તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th May 2026
રાજસ્થાનમાં રખડતા શ્વાનનો આતંક: બુંદીમાં ૧૨ વર્ષની માસુમ બાળકીને ફાડી ખાધી, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તોડ્યો દમ
બાળકીની ચીસો સાંભળી ગ્રામજનો દોડી આવ્યા પણ કાળમુખા કૂતરાઓએ શરીરને નોંચી નાખ્યું: તંત્રની ઘોર બેદરકારી સામે લોકોમાં ભારે રોષ, અજમેરમાં પણ દોઢ મહિનાના બાળકનો શ્વાને લીધો ભોગ

બુંદી: રાજસ્થાનના બુંદી જિલ્લામાં રખડતા શ્વાનોનો કહેર ફરી એકવાર નિર્દોષ જિંદગી પર કાળ બનીને ત્રાટક્યો છે. તાલેડા સબ-ડિવિઝન હેઠળના અલકોદિયા ગામમાં સોમવારે વહેલી સવારે રખડતા શ્વાનોના ટોળાએ ૧૨ વર્ષની બાળકી પર હિંસક હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને વહીવટી તંત્ર સામે ફિટકારની લાગણી જન્મી છે.
ખેતરમાં શૌચ માટે ગયેલી બાળકી પર ત્રાટક્યું મોત
ગામમાં રહેતી ધોરણ-૩ની વિદ્યાર્થીની રિંકુ ભીલ (૧૨) સોમવારે સવારે અંદાજે ૬ વાગ્યાની આસપાસ પોતાના ઘરથી થોડે દૂર ખેતરમાં શૌચ માટે ગઈ હતી. આ દરમિયાન અચાનક રખડતા શ્વાનોના એક ટોળાએ તેના પર હુમલો કરી દીધો હતો. બાળકીની મરણતોલ ચીસો સાંભળીને આસપાસના લોકો અને પરિવારજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં કૂતરાઓએ માસુમ બાળકીના શરીરને ખરાબ રીતે નોંચી નાખ્યું હતું.
હોસ્પિટલમાં તબીબોએ મૃત જાહેર કરી
લોકોએ પથ્થરો મારીને શ્વાનોના ટોળાને ભગાડ્યું હતું અને ગંભીર રીતે ઘાયલ રિંકુને તાત્કાલિક તાલેડા હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, શરીર પર ઊંડા ઘા અને વધુ પડતું લોહી વહી જવાને કારણે તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. પોલીસ અધિકારીઓએ મેડિકલ બોર્ડ દ્વારા પોસ્ટમોર્ટમ કરાવીને બાળકીનો મૃતદેહ પરિવારજનોને સોંપ્યો છે.
વારંવારની ફરિયાદો છતાં તંત્ર નિંદ્રામાં
સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે, વિસ્તારમાં રખડતા શ્વાનોના વધતા આતંક અંગે અગાઉ પણ અનેકવાર ફરિયાદો કરવામાં આવી છે, પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી. આ પહેલા ૧૩ ફેબ્રુઆરીએ પણ સીતાપુરાની એક સ્કૂલમાં એક બાળકી પર શ્વાને હુમલો કર્યો હતો, જે હજુ પણ સારવાર હેઠળ છે.
અજમેરમાં પણ માસુમનું મોત
શ્વાનોના આતંકની બીજી એક કરુણ ઘટના અજમેર જિલ્લાના પીસાંગણમાંથી સામે આવી છે. અહીં માત્ર દોઢ મહિનાના બાળકને કૂતરાઓએ એટલી હદે નોંચી નાખ્યું હતું કે તેનું પેટ ફાટી ગયું હતું અને આંતરડા બહાર આવી ગયા હતા. ચાર દિવસ સુધી વેન્ટિલેટર પર જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમ્યા બાદ આ માસુમ બાળકે પણ દમ તોડી દીધો છે.
રાજસ્થાનમાં રખડતા શ્વાનોની વધતી સંખ્યા અને હિંસક બનતા વર્તનને કારણે હવે બાળકોનું ઘરની બહાર નીકળવું પણ જોખમી બની ગયું છે, ત્યારે તંત્ર જાગશે કે કેમ તે મોટો પ્રશ્ન છે.
(6:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
