતી, પરંતુ હોર્મુઝ સ્ટ્રેટ (હાર્મુઝની સામુદ્રધુની)માંથી થતા ગેસ પરિવહનને લઈને હવે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. દરિયાઈ માર્ગોમાં તમામ વિઘ્નો છતાં ઓક્ટોબર મહિનામાં હોર્મુઝમાંથી પસાર થતા કુદરતી ગેસ (LNG) જહાજોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. શિપ મોનિટરિંગ કંપનીઓના ડેટા અનુસાર, યુદ્ધની શરૂઆત પછી ઓક્ટોબરમાં સૌથી વધુ 31 LNG ટેન્કરો આ મહત્વપૂર્ણ રૂટ પરથી સફળતાપૂર્વક પસાર થયા છે, જે સપ્ટેમ્બરમાં માત્ર 23 હતા.
S&P ગ્લોબલ એનર્જીના ડેટા દર્શાવે છે કે ઓક્ટોબરમાં હોર્મુઝ દ્વારા કરવામાં આવેલું LNG શિપમેન્ટ ફેબ્રુઆરી પછીનું સૌથી વધુ માસિક ટ્રાન્સપોર્ટ છે. નિષ્ણાત એરિક યેપના જણાવ્યા મુજબ, સંયુક્ત આરબ અમીરાત (UAE) તરફથી થતું ગેસ શિપમેન્ટ હવે યુદ્ધ પહેલાના સ્તરે પહોંચી રહ્યું છે. આ સાથે કતારનું ટ્રાન્સશિપમેન્ટ પણ યુદ્ધના પ્રારંભિક તબક્કાની સરખામણીએ 30 ટકાથી વધુ વધ્યું છે. ઓક્ટોબરમાં પસાર થયેલા 31 જહાજોમાંથી 23 જહાજોએ કતારના રાસ લાફાન બંદરથી ગેસ લોડ કર્યો હતો, જ્યારે 8 જહાજો UAEના દાસ ટાપુથી રવાના થયા હતા.
કેપ્લરના શિપ-ટ્રેકિંગ અહેવાલ મુજબ, ઓક્ટોબર મહિનામાં કુલ 42 LNG શિપમેન્ટ જહાજો પર લોડ કરવામાં આવ્યા હતા, જે સપ્ટેમ્બરના 27 શિપમેન્ટ સામે મોટો ઉછાળો દર્શાવે છે. આ દરમિયાન કતારના રાસ લાફાન બંદરથી 35 શિપમેન્ટ મોકલવામાં આવ્યા હતા, જે કુલ 2.7 મિલિયન ટનથી વધુ ગેસ હતો. યુદ્ધ શરૂ થયા બાદ કતારની આ સૌથી વધુ માસિક નિકાસ નોંધાઈ છે. કતાર અને UAEથી નીકળતો આ એલએનજી ભારત, પાકિસ્તાન અને દક્ષિણ કોરિયા જેવા દેશોમાં પહોંચાડવામાં આવી રહ્યો છે, જેમાં રાસ લાફાનના બે જહાજોએ ઓમાનના સોહર કિનારે અન્ય જહાજોમાં શિપમેન્ટ ટ્રાન્સફર કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીમાં યુદ્ધ શરૂ થયા પહેલા કતારે એક જ મહિનામાં આશરે 6.2 મિલિયન ટન LNG નિકાસ કરી હતી, જેની સરખામણીએ હાલ પુરવઠો ધીમે ધીમે પાટા પર આવી રહ્યો છે. ઈંધણ સપ્લાય સામાન્ય થતાં ભારત સહિતના આયાતકાર દેશોમાં LPG અને LNGની કટોકટી ટળી છે. આગામી સમયમાં જો હોર્મુઝ માર્ગ પર સુરક્ષા જળવાઈ રહેશે તો વૈશ્વિક બજારમાં ગેસના ભાવ સ્થિર થશે અને ક્રૂડ તથા ઈંધણના સપ્લાય ચેઈનને વધુ મજબૂતી મળશે.
(11:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
