તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd July 2026
જંતર-મંતર પર પુસ્તકાલય શરૂ કરવા ગયેલા વિદ્યાર્થીઓ પર પોલીસનો કથિત અત્યાચાર: ગળા અને હાથ પર ઈજાના નિશાન સાથેની તસવીરો વાયરલ
કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત ડીપકેએ દિલ્હી પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવ્યા; વિરોધ પ્રદર્શન સ્થળે જ્ઞાનનો પ્રસાર કરવા માંગતા વિદ્યાર્થીઓને માર માર્યાનો દાવો

નવી દિલ્હી : રાજધાની દિલ્હીના જંતર-મંતર ખાતે ચાલતા વિરોધ પ્રદર્શનના સ્થળે એક અનોખો વિવાદ સામે આવ્યો છે. અહીંના પ્રદર્શનકારીઓને અભ્યાસ તરફ વાળવા અને પુસ્તકો વાંચવા માટે પ્રોત્સાહિત કરવાના ઉમદા હેતુથી એક નાનકડું પુસ્તકાલય શરૂ કરવા ગયેલા બે વિદ્યાર્થીઓને દિલ્હી પોલીસે કથિત રીતે માર માર્યો હોવાની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ સમગ્ર મામલે 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ના સ્થાપક અભિજીત ડીપકેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' (અગાઉનું ટ્વિટર) પર દિલ્હી પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
અભિજીત ડીપકેએ સોશિયલ મીડિયા પર આ ઘટનાની વિગતો શેર કરતા જણાવ્યું હતું કે, આ બંને વિદ્યાર્થીઓ જંતર-મંતર ખાતે એક નાનું 'ઓપન લાઈબ્રેરી' સ્થાપવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય ત્યાં હાજર લોકોમાં વાંચન સંસ્કૃતિનો પ્રસાર કરવાનો હતો, જેથી લોકો વિરોધ પ્રદર્શનની સાથે સાથે જ્ઞાનવર્ધક પુસ્તકો પણ વાંચી શકે. જોકે, આ દરમિયાન ત્યાં ફરજ પર તૈનાત દિલ્હી પોલીસના જવાનોએ તેમને રોક્યા હતા અને મામલો ઉગ્ર બનતા પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાનો આક્ષેપ ડીપકેએ કર્યો છે.
પોતાના સોશિયલ મીડિયા પોસ્ટમાં અભિજીત ડીપકેએ કેટલીક તસવીરો અને વીડિયો પણ પુરાવા તરીકે રજૂ કર્યા છે. આ વીડિયો અને તસવીરોમાં એક યુવકના ગળા અને હાથના ભાગે ઈજાના સ્પષ્ટ નિશાન જોવા મળી રહ્યા છે, જે પોલીસની લાઠી કે બળપ્રયોગને કારણે થયા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે. ડીપકેએ આ ઘટનાને લોકશાહીમાં અભિવ્યક્તિ અને શિક્ષણના અધિકાર પરનો હુમલો ગણાવ્યો છે.
આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર પણ દિલ્હી પોલીસની ટીકાઓ શરૂ થઈ છે. વિદ્યાર્થીઓ પર થયેલા આ કથિત હુમલાને લઈને અનેક લોકોએ રોષ વ્યક્ત કર્યો છે. બીજી તરફ, આ મામલે અત્યાર સુધી દિલ્હી પોલીસ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કે નિવેદન બહાર આવ્યું નથી. પુસ્તકાલય સ્થાપવા જેવા શાંતિપૂર્ણ પ્રયાસ સામે પોલીસના આ કથિત બળપ્રયોગને લઈને હવે આગામી સમયમાં નવો રાજકીય અને સામાજિક વિવાદ વકરે તેવી શક્યતા જણાઈ રહી છે.
(10:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
