<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

આયોવામાં 60 વર્ષ જૂના 4.4 ટન ઘાતક વિસ્ફોટકોનો સફળ નાશ: 68 ડ્રમના ખતરાને ટાળવા અમેરિકન સેનાએ અપનાવી હાઈ-ટેક સુરક્ષા વ્યૂહરચા

કાનૂની અડચણો અને વિલંબ બાદ નિયંત્રિત વિસ્ફોટથી ખતરો ટળ્યો, હવા અને આસપાસનો વિસ્તાર સુરક્ષિત જાહેર; ધૂળ અને સીસાના કણો રોકવા રેતીની દિવાલો, પાણી, ફીણ અને ડ્રોનનો ઉપયોગ કરાયો

આયોવા, તા. ૨૬: અમેરિકાના આયોવા ખાતે 68 ક્ષતિગ્રસ્ત ડ્રમમાં સંગ્રહિત આશરે 4.4 ટન અત્યંત સંવેદનશીલ ‘લીડ એઝાઇડ’ વિસ્ફોટકોનો અમેરિકન સરકારે નિયંત્રિત વિસ્ફોટ દ્વારા સફળતાપૂર્વક નાશ કર્યો છે. લાંબા સમયથી ચાલી રહેલી કાનૂની લડાઈ, વિરોધ પ્રદર્શનો અને વારંવારના વિલંબ બાદ લેવાયેલા આ પગલાને તંત્ર દ્વારા સંપૂર્ણ સફળ જાહેર કરવામાં આવ્યું છે, જેના પગલે સ્થાનિક રહેવાસીઓને સુરક્ષિત રીતે પોતાના ઘરે પરત ફરવાની ખાતરી આપવામાં આવી છે. પર્યાવરણીય સુરક્ષા એજન્સીના જણાવ્યા મુજબ, વિસ્ફોટના થોડા કલાકો બાદ હવામાં સીસાના કોઈ કણો મળી આવ્યા નથી, જોકે સાવચેતીના ભાગરૂપે આગામી દિવસો સુધી પરીક્ષણ ચાલુ રહેશે.

લીડ એઝાઇડ એ ગ્રેનેડ જેવા મોટા શસ્ત્રોમાં વિસ્ફોટ શરૂ કરવા માટે વપરાતો પ્રાથમિક વિસ્ફોટક છે. અમેરિકાએ લગભગ 15 વર્ષ પહેલાં તેનો ઉપયોગ બંધ કર્યો હતો કારણ કે તેનો સુરક્ષિત સંગ્રહ અને પરિવહન અત્યંત જોખમી છે. 2009માં બાકી રહેલો સ્ટોક—જેમાંનો કેટલોક ભાગ 60 વર્ષથી પણ વધુ જૂનો હતો—આયોવા પ્લાન્ટમાં એકત્રિત કરાયો હતો. 11 માર્ચે નિરીક્ષણ દરમિયાન બેરલની બહાર સ્ફટિકીકરણ (crystallisation) જોવા મળ્યું, જેનાથી તે ઘર્ષણ પ્રત્યે અત્યંત સંવેદનશીલ બની ગયું હતું અને ઢાંકણ ખોલવું કે હલાવવું પણ વિનાશક સાબિત થઈ શકે તેમ હતું.

ઠંડા હવામાનમાં આ વિસ્ફોટકો વધુ અસ્થિર બનતા હોવાથી શિયાળાની રાહ જોવી મોટું જોખમ હતું. નિષ્ણાતોએ રાસાયણિક નિષ્ક્રિયકરણ, બાળવું, પરિવહન કે માત્ર સંગ્રહ જેવા વિકલ્પોને અસુરક્ષિત ગણાવી નકારી કાઢ્યા હતા. પર્યાવરણીય સંસ્થાઓની અરજીને પગલે કોર્ટના નિર્ણયની રાહ જોવાઈ અને વિસ્ફોટની તારીખ ત્રણ વખત બદલાઈ હતી.

80 વર્ષ જૂના તિરાડ પડેલા કોંક્રિટ બંકરમાં રાખેલા આ ડ્રમ્સના વિસ્ફોટથી ધૂળ અને સીસાના કણો ન ફેલાય તે માટે સેનાએ બે માળ ઊંચી રેતીની દિવાલો, ચાર 16,000-ગેલન ટાંકીઓ, જેલ બ્લોક્સ અને બે ફૂટ જાડા ફીણના સ્તરની પાણીની દિવાલ બનાવી હતી. હવામાં સીસાનું સ્તર તપાસવા ડ્રોન તૈનાત કરાયા હતા. સાવચેતીના ભાગરૂપે પ્લાન્ટથી દક્ષિણ-પશ્ચિમમાં પાંચ માઇલનો વિસ્તાર અને એક માઇલનો બફર ઝોન ખાલી કરાવવામાં આવ્યો હતો, આયોવામાં કટોકટી જાહેર કરાઈ હતી અને મિઝોરીએ કટોકટી કેન્દ્ર સક્રિય કર્યું હતું, જ્યારે અંદાજે 350 ખેતરો પ્રભાવિત થવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી.

(5:34 PM IST)