<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

બંગાળમાં પરિવર્તનનો સૂરજ ઊગ્યો: આપણો મંત્ર ‘બદલો નહીં પણ બદલાવ’ :ભયની નહીં પણ ભવિષ્ય: વિજય સંબોધનમાં પીએમ મોદીએ બંગાળને હિંસામુક્ત બનાવવા અપીલ કરી

પીએમ મોદીએ વિજય સંબોધનમાં મોટી જાહેરાત કરતા કહ્યું કે, સરકારની પહેલી જ કેબિનેટ બેઠકમાં આયુષ્માન ભારત યોજના ને મંજૂરી અપાશે,તેમણે યુવાનોને રોજગાર આપવા, પલાયન રોકવા અને ઘૂસણખોરો સામે કડક કાર્યવાહી કરવાનો પણ સંકલ્પ વ્યક્ત કર્યો

ભાજપ મુખ્યાલયે વિજય સંબોધન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસાના સંસ્કારને કાયમ માટે ખતમ કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, “આજે બંગાળમાં પરિવર્તનનો સૂરજ ઊગ્યો છે. આપણો મંત્ર ‘બદલો નહીં પણ બદલાવ’ હોવો જોઈએ. આપણે ભયની નહીં પણ ભવિષ્યની વાત કરવાની છે.” પીએમ મોદીએ તમામ કાર્યકરોને નમ્રતા સાથે વિજય પચાવવા અને બંગાળના નવનિર્માણમાં જોડાવા આહવાન કર્યું હતું.તેમણે વધુમાં ઉમેર્યું કે, લોકશાહીમાં હિંસાનું કોઈ સ્થાન નથી. બંગાળની જનતાએ જે વિશ્વાસ મૂક્યો છે, તેને સાર્થક કરવા માટે આપણે હિંસામુક્ત અને સુરક્ષિત બંગાળ બનાવવાનું છે. પીએમ મોદીએ બંગાળના ભવિષ્ય માટે ‘વિકાસવાદ’ ને જ એકમાત્ર રસ્તો ગણાવ્યો હતો.

વિજય સંબોધન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પશ્ચિમ બંગાળની સુરક્ષા વ્યવસ્થા પર ભાર મૂકતા જણાવ્યું કે, “હું આજે દરેક બંગાળવાસીને ખાતરી આપું છું કે હવે બંગાળમાં મહિલાઓને સુરક્ષાનું વાતાવરણ મળશે. ભાજપ સરકાર બંગાળના ઉજ્જવળ ભવિષ્ય માટે દિવસ-રાત એક કરી દેશે.”પીએમ મોદીએ વધુમાં મોટી જાહેરાત કરતા કહ્યું કે, સરકારની પહેલી જ કેબિનેટ બેઠકમાં આયુષ્માન ભારત યોજના ને મંજૂરી આપવામાં આવશે. આ સાથે જ તેમણે યુવાનોને રોજગાર આપવા, પલાયન રોકવા અને ઘૂસણખોરો સામે કડક કાર્યવાહી કરવાનો પણ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સંબોધનના અંતે તેમણે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરને યાદ કરીને બંગાળના નવા યુગની શરૂઆત ગણાવી હતી.

 

 

ભાજપ મુખ્યાલયેથી કાર્યકરોને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિજયનો મંત્ર આપતા જણાવ્યું કે, “આજના પરિણામોએ સાબિત કરી દીધું છે કે દેશની જનતા હવે માત્ર વિકાસ અને સુશાસનના રાજકારણને જ પ્રાધાન્ય આપે છે. જનતા બધું જોઈ રહી છે અને તેમને વિશ્વાસ છે કે જ્યાં ભાજપ છે ત્યાં જ વિકાસ શક્ય છે.”પીએમ મોદીએ આસામમાં મળેલી હેટ્રિક અને પુડુચેરીમાં NDA ના મજબૂત દેખાવની સાથે પશ્ચિમ બંગાળમાં થયેલા ઐતિહાસિક પરિવર્તનને લોકશાહીની મોટી જીત ગણાવી હતી. તેમણે વધુમાં ઉમેર્યું કે, “આસામથી લઈને બંગાળ અને પુડુચેરી સુધી જનતાએ ભાજપના મોડલ પર મહોર મારી છે. આ વિજય સાબિત કરે છે કે જો હેતુ સાફ હોય અને નીતિ સ્પષ્ટ હોય, તો જનતા આશીર્વાદ આપવામાં ક્યારેય પાછી પાની કરતી નથી.

 

 

ભાજપ મુખ્યાલયે વિજય સંબોધન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી ભાવુક થયા હતા અને જણાવ્યું હતું કે, "2013માં જ્યારે હું કાશી ગયો ત્યારે મેં કહ્યું હતું કે મને મા ગંગાએ બોલાવ્યો છે, આજે હું અનુભવી રહ્યો છું કે મા ગંગા આપણા પર પોતાની કૃપા વરસાવી રહી છે." પીએમ મોદીએ વધુમાં ઉમેર્યું કે ગંગાની સાથે બ્રહ્મપુત્રના પણ આપણા પર આશીર્વાદ રહ્યા છે, જેના કારણે આસામની જનતાએ સતત ત્રીજી વખત ભાજપ-NDA પર અતૂટ ભરોસો મૂકીને જીતની હેટ્રિક સર્જી છે.

 

 

ભાજપ મુખ્યાલયે કાર્યકરોને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ આ જીતને ઐતિહાસિક ગણાવી હતી. તેમણે કહ્યું કે, "કાર્યકરોની વર્ષોની સાધના આજે સિદ્ધિમાં બદલાઈ છે. પવિત્ર ગંગાથી લઈને ગંગાસાગર સુધી આજે દરેક જગ્યાએ કમળ ખીલ્યું છે. જનતાએ ભાજપ પર જે અતૂટ વિશ્વાસ મૂક્યો છે, તે બદલ હું તેમનો આભારી છું."

 

(9:12 PM IST)