News of Saturday, 1st August 2026
ભારતીય અર્થતંત્ર માટે મજબૂત સમાચાર: જુલાઈમાં GST કલેક્શન રૂ. ૨.૧૧ લાખ કરોડને પાર, ૧૫.૪% ના ઉછાળા સાથે સરકારી તિજોરી છલકાઈ!
ઘરેલું વેપારમાં તેજી અને આયાત ટેક્સમાં ૨૮.૮% ના જંગી વધારાથી વાર્ષિક ધોરણે રેકોર્ડ કમાણી; ટેક્સ રિફંડમાં પણ ૧૩.૧% નો વધારો, ગુજરાત અને હરિયાણા કલેક્શન વધારવામાં મોખરે

નવી દિલ્હી : દેશની આર્થિક સ્થિતિ અને વેપારી ગતિવિધિઓ માટે અત્યંત ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. જુલાઈ ૨૦૨૬ ના મહિનામાં સરકારની વસ્તુ અને સેવા કર (GST) થી થતી કુલ આવક વધીને રૂ. ૨.૧૧ લાખ કરોડ ની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગઈ છે. નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, ગયા વર્ષના જુલાઈ મહિનાની તુલનાએ આ કલેક્શનમાં ૧૫.૪% નો નોંધપાત્ર વાર્ષિક ઉછાળો નોંધાયો છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ છતાં ભારતની સ્થાનિક આર્થિક પ્રવૃત્તિઓ મજબૂત રહી હોવાનો આ આંકડો સ્પષ્ટ પુરાવો છે.
ઘરેલું વેપાર અને આયાતમાં સીધો ઉછાળો
સરકારના માસિક જીએસટી રિપોર્ટ અનુસાર, આ ગ્રોસ કલેક્શનમાં ઘરેલું વેપારમાંથી મળેલો ટેક્સ જુલાઈ ૨૦૨૫ ના રૂ. ૧.૩૧ લાખ કરોડથી વધીને રૂ. ૧.૪૫ લાખ કરોડ થયો છે. આ સિવાય આયાતી વસ્તુઓ અને સેવાઓ પર મળતો જીએસટી ૨૮.૮% ના જંગી વધારા સાથે રૂ. ૬૬,૫૧૧ કરોડ પર પહોંચી ગયો છે. આ બંને મળીને ગ્રોસ ટેક્સ આવક ૨.૧૧ લાખ કરોડ રૂપિયા રહી છે, જે દેશમાં નાગરિકોની મજબૂત ખરીદશક્તિ અને વેપારી પ્રવૃત્તિઓ દર્શાવે છે.
નેટ જીએસટી કલેક્શન અને રિફંડના આંકડા
જુલાઈ મહિનામાં સરકારે વેપારીઓને આપવાના થતાં ટેક્સ રિફંડમાં પણ વધારો કર્યો છે. જુલાઈ ૨૦૨૬ માં કુલ રૂ. ૨૯,૯૬૮ કરોડનું જીએસટી રિફંડ જારી કરાયું હતું, જે ગયા વર્ષ કરતાં ૧૩.૧% વધુ છે. આ સિવાય આઈસીજીએટી (ICEGATE) દ્વારા પ્રોસેસ કરાયેલું નિકાસ રિફંડ ૨૨.૭% વધીને રૂ. ૧૨,૨૮૮ કરોડ થયું છે.
રિફંડ બાદ કર્યા પછીનું નેટ જીએસટી કલેક્શન રૂ. ૧.૮૧ લાખ કરોડ રહ્યું છે, જે વાર્ષિક ધોરણે ૧૫.૮% નો વધારો દર્શાવે છે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ ના પ્રથમ ચાર મહિનામાં (એપ્રિલથી જુલાઈ) સરકારનું કુલ જીએસટી કલેક્શન રૂ. ૮.૪૩ લાખ કરોડ નોંધાયું છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં ૧૦.૧% વધુ છે.
કયા રાજ્યોમાં સૌથી વધુ વધારો નોંધાયો?
જીએસટી કલેક્શનના વૃદ્ધિદરમાં હરિયાણા ૨૫% ના વધારા સાથે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે. ત્યારબાદ ગુજરાત અને તેલંગાણા ૧૯-૧૯% ના ઉછાળા સાથે બીજા ક્રમે રહ્યા છે. પંજાબ અને કેરળમાં ૧૬%, ઉત્તર પ્રદેશમાં ૧૫%, મહારાષ્ટ્રમાં ૧૩%, કર્ણાટકમાં ૧૨% અને દિલ્હીમાં ૮% નો વધારો થયો છે.
બીજી તરફ, હિમાચલ પ્રદેશ (-૨૨%), ઉત્તરાખંડ (-૧૮%), પુડુચેરી (-૧૭%), મધ્ય પ્રદેશ (-૧૭%), આંધ્ર પ્રદેશ (-૫%) અને તમિલનાડુ (-૧%) જેવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કલેક્શનમાં ઘટાડો જોવા મળ્યો છે.
(10:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
