તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
બેંગલુરુમાં AI કેમેરાની વિચિત્ર ભૂલ: ગિટારની બેગને પાછળ બેઠેલો મુસાફર સમજીને ફટકાર્યો ₹૫૦૦નો હેલ્મેટ દંડ!
"પીઠ પર ગિટાર હતું, માણસ નહીં": AI ટ્રાફિક સિસ્ટમની ગંભીર ક્ષતિથી રાઇડર ચોંકી ગયો, સોશિયલ મીડિયા પર ઈ-ચલણનો ફોટો વાયરલ

બેંગલુરુ : બેંગલુરુ શહેરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સક્ષમ ટ્રાફિક કેમેરાનો એક અત્યંત રમુજી અને આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં ટ્રાફિક નિયમોના અમલીકરણ માટે મૂકાયેલા હાઇ-ટેક AI કેમેરાએ એક મોટરસાયકલ સવારની પીઠ પર લટકાવેલી ગિટારની બેગને 'પાછળ બેઠેલી વ્યક્તિ' (pillion rider) સમજી લેવાની મોટી ભૂલ કરી હતી. એટલું જ નહીં, સિસ્ટમે આ ગિટારને હેલ્મેટ વગરનો મુસાફર ગણાવીને રાઇડરને રૂ. ૫૦૦નો ઈ-ચલણનો દંડ પણ ફટકારી દીધો હતો!
આ વિચિત્ર ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે હેબ્બાલથી ટીન ફેક્ટરી તરફ જઈ રહેલા એક બાઇક સવારને તેના ફોન પર હેલ્મેટના નિયમભંગ બદલ દંડનો મેસેજ મળ્યો. જ્યારે તેણે મેસેજ સાથે જોડાયેલી લિંક ખોલીને ચલણનો ફોટો જોયો ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયો હતો. ફોટાને ઝૂમ કરીને જોતાં માલૂમ પડ્યું કે AI સિસ્ટમે જેને પીઠ પાછળ બેઠેલો પેસેન્જર માન્યો હતો, તે વાસ્તવમાં તેની પીઠ પર લટકાવેલું ગિટાર હતું. રાઇડરે આ વિચિત્ર ચલણ સોશિયલ મીડિયા પર શેર કરતાં જ લોકોમાં ભારે હાસ્ય સાથે AI ટેકનોલોજીની ચોકસાઈ સામે સવાલો ઉભા થયા હતા.
ટ્રાફિક પોલીસે સ્વીકારી ટેકનિકલ ભૂલ, દંડ રદ કરવા આપી ખાતરી
ઘટના અંગે બેંગલુરુ ટ્રાફિક પોલીસ (BTP) ના વરિષ્ઠ અધિકારીએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે, "ગિટારની બેગ પીઠ પર એવી સ્થિતિમાં લટકેલી હતી કે AI-આધારિત કેમેરા સિસ્ટમે તેને પાછળ બેઠેલા વ્યક્તિ તરીકે ડિટેક્ટ કરી લીધી હતી અને હેલ્મેટ ન પહેરવાના કારણે આપમેળે ચલણ જારી થઈ ગયું હતું."
પોલીસે પોતાની ભૂલ સ્વીકારીને આ ઉલ્લંઘન રેકોર્ડ સુધારી દેવાની ખાતરી આપી છે. ટ્રાફિક પોલીસે રાઇડરને ઈ-ચલણ રદ કરાવવા માટે ઈમેલ ([email protected]) પર વિગતો મોકલવા અથવા હેલ્પલાઈન નંબર 080-22943381 અને 080-22942883 પર સંપર્ક કરવા વિનંતી કરી છે.
(9:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
