<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

ખાન સરના કોચિંગ ક્‍લાસ બહાર અંધાધૂંધ ફાયરિંગ બાદ વિદ્યાર્થીઓમાં ફફડાટઃ ક્‍લાસ બંધ રાખ્‍યા!

સુરક્ષા વચ્‍ચે ખાન સરે શિક્ષણ માફિયાઓ સામે બંડ પોકારતા કહ્યું: ‘અમે ડરીને ચૂપ બેસવાના નથી'

પટણા, તા.૩: બિહારની રાજધાની પટણામાં સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓના કિંગ અને સોશિયલ મીડિયા પર કરોડો દિલો પર રાજ કરનારા પ્રખ્‍યાત શિક્ષક ‘ખાન સર'ના કોચિંગ સેન્‍ટર બહાર મોડી રાત્રે અચાનક થયેલા ગોળીબારથી સમગ્ર વિસ્‍તારમાં સનાટો વ્‍યાપી ગયો છે. કદમકુઆન પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં બનેલી આ સનસનાટીભરી ઘટના બાદ વિદ્યાર્થીઓ ભારે ગભરાટમાં છે. આ હિંસક હુમલાના વિરોધમાં અને કાયદો-વ્‍યવસ્‍થાના આક્રોશમાં ખાન સરે બુધવારે સવારે ક્‍લાસમાં ભણાવવાનો સ્‍પષ્ટ ઇનકાર કરી દીધો હતો. તેમણે હજારો આશાસ્‍પદ વિદ્યાર્થીઓને ઘરે પરત ફરવા કહી દીધું હતું અને જાહેરાત કરી હતી કે, આજે કોઈ વર્ગો નહીં થાય, કળપા કરીને બધા શાંતિ જાળવી રાખો. આ ઘટનાને પગલે પટણાના શૈક્ષણિક જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

ગોળીબારની આ ઘટના પાછળ શિક્ષણ જગતની આંતરિક દુશ્‍મનાવટ અને સસ્‍તા શિક્ષણ સામેનો આક્રોશ હોવાનું સામે આવી રહ્યું છે. ખાન સરે આ હુમલા પાછળનો અસલી ચહેરો ખુલ્લો પાડતા ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે પત્રકારોને જણાવ્‍યું હતું કે, સૌથી મોટી સમસ્‍યા એ છે કે અમે આટલી ઓછી ફીમાં ગરીબ બાળકોને કેમ ભણાવી રહ્યા છીએ? જ્‍યારે હજારો ગરીબ અને વંચિત પરિવારોના બાળકો સફળતાના શિખરો સર કરવા લાગે છે, ત્‍યારે કેટલાક અસામાજિક તત્‍વો અને શિક્ષણ માફિયાઓના પગ નીચેથી જમીન સરકી જાય છે. તેઓ ડરી ગયા છે અને આવી કાયરતાપૂર્ણ હરકતો કરીને આપણને ડરાવીને ચૂપ કરવા માંગે છે, પણ તેઓ ભ્રમમાં છે.

જો કે, આ ખૌફનાક ઘટના બાદ પટણા પોલીસ અને વહીવટીતંત્ર તાત્‍કાલિક એક્‍શન મોડમાં આવ્‍યું હતું. ખાન સરની સુરક્ષા અને અરાજકતા રોકવા માટે કોચિંગ સેન્‍ટરની આસપાસ આખી રાત ૫૦ થી ૬૦ સશષા પોલીસ જવાનોનો મોટો કાફલો તૈનાત કરી દેવામાં આવ્‍યો હતો. ખાન સરે પોલીસની આ ત્‍વરિત કાર્યવાહી પર સંતોષ વ્‍યક્‍ત કર્યો છે અને વહીવટીતંત્રનો આભાર માન્‍યો છે. હાલમાં પોલીસે સમગ્ર વિસ્‍તાર સીલ કરીને ગુનેગારોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે, પરંતુ આ હુમલાએ પટણાના કોચિંગ હબમાં સુરક્ષા વ્‍યવસ્‍થા પર મોટા સવાલો ઉભા કરી દીધા છે

(3:31 PM IST)