News of Thursday, 26th November 2026
ડિજિટલ સામગ્રી પર તંત્રની કડક નજર: 6 મહિનામાં ગૂગલ પાસે સામગ્રી હટાવવાની માંગમાં 61%નો તોતિંગ ઉછાળો, YouTube સૌથી વધુ નિશાન પર
જાન્યુઆરી-જૂન 2026 દરમિયાન ભારતમાંથી 65,091 બાબતો અંગે 4,006 વિનંતીઓ મળી, જેમાં 72% હિસ્સો પોલીસ એજન્સીઓનો; એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં ભારતના 34.4 લાખ YouTube વીડિયો દૂર કરાયા, વિશ્વમાં સૌથી વધુ

નવી દિલ્હી, તા. ૨૬: ડિજિટલ પ્લેટફોર્મ્સ પર શેર થતી સામગ્રી સામે સરકારી એજન્સીઓ અને અદાલતોની સક્રિયતામાં મોટો વધારો જોવા મળ્યો છે. ગૂગલ (Google)ના તાજેતરના પારદર્શિતા અહેવાલ મુજબ, જાન્યુઆરી-જૂન 2026ના છ મહિનાના ગાળામાં ભારતીય સરકારી એજન્સીઓ અને કોર્ટ તરફથી સામગ્રી દૂર કરવાની વિનંતીઓમાં અગાઉના છ મહિનાની સરખામણીએ 61%નો જબરદસ્ત વધારો થયો છે. આ સમયગાળામાં સૌથી વધુ કાર્યવાહીની માંગ YouTube પરની સામગ્રી અંગે કરવામાં આવી છે.
અહેવાલ અનુસાર, આ છ મહિનામાં ગૂગલને ભારતમાંથી 4,006 વિનંતીઓ પ્રાપ્ત થઈ હતી, જેમાં તેની વિવિધ સેવાઓની કુલ 65,091 બાબતોનો સમાવેશ થાય છે. આવી વિનંતીઓની સંખ્યા મામલે રશિયા અને દક્ષિણ કોરિયા બાદ ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે રહ્યું છે. YouTube પર હોસ્ટ કરાયેલી સામગ્રી સામે સૌથી વધુ 3,399 વિનંતીઓ નોંધાઈ હતી. કુલ વિનંતીઓમાં લગભગ 72% હિસ્સો (2,870 વિનંતીઓ) પોલીસ એજન્સીઓનો હતો, જ્યારે અદાલતો તરફથી 695 વિનંતીઓ મળી હતી. સૌથી વધુ 2,130 વિનંતીઓમાં ‘માનહાનિ’ (Defamation)ને સામગ્રી હટાવવાનું મુખ્ય કારણ દર્શાવવામાં આવ્યું હતું.
સ્થાનિક કાયદાઓના ઉલ્લંઘન બદલ ભારતમાંથી આવેલી માંગ પર ગૂગલે 19,883 સામગ્રી દૂર કરી હતી, જ્યારે પોતાની આંતરિક નીતિઓ હેઠળ વધુ 1,415 બાબતો હટાવવામાં આવી હતી. જોકે, 19,402 બાબતોમાં ગૂગલે કોઈ કાર્યવાહી કરી નથી, જ્યારે અન્ય 17,473 બાબતોમાં પૂરતી માહિતી ન હોવાનું જણાવી કાર્યવાહી થઈ શકી ન હતી.
બીજી તરફ, એપ્રિલ-જૂન 2026ના ત્રિમાસિક ગાળા માટેના YouTube ના સમુદાય માર્ગદર્શિકા અમલીકરણ અહેવાલ મુજબ, વૈશ્વિક સ્તરે વીડિયો દૂર કરવામાં ભારત ટોચ પર રહ્યું છે. આ ગાળામાં ભારતમાંથી અપલોડ થયેલા 34.4 લાખ વીડિયો દૂર કરાયા હતા, જે જાન્યુઆરી-માર્ચની તુલનાએ 28% વધુ છે અને વિશ્વભરમાં હટાવાયેલા 1.1 કરોડ વીડિયોના આશરે 31% થાય છે. ત્યારબાદ અમેરિકા (12.4 લાખ) અને ઇન્ડોનેશિયા (9.2 લાખ)નો ક્રમ આવે છે, જ્યારે વૈશ્વિક સ્તરે બાળ સુરક્ષા ઉલ્લંઘનનો હિસ્સો 68.2% રહ્યો અને 98.6% વીડિયો ઓટોમેટેડ સિસ્ટમ દ્વારા શરૂઆતમાં જ પકડાઈ ગયા હતા.
(5:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
