<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

સ્‍કૂલબેગમાં બંદૂક લઈને આવ્‍યો વિદ્યાર્થીઃ ક્‍લાસમાં ફાયરિંગ, ૧ ઘાયલ

અમેરિકાનું ગન કલ્‍ચર ભારત પહોંચ્‍યું?

પલક્કડ તા.૨૫: કેરળમના પલક્કડ જિલ્‍લામાં આવેલી એક શાળામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ત્રિથલા વિસ્‍તારની પરુથુર ઉચ્‍ચતર માધ્‍યમિક શાળામાં નવમા ધોરણના એક વિદ્યાર્થીને ગોળી વાગતાં સમગ્ર શાળા પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, એક વિદ્યાર્થી કથિત રીતે પોતાના ઘરેથી બંદૂક લઈને શાળાએ આવ્‍યો હતો. તે પોતાના સહપાઠીઓને બંદૂક બતાવી રહ્યો હતો ત્‍યારે અચાનક ગોળી છૂટી ગઈ હતી. આ ઘટનામાં અન્‍ય એક વિદ્યાર્થીના હાથમાં ગોળી વાગી હતી. ઇજાગ્રસ્‍ત વિદ્યાર્થીને તાત્‍કાલિક સારવાર માટે હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યો હતો. બીજી તરફ, ઘટનાની જાણ થતાં જ પોલીસ શાળાએ પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.

મળતી પ્રાથમિક માહિતી મુજબ, નવમા ધોરણમાં અભ્‍યાસ કરતો એક વિદ્યાર્થી કથિત રીતે પોતાના ઘરેથી બંદૂક લઈને શાળામાં આવ્‍યો હતો. તેનો ઇરાદો પોતાના મિત્રોને બંદૂક બતાવવાનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન વર્ગખંડમાં કેટલાક વિદ્યાર્થીઓ બંદૂકને જોઈ રહ્યા હતા અને તેનું પરીક્ષણ કરી રહ્યા હતા. એ જ સમયે અચાનક બંદૂકમાંથી ગોળી છૂટી હતી, જે અન્‍ય એક વિદ્યાર્થીના હાથમાં વાગી હતી. પ્રાથમિક અહેવાલો અનુસાર, આ ઘટના જાણીજોઈને કરવામાં આવેલા હુમલાને બદલે અકસ્‍માત હોવાનું જણાય છે. જોકે, ઘટનાની વાસ્‍તવિક પરિસ્‍થિતિ પોલીસ તપાસ બાદ જ સ્‍પષ્ટ થશે.

વર્ગખંડમાં ગોળી છૂટતાં જ વિદ્યાર્થીઓ અને શાળાના સ્‍ટાફમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ગોળી વાગવાથી ઘાયલ થયેલા વિદ્યાર્થીને તાત્‍કાલિક હોસ્‍પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્‍યો હતો. ઘટનાની જાણ થતાં ત્રિથલા પોલીસની ટીમ શાળામાં પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરીને ઘટનાસ્‍થળની વિગતો એકત્રિત કરી હતી.

હવે પોલીસ માટે સૌથી મોટો સવાલ એ છે કે સગીર વિદ્યાર્થી પોતાના ઘરેથી બંદૂક લઈને શાળા સુધી કેવી રીતે પહોંચ્‍યો? ઉપરાંત, બંદૂક કોની માલિકીની હતી અને તે વિદ્યાર્થીઓના હાથમાં કેવી રીતે આવી, તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ એ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે વર્ગખંડમાં ગોળી કયા સંજોગોમાં છૂટી હતી અને આ ઘટનામાં અન્‍ય કોઈની બેદરકારી હતી કે નહીં. હાલમાં આ મામલે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની હકીકત અને જવાબદારી અંગે સ્‍પષ્ટતા થઈ શકશે.(

(10:19 AM IST)