<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

દિલ્હીમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન પર સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ: જંતર-મંતર પર RAF દ્વારા વપરાયેલા દારૂગોળાના લોગ સાચવવા કેન્દ્રને નિર્દેશ!

પેલેટ ગન પર સંપૂર્ણ પ્રતિબંધની માંગ પર કોર્ટે ઉઠાવ્યા સવાલ: ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ સારવાર આપવા દિલ્હી સરકારને કડક સૂચના

નવી દિલ્હી, તા.30: પાટનગર દિલ્હીના જંતર-મંતર ખાતે NEET પેપર લીક વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા વિવાદ અંગે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ અને મોટો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે વિરોધ પ્રદર્શન દરમિયાન તૈનાત કરાયેલી 'રેપિડ એક્શન ફોર્સ' (RAF) દ્વારા ઉપયોગમાં લેવાયેલા તમામ દારૂગોળા અને શસ્ત્રોના વિગતવાર લોગ (રેકોર્ડ) સુરક્ષિત રાખવામાં આવે.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને ન્યાયાધીશ વી. મોહનાની બનેલી બેન્ચે આ કેસની સુનાવણી કરતી વખતે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ધાતુની 'પેલેટ ગન' પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ કરતી અરજી પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (BPR&D) ની માર્ગદર્શિકાનો ઉલ્લેખ કરતા અદાલતે અવલોકન કર્યું હતું કે અત્યંત અપવાદરૂપ પરિસ્થિતિઓમાં પોલીસ અને સુરક્ષા દળો પાસે પેલેટ ગનનો ઉપયોગ કરવાનો અધિકાર રહેલો છે.
સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતા સમક્ષ કોર્ટે કેન્દ્ર સરકારને તમામ દારૂગોળાનો હિસાબ સુરક્ષિત રાખવા જણાવ્યું હતું. આ સાથે જ અદાલતે દિલ્હી સરકારને કડક નિર્દેશ આપ્યા છે કે વિરોધ પ્રદર્શન દરમિયાન પેલેટ ગનથી ઈજાગ્રસ્ત થયેલા તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે શ્રેષ્ઠ તબીબી સારવાર પૂરી પાડવામાં આવે.

(6:09 PM IST)