<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th July 2026

હિન્દી ફિલ્મ સંગીત જગતના દિગ્ગજ સંગીતકાર પ્યારેલાલ શર્માના પત્ની સુનીલા શર્માનું ૭૮ વર્ષની વયે દુઃખદ નિધન : બોલિવૂડ અને સંગીતપ્રેમીઓમાં ઘેરા શોકની લાગણી

સરળતા, સમર્પણ અને શાંત સ્વભાવના પ્રતીક સમાન સુનીલા શર્માએ મુંબઈ ખાતે લીધા અંતિમ શ્વાસ : કાલે ૧૩ જુલાઈએ સવારે ૧૧:૩૦ વાગ્યે સાંતાક્રુઝ પશ્ચિમ સ્થિત સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કરાશે

મુંબઈ: હિન્દી સિનેમા સૃષ્ટિમાં પોતાના અમર સંગીતથી ધૂમ મચાવનારી સુપ્રસિદ્ધ લક્ષ્મીકાંત–પ્યારેલાલ જોડીના વરિષ્ઠ સંગીતકાર પ્યારેલાલ રામપ્રસાદ શર્માના પત્ની શ્રીમતી સુનીલા પ્યારેલાલ શર્માનું આજે ૧૨ જુલાઈ, ૨૦૨૬ના રોજ નિધન થયું છે. ૧૪ માર્ચ, ૧૯૪૮ના રોજ જન્મેલા શ્રીમતી સુનીલા શર્માના અવસાનથી પ્યારેલાલજી સહિત સમગ્ર શર્મા પરિવાર ઉપર શોકનો પહાડ તૂટી પડ્યો છે. પરિવાર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર શોકસંદેશ અનુસાર, તેમણે પોતાના પરિવારજનોની ઉપસ્થિતિ અને સ્નેહપૂર્ણ વાતાવરણ વચ્ચે શાંતિપૂર્વક અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ પોતાના જીવનકાળ દરમિયાન સરળતા, સમર્પણ, શાંત સ્વભાવ અને પરિવાર પ્રત્યેના નિઃસ્વાર્થ પ્રેમ માટે વિશેષ ઓળખ ધરાવતા હતાં.

પ્યારેલાલજી સાથે સંગીત અને ટીવી કાર્યક્રમોમાં અચૂક હાજરી આપતા:

શ્રીમતી સુનીલા શર્મા સંગીત ક્ષેત્રે પણ એટલા જ આદરણીય હતા. તેઓ દેશ-વિદેશના અનેક મોટા સંગીત સમારોહ અને ટેલિવિઝન રિયાલિટી શોના કાર્યક્રમોમાં હંમેશા પ્યારેલાલજીની સાથે સહભાગી થતા જોવા મળતાં હતાં. અગાઉના સમયમાં સુપ્રસિદ્ધ લક્ષ્મીકાંત–પ્યારેલાલ જોડીના સંગીતને સમર્પિત કરવામાં આવેલા વિવિધ ભવ્ય કાર્યક્રમોમાં પણ બંને પતિ-પત્નીએ એકસાથે પ્રેરક ઉપસ્થિતિ આપીને સંગીતરસિકોના દિલ જીત્યા હતા.

 આવતીકાલે સવારે ૧૧:૩૦ કલાકે સાંતાક્રુઝમાં યોજાશે અંતિમયાત્રા:

પરિવાર દ્વારા આપવામાં આવેલી વિગતવાર માહિતી મુજબ, દિવંગતના અંતિમ સંસ્કાર આવતીકાલે તારીખ ૧૩ જુલાઈના રોજ સવારે સાડા અગિયાર વાગ્યે મુંબઈના સાંતાક્રુઝ પશ્ચિમ વિસ્તારમાં આવેલા દત્તાત્રય રોડ પર, સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન નજીકના સ્મશાનગૃહ ખાતે કરવામાં આવશે. શર્મા, નથાણી, સિરુર અને હલ્દીપુર પરિવારે આ કપરા સમયમાં તમામ સંબંધીઓ, મિત્રો અને હમદર્દો દ્વારા મળેલા પ્રેમ, અવિરત પ્રાર્થના અને સહકાર બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.

શ્રીમતી સુનીલા શર્માના અવસાનના સમાચાર વહેતા થતા જ બોલિવૂડ ઉદ્યોગ, મિત્રો અને હિન્દી ફિલ્મ સંગીત સાથે સંકળાયેલા કલાકારો, ગાયકો અને સંગીતકારોના વર્તુળોમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. પરિવાર દ્વારા જાહેર કરાયેલા ભાવુક સ્મૃતિસંદેશમાં તેમને પ્રેમપૂર્વક યાદ કરતાં લખવામાં આવ્યું છે કે, તેમનું જીવનકાર્ય ખૂબ જ સુંદર રીતે પૂર્ણ થયું છે અને હવે તેઓ ચિરશાંતિમાં વિલીન થયાં છે. ૐ શાંતિ... 🙏🏻

(8:33 PM IST)