<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th November 2026

પ્રમોશનલ અને સ્પામ કોલ સામે ટ્રાઇ દ્વારા કડક એકશન: 1.24 લાખથી વધુ ટેલિકોમ કનેક્શન્સ સામે કાર્યવાહી: 374 સંસ્થાઓ બ્લેકલિસ્ટ

જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે ટ્રાઈને સ્પામ કોમર્શિયલ કૉલ્સ અને મેસેજને લગતી કુલ 15.29 લાખ ફરિયાદો મળી:નિયમોનું વારંવાર ઉલ્લંઘન કરનારાઓના 13,777 કનેક્શન્સ એક વર્ષ માટે બંધ કરી દેવામાં આવ્યા

નવી દિલ્હી :મોબાઈલ ફોન પર અજાણ્યા નંબરેથી આવતા પ્રમોશનલ, સ્પામ કોલ અને મેસેજથી લોકો પરેશાન છે. તેવા સમયે ટેલિકોમ રેગ્યુલેટરી ઓફ ઈન્ડિયા( ટ્રાઇ) દ્વારા કડક એકશન લેવામાં આવ્યા છે. જેમાં ટ્રાઇએ જુલાઇ થી સપ્ટેમ્બર સુધીના નિયમોનો ભંગ કરનારા 1.24 લાખથી વધુ ટેલિકોમ કનેક્શન્સ અને અન્ય સંસાધનો સામે કાર્યવાહી કરી હતી. 

 

આ ઉપરાંત જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે ટ્રાઈને સ્પામ કોમર્શિયલ કૉલ્સ અને મેસેજને લગતી કુલ 15.29 લાખ ફરિયાદો મળી હતી. તેમાંથી 7.23 લાખ ફરિયાદોને કાર્યવાહી માટે લાયક ગણવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન દેશના ટેલિકોમ નેટવર્ક દ્વારા 714.01 અબજ કોલ્સ અને 702.28 અબજ એસએમએસ મોકલવામાં આવ્યા હતા. આ મુજબ  દર 10 લાખ આઉટગોઇંગ કોલ માટે લગભગ 2.14 સ્પામ ફરિયાદો નોંધવામાં આવી હતી.

 

ટ્રાઇના અહેવાલ મુજબ, સ્પામ નિયમોનું પ્રથમ વખત ઉલ્લંઘન કરનારા 1,10,325 ટેલિકોમ કનેક્શન્સની આઉટગોઇંગ સેવાઓ 15 દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી. આ ઉપરાંત, નિયમોનું વારંવાર ઉલ્લંઘન કરનારાઓના 13,777 કનેક્શન્સ એક વર્ષ માટે બંધ કરી દેવામાં આવ્યા હતા.

 

ટ્રાઇએ આ ઉપરાંત 374 સંસ્થાઓને એક વર્ષ માટે બ્લેકલિસ્ટ કરી છે. આ સમયગાળા દરમિયાન આ સંસ્થાઓ નવા ટેલિકોમ સંસાધનો લઈ શકશે નહીં. આ આંકડા નાણાકીય વર્ષ 2026-27ના બીજા ત્રિમાસિક ગાળા માટેના ટ્રાઇના અહેવાલમાં જાહેર કરવામાં આવ્યા છે.

 

આ સિવાય 3,725 એસએમએસ હેડરોને બ્લોક કરવામાં આવ્યા હતા. ટેલિકોમ કંપનીઓ સ્પામને રોકવા માટે એઆઈ આધારિત સિસ્ટમનો ઉપયોગ કરી રહી છે. ટ્રાઈ  અનુસાર, આ સિસ્ટમોએ બીજા ત્રિમાસિક ગાળામાં 19.9 અબજ શંકાસ્પદ કોલ અને સંદેશાઓની ઓળખ કરી છે.

(10:20 PM IST)