News of Saturday, 5th September 2026
સુભાષ ચંદ્રાની સંપત્તિના દાવામાં આભ-જમીનનું અંતરઃ એલઆઈસી હાઉસિંગ સાથે રૂ. ૧,૩૨૨ કરોડની કથિત છેતરપિંડીનો કેસ
રૂ. ૫૯,૧૧૩ કરોડની નેટવર્થ બતાવી ધિરાણ મેળવ્યાનો આરોપઃ વર્ષ ૨૦૨૪માં સંપત્તિ માત્ર રૂ. ૩૧.૭૯ કરોડ દર્શાવી

નવી દિલ્હી: સીબીઆઈએ એસ્સેલ જૂથના અધ્યક્ષ સુભાષ ચંદ્રા, સંબંધિત કંપનીઓ અને અધિકારીઓ સામે કાવતરું તથા છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે.
એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સની ફરિયાદના આધારે સીબીઆઈએ સુભાષ ચંદ્રા અને અન્ય સામે રૂ. ૧,૩૨૨ કરોડથી વધુની કથિત ધિરાણ છેતરપિંડીનો કેસ નોંધ્યો છે. ફરિયાદ મુજબ વર્ષ ૨૦૧૮માં વસંત સાગર પ્રોપર્ટીઝ અને ડિજિટલ સબ્સ્ક્રાઇબર મેનેજમેન્ટ સહિતની કંપનીઓને કુલ રૂ. ૯૮૦ કરોડની બે ધિરાણ સુવિધા આપવામાં આવી હતી. આ ધિરાણ માટે ચંદ્રાએ વ્યક્તિગત જામીન આપ્યા હતા.
એક પ્રમાણપત્રમાં તેમની નેટવર્થ રૂ. ૫૯,૧૧૩.૨૧ કરોડ અને બીજા પ્રમાણપત્રમાં રૂ. ૪૦,૫૬૨ કરોડ દર્શાવાઈ હતી. બાદમાં વ્યક્તિગત નાદારીની કાર્યવાહીમાં વર્ષ ૨૦૨૪ની નેટવર્થ માત્ર રૂ. ૩૧.૭૯ કરોડ જણાવાઈ હતી. ફરિયાદમાં ખોટા દસ્તાવેજો, નાણાંના કથિત દુરુપયોગ અને લોન ખાતાં બિનકાર્યક્ષમ બન્યાના આરોપો મૂકાયા છે. તમામ આરોપોની તપાસ હજુ ચાલુ છે
(9:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
