<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th May 2026

પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલાનો સિલસિલો યથાવત : બન્નુમાં પોલીસ ચેકપોસ્ટ પર કાર બોમ્બ બ્લાસ્ટમાં ૩ જવાનોના મોત

આતંકવાદીઓએ વિસ્ફોટકો ભરેલી કાર ચેકપોસ્ટ સાથે અથડાવી : વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે સુરક્ષા ચોકી સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ

ઈસ્લામાબાદ:પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ફરી એકવાર આતંકવાદીઓએ સુરક્ષા દળોને નિશાન બનાવ્યા છે. બન્નુ જિલ્લામાં આવેલી એક પોલીસ ચેકપોસ્ટ પર ભયાનક કાર બોમ્બ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ફરજ પરના ૩ પોલીસ જવાનોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે. આ હુમલામાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓ વિસ્ફોટકોથી ભરેલી કાર લઈને આવ્યા હતા અને સીધી પોલીસ ચેકપોસ્ટ સાથે અથડાવી દીધી હતી. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે તેનો અવાજ કિલોમીટરો સુધી સંભળાયો હતો અને ચેકપોસ્ટની ઈમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લઈને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી આતંકવાદી સંગઠન તેહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ની પ્રવૃત્તિઓ વધી ગઈ છે. ખાસ કરીને અફઘાનિસ્તાન સરહદને અડીને આવેલા વિસ્તારોમાં પોલીસ અને સૈન્ય પરના હુમલામાં નોંધપાત્ર વધારો થયો છે. બન્નુમાં થયેલો આ હુમલો સુરક્ષા એજન્સીઓની નિષ્ફળતા અને આતંકવાદીઓના વધતા મનોબળનો પુરાવો આપે છે.

હુમલાની જવાબદારી હજુ સુધી કોઈ સંગઠને સત્તાવાર રીતે સ્વીકારી નથી, પરંતુ પોલીસના મતે આ હુમલા પાછળ સીમાપારના આતંકવાદી જૂથોનો હાથ હોઈ શકે છે. મૃતક જવાનોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે અને શહીદ જવાનોના સન્માનમાં ગાર્ડ ઓફ ઓનરની તૈયારીઓ કરવામાં આવી રહી છે. પાકિસ્તાની જનતામાં વધતી જતી અસુરક્ષાની લાગણી વચ્ચે સરકારે આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

(7:55 PM IST)