News of Friday, 1st May 2026
પેરિસમાં અજીબ 'ડ્રામેટિક' અકસ્માત: ટ્રેની ડ્રાઈવરે આખી બસ સીન નદીમાં ખાબકાવી, ૪ લોકોનો ચમત્કારિક બચાવ
પાર્ક કરેલી કારને ટક્કર મારી બસ નદીમાં ખાબકી: ટ્રેનિંગના પ્રથમ દિવસોમાં જ મોટી દુર્ઘટના, ૧૧૦ બચાવકર્મીઓએ ભારે જહેમત બાદ બસને બહાર કાઢી

જુવિસી-સુર-ઓર્જ (ફ્રાન્સ), તા.૦૧: ફ્રાન્સની રાજધાની પેરિસ નજીક એક ચોંકાવનારો અને થોડો અજીબ કહી શકાય તેવો અકસ્માત સર્જાયો છે. પેરિસના ઉપનગરમાં એક ટ્રેની બસ ડ્રાઈવરે સાર્વજનિક પરિવહનની બસ પરથી કાબૂ ગુમાવ્યો અને આખી બસ સીન (Seine) નદીમાં પધરાવી દીધી હતી. આ અકસ્માતમાં બસની સાથે કાંઠા પર પાર્ક કરેલી એક કાર પણ નદીમાં ખાબકી હતી, પરંતુ સદનસીબે આ ઘટનામાં કોઈને ગંભીર ઈજા થઈ નથી.
કેવી રીતે સર્જાયો અકસ્માત?
ગુરુવારે પેરિસ નજીકના કમ્યુટર ટાઉન જુવિસી-સુર-ઓર્જમાં આ ઘટના બની હતી. બસ ચલાવવાનું શીખી રહેલા એક તાલીમાર્થી ડ્રાઈવરે અચાનક બસ પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું. બસે પહેલા રસ્તાના કિનારે ઉભેલી એક કારને ટક્કર મારી અને ત્યારબાદ તેને પણ સાથે ઢસડીને સીધી નદીમાં જઈ પડી. નદીમાં પડતાની સાથે જ બસ સંપૂર્ણપણે ડૂબી ગઈ હતી.
સ્થાનિકો બન્યા દેવદૂત
અકસ્માત સમયે બસમાં ડ્રાઈવર ટ્રેની અને સુપરવાઈઝર સહિત કુલ ચાર લોકો સવાર હતા. નજીકની રોઇંગ ક્લબના ૨૫ વર્ષીય ઇન્સ્ટ્રક્ટર મર્લિન સેકોટે જણાવ્યું કે અકસ્માતનો અવાજ ખૂબ જ મોટો હતો અને બસને ડૂબતા માત્ર ૧૦ સેકન્ડનો સમય લાગ્યો હતો. મર્લિન અને તેના સાથીએ તાત્કાલિક મોટરબોટ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને મુસાફરોને બચાવ્યા હતા. બસ નદીમાં પડતા જ તેના કાચ ફૂટી ગયા હોવાથી લોકો ઝડપથી બહાર નીકળી શક્યા હતા.
ભારે જહેમત બાદ બચાવ કાર્ય પૂર્ણ
આ અજીબ અકસ્માત બાદ ઘટનાસ્થળે ૧૧૦ જેટલા ફાયર ફાઈટર, પોલીસકર્મીઓ, ડાઈવર્સ અને ક્રેન ઓપરેટરોની ટીમ પહોંચી હતી. બસ ઓપરેટર 'Île-de-France Mobilités' ની આ બસને ક્રેન દ્વારા બહાર કાઢવા માટે મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સ્થાનિક મેયરે જણાવ્યું હતું કે નદી કિનારે લગાવેલા બેરિયર્સ નવા જ બદલવામાં આવ્યા હતા, છતાં આ અકસ્માત થયો તે આશ્ચર્યજનક છે. હાલમાં અકસ્માતનું સચોટ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.
(8:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
