<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

દિલ્હીમાં હવાઈ પ્રદૂષણ રોકવા GRAP હેઠળ આકરા નિયમો: 1 નવેમ્બરથી નોન-BS6 વાહનોના પ્રવેશો પર સંપૂર્ણ પ્રતિબંધ

​સિએનજી, ઈલેક્ટ્રિક અને BS-VI વાહનોને જ રાજધાનીમાં પ્રવેશ મળશે; નોઈડા, ગુરુગ્રામ અને ફરીદાબાદથી આવતા વાહનચાલકો પર સીધી અસર પડશે.

​નવી દિલ્હી:દિલ્હી-એનસીઆર (NCR) વિસ્તારમાં શિયાળાની શરૂઆત સાથે જ વાયુ પ્રદૂષણનું સ્તર ચિંતાજનક રીતે વધી રહ્યું છે. વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન પંચ (CAQM) દ્વારા સુધારેલા ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) હેઠળ દિલ્હી સરકાર અને ટ્રાફિક પોલીસે 1 નવેમ્બરથી રાજધાનીમાં વાહનોની એન્ટ્રી અંગે અત્યંત કડક નિયમો લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.

​આ નિયમો 1 નવેમ્બરથી લઈને 31 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે. જો તમે પણ દિલ્હી બહારના રાજ્યમાંથી વાહન લઈને રાજધાનીમાં પ્રવેશવાનું વિચારી રહ્યા છો, તો કયા વાહનો પર બેન છે અને કયા વાહનોને છૂટ છે તેની પૂરી વિગતો નીચે મુજબ છે.

​કયા વાહનો પર પ્રતિબંધ રહેશે? (Banned Vehicles)
​નોન-BS6 વાહનો: દિલ્હી બહાર (જેમ કે હરિયાણા, ઉત્તર પ્રદેશ વગેરે) રજિસ્ટર્ડ થયેલા તમામ BS-III અને BS-IV પેટ્રોલ તેમજ ડિઝલ વાહનોના પ્રવેશ પર સંપૂર્ણપણે રોક લગાવી દેવામાં આવી છે.

​નોન-BS6 ડિઝલ બસ: અન્ય રાજ્યોમાંથી આવતી એવી તમામ ઈન્ટરસ્ટેટ ડિઝલ બસોને રોકવામાં આવશે જે BS-VI ધોરણો ધરાવતી ન હોય.

​દિલ્હીમાંથી પસાર થતા માલવાહક ટ્રક: જે ગુડ્ઝ વાહનોનું ડેસ્ટિનેશન દિલ્હી નથી પરંતુ તેઓ માત્ર દિલ્હીના રસ્તેથી અન્ય જગ્યાએ જઈ રહ્યા છે, તેમને શહેરમાં પ્રવેશવા દેવાશે નહીં. આવા ટ્રકોને પેરીફેરલ એક્સપ્રેસ-વે તરફ ડાયવર્ટ કરાશે.
​PUC વગરના વાહનો: જો વાહન BS-VI મોડેલનું હોય તો પણ જો તેની પાસે માન્ય પલ્યુશન અંડર કન્ટ્રોલ (PUC) સર્ટિફિકેટ નહીં હોય, તો તેને શહેરમાં પ્રવેશવા કે ઈંધણ પૂરવા દેવામાં આવશે નહીં.

​કયા વાહનોને પ્રવેશની મંજૂરી મળશે? (Allowed Vehicles)
​BS-VI સુસંગત વાહનો: પેટ્રોલ કે ડિઝલના તમામ BS-VI (BS6) ધોરણો ધરાવતા વાહનોને પ્રવેશ મળશે.

​ઈલેક્ટ્રિક વાહનો (EV): તમામ પ્રકારના ઈલેક્ટ્રિક પેસેન્જર અને કોમર્શિયલ વાહનો.

​CNG / LNG વાહનો: ફેક્ટરી-ફિટેડ કે અધિકૃત CNG અને LNG પર ચાલતા તમામ વાહનો.

​દિલ્હી રજિસ્ટર્ડ વાહનો: દિલ્હીમાં લોકલ રજિસ્ટ્રેશન ધરાવતા વાહનોને ચોક્કસ શરતો સાથે રાહત અપાઈ છે.
​નિયમભંગ કરવા પર રૂ. 10,000 સુધીનો દંડ
​દિલ્હી ટ્રાફિક પોલીસે સરહદો (બોર્ડર પોઈન્ટ્સ) પર સઘન ચેકિંગ શરૂ કરી દીધું છે. માન્ય PUC વગરના અથવા પ્રતિબંધિત નોન-BS6 વાહન સાથે દિલ્હીમાં પ્રવેશવાનો પ્રયાસ કરનાર વાહનચાલકોને રૂ. 10,000 સુધીનો ભારે ચલાન ઈશ્યૂ કરવામાં આવી શકે છે. NCRના શહેરો જેવા કે નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ અને ફરીદાબાદથી દિલ્હી આવતા દૈનિક મુસાફરોને જાહેર પરિવહન કે દિલ્હી મેટ્રોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.

(3:20 PM IST)