તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th September 2026
ઉજ્જૈનમાં રસ્તો પહોળો કરવા મંદિરનું માળખું હટાવાયું, પરંતુ પ્રાચીન ‘ખડે હનુમાન’ પ્રતિમા ખસેડવાના પ્રયાસ નિષ્ફળ
ક્રેન અને ભારે યંત્રોનો ઉપયોગ અટકાવાયો: પ્રતિમાને નુકસાન ન થાય તે માટે પુરાતત્ત્વ નિષ્ણાતોની મદદ લેવાશે

ઉજ્જૈનઃ સિંહસ્થ–૨૦૨૮ પૂર્વે કંઠાલ ચોરાહાથી છત્રીચોક સુધીના માર્ગને પહોળો કરવાની કામગીરી દરમિયાન આશરે ૧૭૦ વર્ષ જૂના ‘ખડે હનુમાન મંદિર’નું માળખું અને ગર્ભગૃહ હટાવવામાં આવ્યું છે. જોકે ચાર દિવસ દરમિયાન અનેક પ્રયાસો છતાં હનુમાનજીની પ્રાચીન પ્રતિમા મૂળ સ્થાનેથી ખસેડી શકાઈ નથી.
પ્રતિમાને ખસેડવા માટે ક્રેન, જેસીબી સહિતનાં ભારે યંત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રતિમાના પાયાની આસપાસ આશરે દોઢ ફૂટ સુધી ખોદકામ પણ કરાયું, પરંતુ પ્રતિમા જમીન સાથે કેવી રીતે જોડાયેલી છે તે સ્પષ્ટ થયું નથી. વધારે બળ વાપરવાથી પ્રતિમામાં તિરાડ પડવાની કે તે ખંડિત થવાની આશંકાને પગલે ભારે યંત્રોનો ઉપયોગ અટકાવી દેવાયો છે.
હવે પુરાતત્ત્વ અને તકનિકી નિષ્ણાતોની ટીમ વિશેષ ઉપકરણોથી પ્રતિમા, પાયા અને આસપાસની જમીનની તપાસ કરશે. ત્યારબાદ પ્રતિમાને સુરક્ષિત રીતે ખસેડી શકાય કે નહીં તે અંગે નિર્ણય લેવાશે. તંત્ર દ્વારા પ્રતિમાને ટાંકીચોક વિસ્તારમાં સ્થાપિત કરવાની યોજના હોવાનું જાણવા મળે છે. હાલ પ્રતિમાને કામચલાઉ છત્ર હેઠળ સુરક્ષિત રાખવામાં આવી છે. સ્થાનિક શ્રદ્ધાળુઓ અને હિન્દુ સંગઠનોએ પ્રતિમાને કોઈ નુકસાન ન પહોંચે તેવી માગ કરી છે.
(9:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
