<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

વિદ્યાર્થીઓની માંગ વાજબી, તેમની વાત સાંભળવામાં શું વાંધો છે? : કૉંગ્રેસ સાંસદ શ્રીમતી પ્રિયંકા ગાંધી વાડ્રાના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો : શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી

લોકશાહીમાં વિરોધ પ્રદર્શન કરવો મૂળભૂત અધિકાર : અદાણી - અંબાણીના ૧૬ લાખ કરોડના દેવાં માફ કરાયા પણ દેશના શિક્ષણ પાછળ માત્ર ૧.૪ લાખ કરોડ ખર્ચાયા : શિક્ષણ વ્યવસ્થાના સુધારા માટે સંસદમાં ખરડો લાવવા અપીલ

નવી દિલ્હી: દેશમાં શિક્ષણ વ્યવસ્થા અને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનના મુદ્દે કૉંગ્રેસ સાંસદ શ્રીમતી પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેન્દ્ર સરકાર પર તીખા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું છે કે આપણા દેશના બાળકો એ રાષ્ટ્રનું ભવિષ્ય છે અને તેમની વાત સાંભળવામાં સરકારને શું વાંધો છે? વિદ્યાર્થીઓની માંગણીઓ સંપૂર્ણપણે વાજબી છે અને તેમના લોકશાહી પ્રતિનિધિ તરીકે તેમનો અવાજ ઉઠાવવો અને તેને વધુ મજબૂત બનાવવો એ કૉંગ્રેસ પક્ષની જવાબદારી છે.

શ્રીમતી પ્રિયંકા ગાંધી વાડ્રાએ ભારપૂર્વક જણાવ્યું કે લોકશાહી પ્રણાલીમાં વિરોધ પ્રદર્શન કરવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર છે અને જ્યાં પણ જરૂર પડશે ત્યાં તેઓ અવાજ ઉઠાવતા રહેશે. કૉંગ્રેસની માંગણી શરૂઆતથી જ સ્પષ્ટ અને એકસરખી રહી છે કે દેશની ખોરવાઈ ગયેલી શિક્ષણ વ્યવસ્થામાં તાત્કાલિક ધોરણે સુધારો કરવો પડશે. આ ગંભીર મુદ્દે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નૈતિક જવાબદારી સ્વીકારીને તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ, સંસદમાં આ વિષય પર વિસ્તૃત ચર્ચા થવી જોઈએ અને અંદોલનકારી વિદ્યાર્થીઓની વાત સાંભળવી જોઈએ.

માતૃભૂમિ અને લોકશાહીના મૂલ્યોની વાત કરતા તેમણે ઉમેર્યું કે ‘વંદે માતરમ’નો સાચો અર્થ આપણી માતૃભૂમિનું સન્માન કરવાનો છે અને આપણી માતૃભૂમિ એ જ આપણી લોકશાહી છે. આ જ બાળકો અને યુવાનોએ મતદાન કરીને નેતાઓને સંસદમાં મોકલ્યા છે.

કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓ અને શિક્ષણ બજેટની આકરા શબ્દોમાં ટીકા કરતા શ્રીમતી પ્રિયંકા ગાંધી વાડ્રાએ સવાલ ઉઠાવ્યો હતો કે દેશની સમગ્ર શિક્ષણ વ્યવસ્થાના સંપૂર્ણ સુધારા માટે સંસદમાં ખાસ ખરડો (બિલ) શા માટે રજૂ કરવામાં આવતો નથી? એક તરફ અદાણી અને અંબાણી જેવા મોટા ઉદ્યોગપતિઓના ૧૬ લાખ કરોડ રૂપિયાના કરજ માફ કરી દેવામાં આવ્યા છે, જ્યારે બીજી તરફ સમગ્ર દેશના શિક્ષણ પાછળ સરકાર દ્વારા માત્ર ૧.૪ લાખ કરોડ રૂપિયા જ ખર્ચવામાં આવ્યા છે.

(12:11 AM IST)