<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

બેગુસરાયમાં જન્માષ્ટમીના મેળામાં અચાનક ચીસાચીસ અને અફરાતફરી: ઝૂલો તૂટ્યાની ખોટી અફવા ફેલાતા ભયાનક ભાગદોડ : ૧૫થી ૨૦ લોકો ઈજાગ્રસ્ત

બિહારના ચેરિયા બરિયારપુરમાં ભક્તિમય માહોલ વચ્ચે બેરિકેડ તૂટતા જ કાળમુખી અફવાએ ગભરાટ ફેલાવ્યો: ધક્કામુક્કીમાં અનેક શ્રદ્ધાળુઓ નીચે પટકાયા : વહીવટીતંત્રે મોરચો સંભાળી સ્થિતિ કાબૂમાં લીધી

બેગુસરાય:  બિહારના બેગુસરાય જિલ્લામાં આવેલા ચેરિયા બરિયારપુર ખાતે કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે યોજાયેલા રોશનીથી ઝળહળતા મેળામાં અચાનક ભક્તિનો આનંદ કિલકારીઓ અને ચીસાચીસમાં ફેરવાઈ ગયો હતો. મેળામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને આબાલવૃદ્ધો ઉમટી પડ્યા હતા, ત્યારે રાત્રિના સમયે અચાનક અફરાતફરી મચી ગઈ હતી. ઝૂલાની નજીક લોકોની ભારે ભીડને કારણે સુરક્ષા માટે મુકાયેલું બેરિકેડ અચાનક ધડાકાભેર તૂટી પડ્યું હતું. બેરિકેડ તૂટતા જ ભીડમાં કોઈ અજ્ઞાત તત્વો દ્વારા "ઝૂલો તૂટી પડ્યો છે" તેવી ભયાનક અફવા ફેલાવી દેવામાં આવી હતી, જેના કારણે ક્ષણભરમાં જ લોકો જીવ બચાવવા માટે આડેધડ દોડવા લાગ્યા હતા.

આ ખોટી અફવાને કારણે મેળાના પરિસરમાં જોતજોતામાં ભયાનક ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. લોકો એકબીજા પરથી કૂદીને અને ધક્કામુક્કી કરીને ભાગવા લાગ્યા હતા, જેમાં નાના બાળકો અને મહિલાઓ સહિત અંદાજે ૧૫ થી ૨૦ જેટલા લોકો નીચે પટકાતા ઈજાગ્રસ્ત થયા હતા. અંધાધૂંધી એટલી હદે વધી ગઈ હતી કે ઝૂલાના ટિકિટ કાઉન્ટર અને અન્ય અસ્થાયી સ્ટોલ પણ ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા. ઘટનાસ્થળેથી સામે આવેલા વીડિયોમાં ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા છે, જેમાં લોકો પોતાના પરિજનોને બચાવવા માટે ચીસો પાડતા અને અહીં-ત્યાં ભાગતા નજરે પડે છે.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્રની ટીમ તાબડતોબ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે માઈકિંગ દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા વિનંતી કરી હતી, જેના પછી પરિસ્થિતિ ધીમે ધીમે કાબૂમાં આવી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક પ્રશાસને સ્પષ્ટતા કરી છે કે ઝૂલો તૂટવાની વાત સંપૂર્ણપણે અફવા હતી અને માત્ર બેરિકેડ તૂટવાને કારણે આ ગભરાટ ફેલાયો હતો. હાલ વહીવટીતંત્રે ઘટનાની ગંભીર નોંધ લઈને અફવા ફેલાવનારાઓની તપાસ શરૂ કરી દીધી છે.

(8:11 PM IST)