<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

ઝારખંડમાં ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિ સામે બળવો: 'વાંગચુક ૨.૦' દેવેન્દ્રનાથ મહતો વિદ્યાર્થીઓ માટે આમરણાંત ઉપવાસ પર

JPSC અને JSSC પરીક્ષાઓમાં ધાંધલી અને પેપર લીકના વિરોધમાં રાંચીમાં હજારો વિદ્યાર્થીઓ રોડ પર : CBI અને ED તપાસની માંગ સાથે વિદ્યાર્થી નેતાના અનિશ્ચિતકાલીન ભૂખ હડતાળ

રાંચી :  દેશમાં NEET પેપર લીક અંગેનો વિરોધ ભલે થોડો શાંત પડ્યો હોય, પરંતુ ઝારખંડમાં વિદ્યાર્થીઓનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન (JPSC) અને ઝારખંડ સ્ટાફ સિલેક્શન કમિશન (JSSC) ની ભરતી પરીક્ષાઓમાં થયેલી કથિત ગેરરીતિઓ સામે રાંચીમાં હજારો યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા છે. લડાખના સુપ્રસિદ્ધ કાર્યકર્તા સોનમ વાંગચુકની જેમ જ અહીં વિદ્યાર્થીઓના હક્ક અને ભવિષ્ય માટે યુવા નેતા દેવેન્દ્ર નાથ મહતો આમરણાંત ઉપવાસ પર બેસી ગયા છે, જેથી તેમને સ્થાનિક સ્તરે 'વાંગચુક ૨.૦' તરીકે ઓળખવામાં આવી રહ્યા છે.

અઠવાડિયાથી વધુ સમય ચાલેલા સતત વિરોધ પ્રદર્શન છતાં રાજ્ય સરકાર કે વહીવટી તંત્ર તરફથી કોઈ સકારાત્મક પ્રતિભાવ ન મળતાં દેવેન્દ્ર નાથ મહતોએ રવિવારે રાત્રે આ કડક આંદોલનાત્મક પગલું ભર્યું હતું. મહતોના જણાવ્યા અનુસાર, આ આંદોલન હવે ઝારખંડના લાખો બેરોજગાર યુવાનો માટે "કરો યા મરો" ની સ્થિતિ બની ગયું છે. વિદ્યાર્થીઓની મુખ્ય માંગણી એ છે કે JPSC અને JSSC દ્વારા લેવાયેલી શંકાસ્પદ પરીક્ષાઓની કેન્દ્રીય તપાસ એજન્સીઓ જેવી કે CBI અને ED દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરાવવામાં આવે. આ વિરોધ પ્રદર્શનને દિલ્હીથી 'કોકરોચ જનતા પાર્ટી'ના સ્થાપક અભિજીત દીપકે પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ખુલ્લું સમર્થન આપ્યું છે.

રાંચીના એક સામાન્ય ગ્રામીણ પરિવારમાંથી આવતા દેવેન્દ્ર નાથ મહતોએ ડો. શ્યામા પ્રસાદ મુખર્જી યુનિવર્સિટીમાંથી આદિવાસી, સ્થાનિક ભાષાઓ અને સંસ્કૃતમાં ઉત્કૃષ્ટ ગુણો સાથે અનુસ્નાતક કર્યું છે. વર્ષ ૨૦૧૫ થી વિદ્યાર્થી આંદોલનોમાં સક્રિય રહેલા મહતોએ પેપર લીક, શિષ્યવૃત્તિ અને સ્થાનિક અનામત નીતિઓ માટે લાંબી લડાઈ લડી છે. છઠ્ઠી JPSC પરીક્ષાના વિરોધ પ્રદર્શન દરમિયાન તેમની માતાનું દુઃખદ અવસાન થયું હોવા છતાં તેમણે વિદ્યાર્થી હિત માટેની લડાઈ ચાલુ રાખી હતી. તામર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી ચૂકેલા મહતોના આ આમરણાંત ઉપવાસે હવે ઝારખંડના રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે.

(10:15 PM IST)