તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Tuesday, 28th July 2026
સંસદમાં સંગ્રામ: પેપર લીક બિલ પર ચર્ચા વચ્ચે પ્રિયંકા ગાંધીના આકરા પ્રહારોથી લોકસભામાં ભારે હોબાળો: માઈક બંધ થતાં લાઈવ પ્રસારણ અટકાવાયું!
NEET વિવાદ અને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર ટીયર ગેસ તથા લાઠીચાર્જ મુદ્દે પ્રિયંકા ગાંધી અને અખિલેશ યાદવે સરકારને ઘેરી : તૃણમૂલ કોંગ્રેસના બળવાખોર સાંસદોની એનડીએ બેઠકમાં હાજરીથી નવું રાજકીય સમીકરણ રચાયું

નવી દિલ્હી: સંસદના ચોમાસા સત્રના સાતમા દિવસે લોકસભાનું ગૃહ અચાનક ભારે રાજકીય સંગ્રામનું મેદાન બની ગયું હતું. દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા NEET પેપર લીક કાંડ અને પેપર લીક વિરોધી કાયદામાં સુધારા અંગે ચાલી રહેલી ચર્ચા દરમિયાન વિપક્ષી નેતાઓએ સરકાર પર આકરા ચાબખા માર્યા હતા. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે સરકારની નિયત સામે સવાલો ઉઠાવતા તીખો પ્રહાર કર્યો હતો કે, "જે લોકો ચોરોને ઓફર આપવાનું બંધ નથી કરી શક્યા, તેઓ પેપર લીક કેવી રીતે રોકવાના છે?" આ માહોલ વચ્ચે કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ પોતાના હક માટે રસ્તા પર ઉતરેલા નિર્દોષ યુવાનો અને વિદ્યાર્થીઓ પર થયેલા બળપ્રયોગનો મુદ્દો ઉઠાવીને સીધા વડાપ્રધાન અને ગૃહમંત્રીને કઠેડામાં ઊભા કરી દીધા હતા.
પ્રિયંકા ગાંધીએ ગૃહમાં ગરજતાં પ્રશ્ન કર્યો હતો કે, "પોતાના ભવિષ્ય અને ન્યાય માટે અવાજ ઉઠાવતા માસૂમ વિદ્યાર્થીઓ પર આટલી ક્રૂરતાથી લાઠીચાર્જ, ટીયર ગેસ અને પેલેટ ગન છોડવાનો આદેશ આખરે કોણે આપ્યો હતો?" આટલેથી ન અટકતાં તેમણે એક કેન્દ્રીય મંત્રી પર ગંભીર આરોપો લગાવતા જ શાસક પક્ષના સાંસદોએ ભારે હોબાળો મચાવી દીધો હતો. તંગદિલી એટલી વધી ગઈ કે પ્રિયંકા ગાંધીનો માઈક્રોફોન બંધ કરી દેવાયો હતો અને સંસદ ટીવીનું લાઈવ પ્રસારણ પણ અચાનક અટકાવી દેવું પડ્યું હતું. સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ આ આરોપોને ચરિત્ર હત્યા ગણાવીને વિપક્ષ પાસે બિનશરતી માફીની માંગ કરી હતી.
બીજી તરફ, સંસદના આ સત્ર પહેલાં જ દેશના રાજકારણમાં એક નવો મોટો ધડાકો જોવા મળ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી એનડીએ ની મહત્વપૂર્ણ બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસમાંથી બળવો કરીને અલગ થયેલા ૨૦ જેટલા સાંસદોએ હાજરી આપી હતી. 'નેશનાલિસ્ટ સિટીઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયા' ના બેનર હેઠળ એકઠા થયેલા સુદીપ બંદોપાધ્યાય અને કાકોલી ઘોષ દસ્તીદાર સહિતના આ તમામ બળવાખોર સાંસદો ભાજપ સાથે વિલીનીકરણ તરફ આગળ વધી રહ્યા છે. સતત છ દિવસના મડાગાંઠ બાદ ભલે પેપર લીક અને MSME બિલ પર ચર્ચા કરવા સંમતિ બની હોય, પરંતુ ગૃહમાં સર્જાયેલા આ ધમાસાણે ચોમાસુ સત્રના વાતાવરણને વધુ ગરમાવી દીધું છે.
(5:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
